– ‘જોનાસ’ વાવાઝોડાથી ૮.૫ કરોડ લોકોને અસર થવાની ભીતિ
– વોશિંગ્ટનમાં ૨૯ ઈંચ બરફ પડવાની શક્યતા
ચેતવણીને પગલે લોકોએ સ્ટોર્સમાં જઈને જીવનજરૃરી ચીજોની ધૂમ ખરીદી કરી
ટેનેસી, ઉ. કેરોલિના, વર્જિનિયા, મેરીલેન્ડ, પેન્સિલવેનિયા અને કોલમ્બિયા સહિતના વિસ્તારોમાં ઈમર્જન્સી
વોશિંગ્ટન, તા.૨૨
વોશિંગ્ટનમાં ‘જોનાસ’ નામનું સદીનું સૌથી વિનાશક બરફનું તોફાન ત્રાટકી શકે છે એવી અમેરિકન વેધર સર્વિસે ચેતવણી ઉચ્ચારી છે. પૂર્વીય કાંઠાના સમુદ્રમાં થઈ રહેલી હિલચાલને પગલે અમેરિકાની રાજધાની પર ૨૯ ઈંચ બરફ વર્ષા થઈ શકે એવી આગાહી પછી એક સાથે પાંચ હજાર ફ્લાઈટ રદ કરાઈ છે. સલામતીના કારણોસર વોશિંગ્ટનની તમામ સ્કૂલ-કોલેજો બંધ કરાઈ છે, જ્યારે ઈમર્જન્સી વિભાગ સિવાયની સરકારી ઓફિસોનું કામકાજ પણ ઠપ થઈ ગયું છે.
અમેરિકન વેધર સ્ટેશને કરેલી આગાહી પ્રમાણે, આ બર્ફીલા તોફાનથી સાડા આઠ કરોડથી પણ વધારે લોકો પ્રભાવિત થઈ શકે છે. વોશિંગ્ટન સહિત ફિલાડેલ્ફિયા અને ન્યૂયોર્કમાં પણ અનુક્રમે આઠથી ૧૮ ઈંચ બરફ પડી શકે છે. આ પહેલાં ઈસ. ૧૯૨૨માં ૨૮ ઈંચ બરફ વર્ષા થઈ હતી. જોકે, આ વખતનું તોફાન એ રેકોર્ડ તોડી શકે છે. આ આગાહી પછી અનેક રાજ્યોના લોકોએ સ્ટોર્સમાં જઈને જીવનજરૃરી ચીજવસ્તુઓની ધૂમ ખરીદી કરી લીધી હતી. આ દરમિયાન સ્ટોર્સમાં ગયેલા અનેક લોકોને ખાલી હાથે પાછા ફરવું પડયું હોય એવા કિસ્સા પણ જોવા મળ્યા હતા.
હવામાનશાસ્ત્રી પોલ કોસિને કહ્યું હતું કે, આ બરફનું વાવાઝોડું જબરદસ્ત નુકસાન કરવાની ક્ષમતા ધરાવે છે, જેમાં પાંચ કરોડથી પણ વધુ લોકોને સીધી અસર થઈ શકે છે. પૂર્વીય અમેરિકામાં આશરે સાડા આઠ કરોડ લોકો વસે છે, જે બધાને આ ભયંકર હિમપ્રપાતની ઓછી-વત્તી અસર થશે. આ દરમિયાન તમામને બરફના પૂર, બરફના માર અને વીજળીથી સાવધ રહેવાની ચેતવણી આપવામાં આવે છે. જો હિમપ્રપાત થશે તો રવિવાર સુધી ચાલુ રહે એવી પૂરેપૂરી શક્યતા હોવાનું પણ નિષ્ણાતોએ જણાવતા કહ્યું હતું કે, આ તોફાનમાં એક અબજ ડોલરનું નુકસાન થશે. આ તોફાનની ક્ષમતા એક કલાકમાં ત્રણ ઈંચ બરફવર્ષા કરવાની હશે, જે સતત ૨૪ કલાક સુધી ચાલુ રહેશે.
જોનાસ નામના આ તોફાનને પગલે ટેનેસી, ઉત્તર કેરોલિના, વર્જિનિયા, મેરીલેન્ડ, પેન્સિલવેનિયા, કોલમ્બિયા અને કેટલાક નાના વિસ્તારોમાં ઈમર્જન્સી જાહેર કરાઈ છે. આ દરમિયાન લિટલ રોક, આર્કાન્સસમાં એક રાત્રિમાં છ ઈંચ બરફવર્ષા પણ થઈ ચૂકી છે. અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ ગઈ છે.