Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

અગણિત અશ્રુભીની આંખોની અમ્માને અલવિદા

By  | 

1481058371_na10 – અનેક આફતોના આયામો વચ્ચે અડીખમ ઉભેલાં જયલલિતા અમર બની ગયાં

– દ.ભારતના ‘આયર્ન લેડી’નું લશ્કરની ત્રણે પાંખોની સલામી સાથે અંતિમ પ્રયાણ

– જયલલિતાની રાષ્ટ્રીય સન્માન સાથે ચેન્નાઈના મરિના બિચ પર તેમના ગુરુ એમજીઆરની સમાધિ પાસે જ દફનવિધિ

– રાષ્ટ્રપતિ મુખરજી, વડાપ્રધાન મોદી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના દિગ્ગજોએ અંતિમ દર્શન કર્યા

– જયલલિતાને તેમની પ્રિય લીલા રંગની સાડીમાં સજાવીને ચંદનના લાકડામાંથી બનાવાયેલા કોફિનમાં દફનાવાયા

 

ચેન્નાઇ, તા.6 ડિસેમ્બર 2016 મંગળવાર
ઑલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમના વડાં જયલલિતાના મૃત્યુ સાથે જ ભારતીય રાજકારણના અમ્મા અધ્યાયનો અંત આવ્યો છે. તમિલનાડુના ગરીબ તરફી છબિ ધરાવતા જયલલિતા ત્રણ દાયકાથી પણ વધુ સમય સુધી સ્થાનિક અને રાષ્ટ્રીય રાજકારણમાં છવાયેલા રહ્યા હતા. ચેન્નાઈના મરિના બિચ પર આવેલા એમજીઆર મેમોરિયલમાં જયલલિતાને દફનાવવામાં આવ્યા હતા. અહીં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના દિગ્ગજોએ સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ આપી હતી.

૬૮ વર્ષીય જયલલિતાને તેમની પ્રિય લીલા રંગની સાડીમાં સજાવીને ચંદનના લાકડામાંથી બનાવાયેલા કોફિનમાં દફનાવાયા હતા. જયલલિતાને પહેલાં ચેન્નાઈના રાજાજી હૉલમાં લોકોના અંતિમ દર્શનાર્થે લઈ જવાયા હતા. અહીં જયલલિતાના તમિલનાડુના રાજ્યપાલ વિદ્યાસાગર રાવ, ડીએમકેના નેતા એમ. કે. સ્ટાલિન અને સુપરસ્ટાર રજનીકાંત જેવી હસ્તીઓ પણ તેમના અંતિમ દર્શન કર્યા હતા. જયલલિતાની અંતિમવિધિ તેમના સખી શશિકલાએ કરી હતી. એટલું જ નહીં, જયલલિતાને ૨૨મી સપ્ટેમ્બરે હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યારથી અંતિમ વિધિ સુધી શશિકલા સતત તેમના પડખે રહ્યા હતા. મંગળવારે સાંજે છ વાગ્યે આ અંતિમવિધિ પૂરી થઈ હતી.

તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે પાંચ વાર બિરાજમાન થનારા જયલલિતાને લાખો લોકોએ અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી. ફૂલોથી સજાવેલો તેમનો રથ રાજાજી હૉલ લઈ જવાતો હતો ત્યારે હજારો લોકોએ ‘અમ્મા વાઝગા’ એટલે કે ‘અમ્મા ઘણું જીવો’ના નારાથી વાતાવરણ ગૂંજવી દીધું હતું.

આ રથને રાજાજી હૉલથી ત્રણ કિલોમીટર દૂર ગવર્મેન્ટ એસ્ટેટ, મદ્રાસ યુનિવર્સિટીથી બ્રિટીશ જમાનાની પીડબલ્યુડી બિલ્ડિંગ સામે મરિના બિચ પર લઈ જવાયો હતો, જેથી કોફિનની આસપાસ મૂકેલી તસવીરોમાં લોકો તેમના દર્શન કરી શકે! જયલલિતાના કોફિનને એઆઈડીએમકે પક્ષના લાલ અને સફેદ રંગના ધ્વજથી ઢાંકવામાં આવ્યું હતું, જેના પર દ્રવિડિયન રાજકારણના સ્થાપક સી. એન. અન્નાદુરાઈની તસવીર પણ હતી.

અહીં મોડી રાતથી જ અમ્માના દર્શનાર્થે પ્રચંડ ભીડ ઊમટી પડી હતી. જયલલિતા છેલ્લાં ૭૫ દિવસથી હૃદય અને ફેફસાની બિમારીથી પીડાઈને અપોલો હોસ્પિટલમાં જ મૃત્યુ પામ્યા હતા.

દ્રવિડ બ્રાહ્મણ જયલલિતાની દફનવિધિ કેમ કરાઈ?
ધર્મચુસ્ત જયલલિતા હિન્દુ બ્રાહ્મણ હોવા છતાં તેમના અંત્યેષ્ટિ અગ્નિસંસ્કાર  કરવાને બદલે દફનવિધિ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ અંગે એઆઈએડીએમકે પક્ષના સુત્રોએ એવો તર્ક આપ્યો હતો કે પક્ષના સ્થાપક અને સંવર્ધક અણ્ણા દુરાઈ તેમજ એમ.જી.રામચંદ્રનની પણ દફનવિધિ કરવામાં આવી હતી. આથી જયલલિતાને પણ એવાં જ સમાન સ્તરના સન્માનના દાવેદાર હતા.

આ ઉપરાંત એક તર્ક એવો પણ છે કે, તામિલનાડુની પ્રજા મુખ્યત્વે દ્રાવિડી અસ્મિતાની સમર્થક છે અને બ્રાહ્મણવાદી પરંપરાનો અહીં વ્યાપક વિરોધ છે. આથી જ અણ્ણા દુરાઈ કે એમજી રામચંદ્રને પોતાની જાતિગત ઓળખ ત્યજી દીધી હતી અને મૃત્યુ પછી પણ દ્રાવિડી પરંપરા મુજબ તેમની દફનવિધિ કરવામાં આવી હતી. જયલલિતા પણ બ્રાહ્મણ હોવા છતાં દ્રાવિડ મતદારોની લાગણીને ધ્યાનમાં રાખીને બ્રાહ્મણ પરંપરા મુજબ તેમના અગ્નિસંસ્કાર ટાળવામાં આવ્યા છે અને દફનવિધિ કરવામાં આવી છે.

તામિલનાડુમાં રાજનેતાઓના મૃત્યુ બાદ અગ્નિસંસ્કારને બદલે દફનવિધિ કરવાનું અન્ય કારણ એ છે કે તામિલ પ્રજા બેહદ સંવેદનશીલ છે. પોતાના લાડકાં નેતાના નશ્વર શરીરને પણ અગ્નિને સોંપાતું જોઈ શકતી નથી. ભુતકાળમાં નેતા, અભિનેતાઓના અગ્નિસંસ્કાર પછી આત્મવિલોપનના બનાવો પણ બનેલા છે. આથી લોકોની સંવેદનાને ખાળવા માટે નેતાઓના અગ્નિસંસ્કારને બદલે દફનવિધિ કરવાની પરંપરા દૃઢ થઈ છે.

શશિકલા અંતિમ ઘડી સુધી મૃતદેહ નજીક બેસી રહ્યાં
– જયલલિતાની અંતિમવિધિ શશિકલાએ કરી

એક સમયે જયલલિતા અને તેમના ખાસ સખી શશિકલાના સંબંધ ખાટા થઈ ગયા હતા. જોકે, જયલલિતાને ૨૨મી સપ્ટેમ્બરે અપોલો હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યારથી અંતિમવિધિની છેલ્લી ઘડી સુધી શશિકલા નટરાજન તેમની પડખે રહ્યા હતા.

જોકે, જયલલિતાના અંતિમ દિવસોમાં પણ શશિકલા એ વ્યક્તિઓમાંના એક હતા, જે જયલલિતાના પોઝ ગાર્ડનમાં આવેલા વેદ નિલયમ નિવાસસ્થાને જઈ શકતા હતા.  રાજાજી હૉલમાં જયલલિતાનો મૃતદેહ લોકોના દર્શન માટે મૂકાયો ત્યારે ૫૯ વર્ષીય શશિકલા કાળા રંગની સાડીમાં સજ્જ હતા.

આ બંને સખીઓના સંબંધમાં ખાસ્સા ઉતાર ચઢાવ આવ્યા હોવાથી જયલલિતાના મૃત્યુ વખતે શશિકલા અત્યંત વ્યથિત દેખાતા હતા. જયલલિતા ચૂંટણીઓમાં ભાષણ કરે ત્યારે શશિકલા તેમની સાથે  જ કારમાં ફરતા અને મોટી ‘બહેન’ને જરૃર પડયે સૂચનો પણ આપતા.  એઆઈડીએમકેની ચૂંટણીમાં હાર થઈ ત્યારે પણ અનેક લોકોએ જયલલિતાના શશિકલા સાથેના સંબંધને જવાબદાર ઠેરવ્યા હતા.

જયલલિતા કૌભાંડોમાં ફસાયા એ માટે પણ અનેક લોકોએ શશિકલાને જવાબદાર ગણ્યા હતા. આ ઘટનાક્રમ પછી શશિકલાને પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ જયલલિતાએ તેમના બંગલૉમાંથી હાંકી કાઢ્યા હતા. એટલું જ નહીં, જયલલિતાએ શશિકલાના કેટલાક સંબંધીઓને પણ પક્ષમાંથી પાણીચું પકડાવી દીધું હતું.

અંતિમવિધિમાં શું કરાયું?
જયલલિતાને સાંજે છ વાગ્યે ચેન્નાઈના રાજાજી હૉલથી મરિના બિચ પર લાવવામાં આવ્યા હતા. અહીં જયલલિતાના મૃતદેહને ચંદનના લાકડામાંથી બનાવેલા કોફિનમાં મૂકવામાં આવ્યો હતો. અહીં તેમના મૃતદેહને માટી, ચોખા, દૂધ અને પવિત્ર પાણીના લેપથી ઢાંકવામાં આવ્યો હતો.

આ દરમિયાન ત્રણ સશસ્ત્ર સેનાના અધિકારીઓએ બંદૂકના ધકાડા કરીને જયલલિતાને સલામી આપી હતી. બાદમાં હજારો લોકોના ‘અમ્મા વાઝગા’ એટલે કે ‘અમ્મા ઘણું જીવો’ના નારા વચ્ચે તેમની દફનવિધિ પૂર્ણ કરવામાં આવી હતી.1481058648_na12

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

11 + = 18

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud