Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

ગુરૃત્વાકર્ષણના તરંગોને ડીટેક્ટ કરનાર ટીમમાં વડોદરાનો યુવા સંશોધક સામેલ

By  | 

1455278631_Baroda youth involved in team who detecting waves of Gravitationally– ખગોળ અને ભૌતિક વિજ્ઞાનની સૌથી મહત્વની શોધ મનાય છે

– બ્લેક હોલ વિષય પર જ્યોર્જિયા યુનિ.માં પીએચડી કરી રહેલા કરણ જાનીએ આઈન્સટાઈનની થીયરીને સાચી પાડતી શોધમાં યોગદાન આપ્યુ

વડોદરા, તા. 12 ફેબ્રુઆરી 2016

મહાન વૈજ્ઞાનિક આઈન્સટાઈને 100 વર્ષ પહેલા ગુરૃત્વાકર્ષણના તરંગો અંગે રજુ કરેલી થીયરી સાચી સાબીત થઈ છે.અમેરિકામાં ગુરૃત્વાકર્ષણના તરંગોને ડીટેક્ટ કરવા માટે વર્ષોથી થઈ રહેલા પ્રયત્નોને આખરે સફળતા મળી છે. વડોદરા અને ગુજરાત માટે ગર્વની વાત એ છે કે આ માટે પ્રયત્ન કરી રહેલા વૈજ્ઞાનિકોની ટીમમાં મૂળે વડોદરાનો સંશોધક કરણ જાની પણ સામેલ છે.

વડોદરામાં જ જન્મેલો અને ભણેલો કરણ જાની હાલમાં જ્યોર્જિયા ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં બ્લેકહોલ વિષય પર પીએચડી કરી રહ્યો છે.વૈજ્ઞાનિકો અને સંશોધકોની 3 ટીમો અલગ અલગ સ્તરે ગુરૃત્વાકર્ષણના સંશોધન માટે પ્રયત્ન કરી રહી હતી.જેમાં જ્યોર્જિયા યુનિવર્સિટીના 12 અધ્યાપકો અને સંશોધકોનો પણ સમાવેશ થતો હતો.કરણ પણ આ ટીમનો સભ્ય હતો.

ગુરૃત્વાકર્ષણના તરંગોનો અભ્યાસ કરવા માટે અમેરિકામાં બે સ્થળોએ લેસર ઈન્સ્ટ્રુમેન્ટ મુકવામાં આવ્યા છે. આ બંને સ્થળને લીગો(લેસર ઈન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ વેવ ઓબ્ઝર્વેટરી) તરીકે ઓળખવામાં આવે છે. સંશોધકો છેલ્લા એક વર્ષથી આ બંને લેસર ઈન્સ્ટ્રુમેન્ટની મદદથી નિરિક્ષણ કરી રહ્યા હતા.બ્રહ્માંડમાં 1.5 અબજ પ્રકાશવર્ષ દુર બે બ્લેકહોલ વચ્ચે થયેલી અથડામણના પગલે ઉત્પન્ન થયેલા વેવ્સ પૃથ્વી સુધી પહોંચ્યા હતા. જેના પગલે ગત સપ્ટેમ્બર મહિનાની 14 તારીખે તેમને આખરે ગુરૃત્વાકર્ષણના તરંગોને ડીટેક્ટ કરવામાં સફળતા મળી હતી.લેસર ઈન્સ્ટ્રુમેન્ટ્રે તેમને રેકોર્ડ કર્યા હતા.

વિડીયો કોન્ફરન્સ થકી પત્રકારો સાથેની વાતચીતમાં કરણ જાનીનુ કહેવુ હતું કે આઈન્સ્ટાઈનની થીયરી ઓફ રીલેટીવીટીના ભાગરૃપે દુનિયાને ગુરૃત્વાકર્ષણના તરંગોની થીયરીનો 100 વર્ષ પહેલા પરિચય થયો હતો. આ થીયરી સાચી પડતા ઈતિહાસ સર્જાયો છે અને આ ઈતિહાસનો ભાગ બનવાનો મોકો મને મળ્યો છે,જે મારા માટે ગૌરવની વાત છે. તરંગો ડીટેક્ટ કર્યા બાદ અમે કોમ્પ્યુટરસ સિમ્યુલેશન તેમજ સોફ્ટવેર વડે બરાબર તેની ચકાસણી કરી હતી.બરાબર ખાતરી થયા બાદ ગુરૃવારે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.બે બ્લેકહોલ વચ્ચે જે અથડામણ થઈ હતી તેમાંથી ઉત્પન્ન થયેલી ઉર્જા કરોડો અણુધડાકા કરતા પણ શક્તિશાળી હતી.જેના કારણે આ તરંગો પૃથ્વી સુધી પહોંચ્યા હતા અને લેસર ઈન્સ્ટ્રુમેન્ટ તેમને ડીટેક્ટ કરી શક્યા હતા.

વડોદરાની શ્રેયસ સ્કૂલમાં ભણેલા કરણને પહેલેથી જ બેઝિક સાયન્સનો અભ્યાસ કરવામાં રસ પડતો હતો.જેના કારણે ધો. 12માં 90 ટકા માર્કસ આવ્યા હોવા છતા તેણે એન્જિનિયરિંગ કે મેડિકલમાં પ્રવેશ લેવાની જગ્યાએ સાયન્સનો અભ્યાસ કરવા માટે એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવ્યો હતો. જોકે 6 મહિના બાદ તેને અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં પ્રવેશ મળતા તે વધુ અભ્યાસ માટે તે અમેરિકા ગયો હતો. આ યુનિવર્સિટીમાંથી તેણે એસ્ટ્રોફીઝીક્સના વિષય સાથે ડિગ્રી મેળવી હતી. એ પછી માસ્ટર ડિગ્રી મેળવવા માટે તેણે જ્યોર્જિયા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો. માસ્ટર કર્યા બાદ હાલમાં તે બ્લેકહોલ વિષય પર પીએચડી કરી રહ્યો છે. ગુરૃત્વાકર્ષણના તરંગો અંગે લખેલા કેટલાક  રિસર્ચ પેપર્સના કારણે કરણ જાનીને તરંગો ડીટેક્ટ કરવા માટેની ટીમમાં સામેલ કરાયો હતો. કોમ્પ્યુટર સીમ્યુલેશનમાં પણ કરણનો અગત્યનો રોલ રહ્યો હતો. કરણના માતા-પિતા પંકજ જાની અને નીતા જાની  તેમજ કાકા હિરેન જાની પોતે જ શ્રેયસ સ્કૂલનુ સંચાલન કરે છે.

વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં રસ લેતા કરવા સમાજે બદલાવુ પડશે
ભારતમાં વિજ્ઞાનને જોઈએ તેટલુ સન્માન મળતુ નથી
કરણ કહે છે કે ભારતમાં આઈન્સ્ટાઈનની વાત કરશો તો લોકો બગાસા ખાશે પણ વાસ્તુશાસ્જ્ઞાના પિરામીડનો ઉલ્લેખ કરશો તો ધ્યાનથી સાંભળવા માંડશે

વડોદરા,શુક્રવાર
ગુરૃત્વાકર્ષણના તરંગો એટલે કે ગ્રેવિટેશનલ વેવ્સનુ અસ્તિત્વ હોવાનો પૂરાવો મેળવવામાં છેલ્લા કેટલાય વર્ષોથી પ્રયત્નો કરી રહેલા સંશોધકો અને વૈજ્ઞાનિકોમાં સામેલ કરણ જાનીનુ એક વિશેષ ટેલિફોનિક વાતચીતમાં કહેવુ હતુ કે પીએચડી પુરૃ થયા બાદ ચોક્કસપણે ભારત પાછો આવીશ અને ઈસરો જેવા સરકારી રિસર્ચ ઈન્સ્ટિટયુટમાં જ નોકરી કરીશ.મારો પ્રયત્ન ભારતમાં મહત્તમ વિદ્યાર્થીઓને વિજ્ઞાન તરફ વાળવાનો રહેશે.

તેનુ કહેવુ હતુ કે ગુજરાતમાં અને ભારતમાં પણ મોટાભાગના રાજ્યોમાં વિજ્ઞાનને સમાજમાં પણ જોઈએ તેટલુ મહત્વ અને સન્માન નથી મળતુ.જો તમે આઈન્સ્ટાઈનની થીયરી ઓફ રીલેટીવીટી કે ન્યુટનના ગુરૃત્વાકર્ષણના નિયમ અંગે ચર્ચા કરશો તો લોકો બગાસા ખાશે પરંતુ વાસ્તુશાસ્ત્રના પિરામીડની વાત કરશો તો લોકો ધ્યાનથી સાંભળશે.ભારતમાં જો વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓની રૃચિ જગાડવી હશે તો પંરપરાઓ અને રૃઢિચુસ્ત માન્યતાઓને સમાજે તિલાંજલી આપવી પડશે.વિદ્યાર્થીઓને ગાઈડ છોડીને વિજ્ઞાનના દાખલા સોલ્વ કરવાનુ શીખવાડવુ પડશે.કુદરતની દરેક વસ્તુ અંગે તાર્કિક રીતે વિચારવાની અને તે અંગે પ્રશ્નો પૂછતા કરવાની તેમજ શંકા ઉભી કરવાની તાલીમ આપવી પડશે.ખરેખર તો બેઝિક સાયન્સનો અભ્યાસ કોમ્પ્યુટર અને એન્જિનિયરિંગના અભ્યાસ કરતા ઓછો ખર્ચાળ છે પરંતુ આપણે ત્યાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાની જાણે ફેશન થઈ ગઈ છે.

ગુરૃત્વાકર્ષણના તરંગોના લેટેસ્ટ સંશોધન અંગે કરણનુ કહેવુ હતુ કે સામાન્ય માણસની ભાષામાં કહું તો જે રીતે સચિન તેંડુલકરના આગમન પછી ભારતીય ક્રિકેટ ટીમ બદલાઈ ગઈ હતી તેટલો જ બદલાવ ખગોળ વિજ્ઞાાનના અને બ્રહ્માંડના રિસર્ચમાં થઈ જશે.આ શોધ બાદ હવે ખગોળ વિજ્ઞાાન નવી જ સદીમાં પ્રવેશ કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

40 + = 46

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud