Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

રાજ્યમાં વણસતી પરિસ્થિતિ: 14 દલિતોએ ઝેર પીધું, આજે ગુજરાત બંધનું એલાન

By  | 
jpegજૂનાગઢ: ઉનાના સામઢીયાળામાં દલિત યુવાનો ઉપર અત્યાચારના વિરોધમાં મંગળવારે સમગ્ર રાજ્યમાં દલિતો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવાયો હતો. મંગળવારે પણ 14 દલિત યુવાનોએ અલગ-અલગ જગ્યાએ ઝેરી દવા અને એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ કરનારા યુવાનોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. અમરેલીમાં પથ્થરમારામાં ઘવાયેલા એક કોન્સ્ટેબલ પંકજભાઈ અમરેલીયાનું મોત થયું હતું. ભારતીય દલિત પૈન્થર સમાજ દ્વારા બુધવારે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. પથ્થરમારાની ઘટનામાં જિલ્લા પોલીસ વડા, પીઆઈ સહિત પાંચ પોલીસ કર્મી ઘાયલ થયા હતા. સામઢીયાળાની ઘટનામાં પોલીસે વધુ 7 આરોપીઓની ધરપકડ કરી હતી. અત્યારસુધીમાં કુલ 16 શખ્સોની પોલીસે અટકાયત કરી છે.  વિવિધ જગ્યાએ કલેક્ટર-મામલતાદર કચેરીઓ પર મૃત પશુઓના અવશેષો ફેંકીને દલિતોએ વિરોધ વ્યક્ત કર્યો હતો.
બાંટવામાં ઝેરી દવા પીનાર દલિતો
1. દિલીપ જેસીંગ પરમાર
2. દિનેશ રાજા વેગડા
3. રસિકભાઈ રાઠોડ
સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર પથ્થરમારો
મંગળવારે સમગ્ર સૌરાષ્ટ્રમાં દલિત સમાજ દ્વારા ઠેરઠેર પથ્થરમારો કરીને બજાર-દુકાનો બંધ કરાવાઈ હતી. મંગળવારે જૂનાગઢમાં 4, બાંટવામાં 4, કેશોદમાં 2, અમદાવાદમાં 1 દલિત યુવાને ઝેર પીને આત્મહત્યાનો  પ્રયાસ કર્યો હતો, જ્યારે ગોંડલના બીલિયાળી ગામે 3 દલિત યુવાનોએ એસિડ પીને આત્મહત્યાનો  પ્રયાસ કર્યો હતો. જેતપુરમાં બંધ કરાવા નિકળેલા ટોળાએ દુકાનોમાં તોડફોડ કરી હતી. ભાયાવદરમાં દલિતોએ રેલી કાઢીને આવેદન આપ્યું હતું. આટકોટમાં મોડીરાત્રે સડક પર ટાયરો સળગાવાતાં સ્થિતી તંગ બની ગઈ હતી. ગોંડલના મોવિયા ગામે ટોળાએ એસટી બસના કાચ ફોડ્યા હતા. જામનગરથી જૂનાગઢ, મોરબી તરફ જતી બસ, અમરેલી ડેપો, ગોંડલ ડેપો, ધ્રોલ, ઉના, ગીર-સોમનાથ, કોડીનાર, તાલાલામાં એસટી બસ સેવા બંધ કરી દેવાઈ હતી.

ગોંડલનાં બિલિયાળા ગામે બે યુવાનોએ એસિડ પીધું

દલિત યુવાનો પર ગુજારવામાં આવેલા અત્યાચારમાં આરોપીઓ સામે પાસા મુજબ પગલાં ન લેવાતાં તેના પ્રત્યાઘાત ગોંડલમાં પણ પડ્યા હતાં. મંગળવારે સવારે ગોંડલના બિલિયાળામાં બે દલિત યુવાને એસિડ ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી બુધવારે દલિત યુવાનો સાથે કરશે મુલાકાત
રાજ્યના મુખ્યમંત્રી આનંદિબહેન પટેલ બુધવારે ઉનાની મુલાકાતે જવાના છે. ત્યારે ગૌરક્ષાના નામે અત્યાચારનો ભોગ બનેલા યુવાનો અને તેમના પરિવાર સાથે કરશે મુલાકાત. ગુરૂવારે 21 તારીખે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ આ દલિત યુવાનોની મુલાકાત લેશે. જ્યારે 23મીના રોજ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉના ખાતે ભોગ બનેલા દલિત યુવાનો સાથે મુલાકાત કરશે તેવું માહિતગાર સુત્રોએ જણાવ્યું હતું.
હું દલિતોના સમર્થનમાં છું: હાર્દિક
ગુજરાતમાં દલિત અત્યાચાર મામલે પાટીદાર નેતા હાર્દિક પટેલે ઉદયપુરમાં મંગળવારે જણાવ્યું કે, ” હું દલિતોના સમર્થનમાં છું, તેમના પર અત્યાચાર થયો છે અને તેમની જે માગો છે તે વાજબી છે.”
વિવિધ રૂટની 400 બસ બંધ થતાં 12 હજાર મુસાફરો અટવાયા
દલિતો દ્વારા બસોને આંગ ચાંપવા અને તોડફોડ કરવાની ઘટનાને પગલે નિગમ દ્વારા પેસેન્જરોના હિતમાં સલામતી સહિતના પગલાને ધ્યાનમાં રાખી મંગળવારે રાજકોટ – જૂનાગઢ રૂટ ઉપરાંત અમરેલી અને જુનાગઢ જિલ્લાના તમામ ડેપો સંપૂર્ણ બંધ રાખવાની સાથે સૌરાષ્ટ્રની 400થી વધુ બસોના પૈડાં થંભાવી દીધા હતા. જેના કારણે 12000 મુસાફરો અટવાઈ ગયા છે.
500થી વધુની અટકાયત
સોમવારની ઘટના અને મંગળવારે કરાયેલા ચક્કાજામ-તોડફોડ બાબતે જૂનાગઢ, જામનગર સહિતના સ્થળોથી 500થી વધુ લોકોની અટકાયત કરાઈ છે. ધોરાજીમાં બસને આગ ચાંપવાના કેસમાં 8 સામે ફરિયાદ નોંધાઈ હતી.
ભાવનગરમાં દલિતોએ રસ્તા પર બેસી કર્યો ચક્કાજામ
ઉનાની ઘટના બાદ રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, અમરેલી, ભેંસાણમાં માહોલ તંગ બન્યો છે. ત્યારે ભાવનગર જિલ્લામાં પણ તેના પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. લોકોએ રસ્તા પર બેસી ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે સ્થળ પર પહોંચી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ દલિતો સ્થળ પરથી ખસ્યા ન હતા.

જૂનાગઢમાં દલિતો રસ્તા પર, કર્યો ચકકજામ 

જૂનાગઢમાં ઠેર ઠેર દલિતો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને બસોને રોકી હતી. રોડ પર ચક્કાજામનાં દ્રશ્યો સર્જાયા હતા. હાલ પરિસ્થિતિ એકદમ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને ઉનાની ઘટનાને પગલે જૂનાગઢ, બાંટવા, મધુરમ બાયપાસ પાસે પણ વાહનોના ખડકલા લાગેલા હતા.
અમરેલી શહેરમાં અજંપાભરી સ્થિતિ 
હજારો દલિતો ટોળા સહિત રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. શહેરભરમાં દલિતોએ રેલી કાઢી હતી. કેટલાક ટીખળખોરોએ એસ.ટી.ડેપો તેમજ ખાનગી વાહનો પર પથ્થરમારો કર્યો હતો. બે એસ.ટી.બસ સહીત ખાનગી વાહનોના કાચ પણ ફોડી નાખ્યા હતા. શહેરની દુકાનો બંધ કરાવી હતી. શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ. શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ઉનાના PI સહિત ચારને સસ્પેન્ડ કરાયા 
ઉનાની ઘટના બાદ ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા દ્વારા ઉનાના પોલીસ ઈન્સ્પેકટર એન.યુ. ઝાલા, મહિલા કોન્સ્ટેબલ કંચનબેન પરમાર, હેડ કોન્સ્ટેબલ કાનજીભાઈ ચુડાસમા અને પોલીસ કોન્સ્ટેબલ હરદેવસિંહ પરમારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તેમજ દલિત યુવાનો પર અત્યાચાર આચરનાર સાત આરોપીઓની ધરપકડ કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

8 + 2 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud