લક્ષ્મીપૂજન, સુવર્ણ ખરીદી માટે શ્રેષ્ઠ દિવસ
આયુર્વેદના ડૉક્ટર્સ ધન્વન્તરીનું પૂજન કરશે મહાલક્ષ્મીના મંદિરમાં વિશેષ પૂજાના આયોજન
અમદાવાદ, રવિવાર
વાઘબારસ સાથે દિવાળીના પર્વનો પ્રારંભ થઇ ગયો છે અને આવતીકાલે ધન તેરસની ઉજવણી કરવામાં આવશે. ભારતીય પ્રાચિન શાસ્ત્રોમાં મહાલક્ષ્મીની પૂજા ઉપાસના કે સાધના માટે ધનતેરસને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. કેમકે, શાસ્ત્રોમાં ધનતેરસ, કાળીચૌદશ અને દિવાળીને સિદ્ધ દિવસ તેમજ રાત્રી ગણવામાં આવે છે. આ દિવસોમાં કરેલી સાધના-પૂજા અનેકગણું ફળ આપે છે. ધનતેરસના દિવસે મા લક્ષ્મી, સોના-ચાંદીના ઘરેણાનું પૂજન કરવામાં આવે છે.
આ ઉપરાંત ધનતેરસનો દિવસ વૈધ ધનવન્તરીનો અને અમૃત પ્રાગટયનો પણ દિવસ છે. પુરાણની કથા અનુસાર સમુદ્ર મંથન દરમિયાન આસો વદ તેરસના દિવસે ભગવાન ધનવંતરી પોતાના હાથમાં અમૃત કળશ લઇને પ્રગટ થયા હતા.સ્વામિનારાયણ કુમકુમ મંદિર મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે ‘ધનતેરસના દિવસે ધન્વન્તરિનું પ્રાગટય થયું હોવાથી ધન્વન્તરી ત્રયોદશી પણ કહેવામાં આવે છે. ધનતેરસ આરોગ્યની આરાધાનાનું પર્વ કહેવામાં આવે છે. આયુર્વેદ ડોક્ટર્સ આ દિવસે ધન્વન્તરીનું પૂજન કરે છે. આ દિવસે ભગવાનના સિંહાસન-દાગીનાનું શુદ્ધિકરણ કરવામાં આવે છે.’ ધનતેરસ નિમિત્તે અમદાવાદ સહિત રાજ્યના લક્ષ્મી માતાના મંદિરમાં પૂજનના વિશેષ આયોજન કરવામાં આવ્યા છે.
જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ધનતેરસના દિવસે દિવાળીના પાવન અવસરે ધનતેરસે કરેલી સાધનાથી મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આ વિષે જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું હતું કે ‘ધનતેરસના દિવસે લક્ષ્મીકમલા મંત્ર પ્રયોગ કરવો જોઇએ. આ મંત્ર લક્ષ્મીજીને પ્રિય છે અને તેની સાધનાથી આર્થિક લાભની સાથે નોકરી-વ્યવસાયમાં ઉન્નતી થાય છે. આ ઉપરાંત દરિદ્રતા નિવારણ માટે લક્ષ્મીદશાક્ષર, ઇન્દ્રદેવે કરેલી સિદ્ધ લક્ષ્મીમંત્ર પ્રયોગ સાધના, ચતુર લક્ષ્મી બીજ મંત્ર પ્રયોગ કરવો જોઇએ. આ ઉપરાંત કુબેર યંત્ર પ્રતિષ્ઠાથી ધન-ધાન્ય સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ભારતમાં કુબેર દેવના મંદિર કે પૂજાસ્થાન ઓછા હોવાથી કુબેરદેવની પૂજાનો અવસર ખાસ મળતો નથી. આ વખતે ધનતેરસના શુભ દિવસે લક્ષ્મી પૂજન સાથે કુબેર યંત્રની પ્રતિષ્ઠા અને પૂજન-અર્ચન ખાસ કરવું જોઇએ. કુબેરયંત્રની પ્રતિષ્ઠા-નિયમિત પૂજનથી કુબેરદેવની કૃપા પ્રાપ્ત થાય છે. જેના ફળ સ્વરૃપ જીવન ધાન્યથી સમૃદ્ધ બને છે, વેપાર-ધંધામાં સફળતા મળે છે, નોકરિયાતને પગાર-પ્રમોશન પ્રાપ્ત થાય છે. ‘
દિવાળી પૂર્વે અંતિમ રવિવારે ધૂમ ખરીદી
દિવાળી પૂર્વે અંતિમ રવિવાર હોવાથી અમદાવાદમાં આજે મોડી રાત્રી સુધી ધૂમ ખરીદી થઇ હતી. ઢાલગરવાડ, ત્રણ દરવાજા, રિલીફ રોડ, લાલ દરવાજા, મણિનગર, સીજી રોડ, ગુરુકુલ રોડ જેવા વિસ્તારોમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી. બપોરે ૪ઃ૦૦થી મોડી રાત્રે ૧૦ઃ૦૦ સુધી અનેક વિસ્તારમાં ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઇ હતી. દિલ્હી દરવાજા ખાતે ફટકાડાની ખરીદી માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.
૪૦૦ કિગ્રા સોનું વેચાય તેવી સંભાવના
ધનતેરસના પર્વ દરમિયાન સોનું-ચાંદી ખરીદવાનો મહિમા છે. પુષ્યનક્ષત્રની સરખામણીએ ધનતેરસમાં વધુ સોનું વેચાશે તેવો અમદાવાદના જ્વેલર્સને આશાવાદ છે. આ વિષે ચોક્સી મહાજનના પૂર્વ પ્રમુખ હર્ષવર્ધન ચોક્સીએ જણાવ્યું હતું કે ‘માગશર માસમાં જેમને ત્યાં લગ્ન હોય તે ધનતેરસના સોના-ચાંદીના ઘરેણાની ખરીદીનો પ્રારંભ કરતા હોય છે. પુષ્યનક્ષત્રમાં સોના-ચાંદીનું અપેક્ષા અનુસાર વેચાણ થયું નહોતું. પરંતુ ધનતેરસના ૪૦૦ કિગ્રા સોનું, ૨.૫ ટન ચાંદી વેચાશે તેવી અમને આશા છે.’
સોનામાં રોકાણમાં લોકોનો ઉત્સાહ ઘટી ગયો હોવાના કારણે
દશેરામાં સોનાની ખરીદીમાં મંદી બાદ ધનતેરસના વેચાણની સોનીઓને આશા
મોંઘવારી સોનાની ખરીદીનું બજેટ ખાઈ ગઈ અને ડિસેમ્બરમાં ભાવમાં કડાકો બોલવાની શકયતાના કારણે રોકાણકારો બુલીયનથી અળગા
અમદાવાદ, રવિવાર
સામાન્ય રીતે દશેરાના દિવસથી સોનાના બજારમાં તેજી આવતી હોય છે પરંતુ આ વખતે અનેક ડિસ્કાઉન્ટની જાહેરાતો બાદ પણ સોનાના ઝવેરાત અને બુલીયનની ખરીદીમાં ઘબડકો છે. સોનીઓની અંતિમ આશા હવે સોમવારે ધનતરેસના દિવસે છે, સામાન્ય નિયમ મુજબ લોકો શુકન માટે પણ આ દિવસે સોનું ખરીદતા હોય છે પરંતુ મોંઘવારી અને બજારનો માહોલ જોતા ધનતેરસના દિવસે પણ શુકન સિવાય સોનાની મોટી ખરીદી થવાની શકયતા નહીંવત છે. સોનાના ભાવમાં ગત અઠવાડિયા કરતાં થયેલો ઘટાડો પણ સોનીઓના ધંધામાં વધારો કરે તેવી શકયતા નથી.
બજારસુત્રોના કહેવા મુજબ સોનું એ લકઝુરીયસ વસ્તુ છે અને લોકોના બજેટમાં સૌથી છેલ્લે આવે છે. આ વર્ષે વરસાદ પણ મધ્યમ રહેવાના કારણે ખેડૂતોની ગ્રાહકી નથી, બીજી તરફ મોંઘવારી લોકોનું સોનાની ખરીદીનું બજેટ ખાઈ ગઈ છે એટલે મોંઘવારીના કારણે દિવાળીની અન્ય ખરીદી બાદ લોકો પાસે સોનું ખરીદવાનું બજેટ બચ્યુ નથી. બીજી તરફ સરકારની સોનાની આયાત ઘટાડવાની નીતિના કારણે અને સોનામાં વધુ રોકાણ કરનારાને ત્યાં તવાઈ આવવાની શકયતાના કારણે પણ બુલીયનની ખરીદી કરનારા લોકો સાવચેત થઈ ગયા છે. સોની બજારના સુત્રોના કહેવા મુજબ રિયલ એસ્ટેટ અને શેરબજારમાં થોડુ વળતર મળતા લોકો એ તરફ વળ્યા છે. સોનાના ભાવમાં ડિસેમ્બર બાદ કડાકો બોલવાની પણ શકયતા સેવાઈ રહી છે જેના કારણે પણ લોકો સોનાની ખરીદીથી અત્યારે અળગા થઈ રહ્યાં છે. સામાન્ય રીતે દિવાળી બાદ લગ્નની સિઝન અને ડિસેમ્બરમાં એનઆરઆઈ લગ્નોની સિઝન શરૃ થાય છે ત્યારે લોકો જરૃરિયાત પુરતું જ સોનું ખરીદશે પરંતુ સોનાની વધુ માત્રામાં ખરીદીની આ વર્ષે આશા નથી.
દસ ગ્રામ સોનાના ભાવમાં ગત અઠવાડિયાની સરખામણીએ હજાર રૃપિયાનો ઘટાડો થયો છે અને અત્યારે ૨૪ કેરેટના સોનાનો બજાર ભાવ ૨૬,૨૦૦ની આસપાસ છે. સોનાના ભાવમાં ઘટાડો થવાના કારણે સોનાની ખરીદીમા આવતીકાલે સારી રહેશે તેવું સોનીઓનું માનવું છે પરંતુ બીજી તરફ બજાર સુત્રોનું કહેવું છે કે આ વર્ષે દિવાળીની સિઝનની શરૃઆતથી જ ખરીદી મંદી રહી છે એટલે ધનતેરસના દિવસે મોટી આશા રાખવા જેવી નથી. બીજી તરફ ઓટો સેકટરમાં આ વર્ષે સારી ખરીદી થવાના કારણે પણ બુલીયન બજારને ફટકો પડયો છે.