Saurashtra Bhoomi News

ઉ. ભારતમાં ગાત્રો થીજવતી ઠંડી : દિલ્હીમાં સિઝનનું સૌથી નીચું ૪.૨ ડિગ્રી તાપમાન

Want create site? Find Free WordPress Themes and plugins.

– વિમાન, રેલ અને રોડ વ્યવહારને અસર

– દિલ્હીમાં ૩૫ ટ્રેનો રદ : દિલ્હી આવી રહેલી ૩૦ અને ઉપડનારી ૪ ફલાઇટ મોડી પડી

નવી દિલ્હી, તા. ૨3
જમ્મુ અને કાશ્મીર તેમજ હિમાચલ પ્રદેશમાં તાપમાન સતત નીચું રહેતા સમગ્ર ઉત્તર ભારતમાં ગાત્રો થીજવતી ઠંડી પડી હતી. પાટનગર દિલ્હીમાં આજે સિઝનનું સૌથી નીચું ૪.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે ગઈ કાલ કરતાં ૩ ડિગ્રી નીચુ હતું. ગાઢ ધુમ્મસને પગલે વિમાન, રેલ અને માર્ગ વ્યવહારને અસર થઈ હતી. ધુમ્મસને કારણે ૩૫ ટ્રેન રદ થઈ હતી અને ૧૯ ટ્રેનો મોડી પડી હતી.
સફદર જંગ વેધશાળાના જણાવ્યા મુજબ દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી નોંધાયું હતું અને મહત્તમ તાપમાન ૧૭.૭ ડિગ્રી નોંધાયું હતું. જમ્મુ અને કાશ્મીરના કારગીલમાં તાપમાન માઈનસ ૧૬.૪ ડિગ્રી નોંધાયું હતું. શ્રીનગરમાં તાપમાન ઘટીને માઈનસ ૫.૩ ડિગ્રી થઇ જતાં તીવ્ર ઠંડી પડી હતી. કાશ્મીરના પહલગામ, કોકરનાગ અને ગુલમર્ગમાં તાપમાનમાં નજીવો વધારો થતાં ઠંડીમાં રાહત થઈ હતી.
ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં હાલમાં ૪૦ દિવસની ઠંડીનો ગાળો ચિલ્લાઇ કલાન મધ્ય તબક્કામાં છે. આ સમયે બરફ વર્ષાની વધુ શક્યતા હોય છે.
હિમાચલ પ્રદેશના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો શૂન્ય ડિગ્રી કરતાં નીચો રહેતા તીવ્ર ઠંડી પડી હતી. કિલોન્ગ, મનાલી અને કલ્પામાં અનુક્રમે માઈન ૧૦.૩, ૩.૨ અને ૧.૮ ડિગ્રી તાપમાન  નોંધાયા હતા. આગામી પાંચ દિવસ શિમલામાં હવામાન સુકુ રહેવાની આગાહી કરવામાં આવી છે. પંજાબ અને હરિયાણામાં પણ તીવ્ર ઠંડી યથાવત રહી હતી. મોટા ભાગના વિસ્તારોમાં ધુમ્મસને પગલે જનજીવન પ્રભાવિત થયું હતું.

Did you find apk for android? You can find new Free Android Games and apps.