ઉનાના દલિત યુવાનોને ગૌ હત્યાના મુદ્દે કેટલાક લોકો દ્વારા માર મારવાની ઘટના બની હતી. જેના કારણે રાજ્યના દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. રાજકોટના જેતપુરમાં મહિલાએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે.દલિતો રસ્તા પર ઉતરીને વિરોધ વ્યક્ત કરી રહ્યાં છે. ગઇ કાલે ભારતીય દલિત પૈન્થર સમાજ દ્વારા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે આજે બીજા દિવસે પણ રાજ્યના વિવિધ શહેરોમાં બંધની પરિસ્થિતી જોવા મળી રહી છે. લીમડી ખાતે દલિત સમાજ દ્વારા રેલી યોજવામાં આવી છે. તો કુતિયાણા દલિત સમાજ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને પગલે શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે. તો આ તરફ મોડાસા વેપારી એસોશિયેશન દ્વારા આજે મોડાસા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. અમેરલીના ધારી ગામમાં પણ બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં દલિતો દ્વારા શાંતી રેલી યોજવામાં આવી છે. સાથે જ તેઓ મામલતદારને આવેદન પત્ર પણ આપશે. આ સિવાય સૌરાષ્ટ્રના તલાલા, વીંઝિયા, ધારીમાં બંધનું એલાન જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લાઓમાં હજુ આજે પણ એસટી અને બસ સેવા શરૂ કરાઈ નથી. ગઇકાલે મોડી રાત્રે પણ છૂટાછવાયા છમકલા થયા હતા.
રાહુલ ગાંધીની સમઢીયાળા મુલાકાત, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તરફથી પીડિત દલિત પરિવારને 5 લાખની સહાયની જાહેરાત કરી
ઉનાના દલિતોના અત્યાચારનો મુદ્દો દેશવ્યાપી હોબાળો મચાવી રહ્યો છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મામલે આજે ઉનાના સમઢીયાળાના દલિત પરિવારની મુલાકાત કરી છે. રાહુલ ગાંધી પહેલા પ્રફુલ્લ પટેલે પણ મુલાકાત લીધી હતી. પ્રફુલ પટેલે તો એનસીપી તરફથી 2 લાખની સહાય પણ જાહેર કરી. રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના નેતા કુમારીશૈલજા પણ હતાં. રાહુલ ગાંધીની મુલાકાત બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પીડિતોના પરિવારને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. કોંગ્રેસના ગુજરાત પ્રભારી ગુરુદાસ કામત પણ રાહુલ ગાંધીની સાથે રહ્યાં હતાં.
રાહુલ ગાંધીની મુલાકાત બાદ પીડિત યુવાને જણાવ્યું કે તેઓએ રાહુલ ગાંધીને સમગ્ર ઘટનાથી માહિતગાર કર્યા હતાં. તથા દોષિતોને સજા થાય તેવી માંગણી કરી હતી. પીડિત પરિવારના સભ્ય જીતુ સરવૈયાએ પીડિતો તરફથી રજુઆત કરી હતી. જીતુએ કહ્યું કે રાહુલ ગાંધીએ તેમને બનતી તમામ મદદ કરવા જણાવ્યું છે. રાહુલ ગાંધી સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, અર્જુનભાઇ મોઢવાડીયા, ધારાસભ્યો, કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતાં