– કો-ઓપરેટીવ બેંકમાં નાણા નહીં સ્વીકારવા મુદ્દે ખેડુતો ગીન્નાયા
– જિલ્લાના ખેડુતોએ કલેક્ટર કચેરીએ જઇ આવેદન પાઠવ્યું
મોરબી, તા. 19 નવેમ્બર 2016, શનિવાર
જીલ્લા પંચાયતના પ્રમુખ સોનલબેન જાકાસણીયા, કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયા સહિતના આગેવાનોએ આજે કલેકટરને લેખિત આવેદન પાઠવીને જણાવ્યું હતું કે, કો-ઓપરેટીવ બેંકમાં નાણા સ્વીકારવામાં આવતા નથી. ખેડૂત ખાતેદારોના ખાતા કો.ઓપરેટીવ બેંકોમાં જ હોય છે. ત્યારે પોતાના નાણા ખેડૂત જમા કરાવી શકતા ન હોવાથી ખેડૂતોની સ્થિતિ બેહાલ બની છે.
આ પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ડહોળાય તેવું લાગી રહ્યું છે. ત્યારે ખેડૂતોને આ મુશ્કેલ સ્થિતિમાંથી ઉગારવા માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે. અને જો યોગ્ય વ્યવસ્થા ૪૮ કલાકમાં કરવામાં નહિ આવે તો મોરબી જીલ્લાના તમામ ખેડૂતો શનિવારે સવારથી કલેક્ટર કચેરી સામે ઉમટી પડશે અને જે સ્થિતિ નિર્માણ પામે તેની જવાબદારી તંત્રની રહેશે.
મોરબી જીલ્લાના વડામથક મોરબી શહેર તેમજ અન્ય તાલુકાના શહેરોમાં સરકારી અને ખાનગી બેંકો અને એટીએમની સંખ્યા પ્રમાણમાં સારી કહી શકાય તેવી છે. પરંતુ મોરબી જીલ્લાના પછાત તાલુકા એવા માળિયાના ૨૫ ગામો માટે માત્ર બે બેંકો છે. તો જામનગર જીલ્લામાંથી મોરબીમાં સમાવેલા ગામોમાં પણ આવી જ સ્થિતિ છે. આમરણ પંથકના ૨૪ ગામો માટે આમરણમાં એકમાત્ર દેનાબેંક કાર્યરત છે. જેથી ગામમાં વસતા હજારો લોકોને નોટો બદલવા અને પોતાની જૂની નોટો જમા કરાવવા માટે બેંકની વ્યવસ્થા પૂરી થતી નથી.
માળિયા તાલુકાના ૨૫ ગામો વચ્ચે માત્ર બે જ ગામમાં બેંક છે જેમાં સરવડ ગામે આવેલી એસબીઆઈ બેંકમાં તો ગ્રામજનોની લાંબી કતારો લાગી જતી હોવાથી ગ્રામજનો ધાબળા અને ગોદડા લઈને બેંક પાસે જ રાત્રીના સુઈ જાય છે. અને સવારે બેંક-એટીએમ શરુ થતા લોકો લાઈનમાં ઉભા રહી જાય છે.
હાલ ઠંડીની મોસમની શરૂઆત થઈ ચુકી છે છતાં લોકો રાત્રીના ખુલ્લા આસમાન નીચે સુવા માટે મજબુર બન્યા છે. ત્યારે જો કો. ઓપરેટીવ બેંકોને નાણાં સ્વીકારવાની છૂટ નહીં અપાય તો મોરબી જીલ્લાના તમામ ખેડૂતો શનિવારે સવારથી કલેક્ટર કચેરી સામે ઉમટી પડશે અને જે સ્થિતિ નિર્માણ પામે તેની જવાબદારી તંત્રની રહેશે.