રસરાજ, નંદનંદન અને મોરના પીંછધાર ભગવાન શ્રીકૃષ્ણની વિહાર સૌરાષ્ટ્ર ગિરિપ્રદેશની લીલીછમ્મ વનશ્રીથી અને મહાકવિઓના મનોહર કવનશ્રીથી શોભે છે. બધાથી જુદો તરી આવી સહુ કોઇની નજર ખેંચી રાખે એવી ગુજરાતની ત્રણ પ્રમુખ પ્રતિભાઓ સંસ્કૃતવાણીના દરબારમાં બિરાજે છે. તેઓ છે (શિશુપાલવધ) મહાકાવ્યના કર્તા મહાકવિ માધ, (રાવણવધ) મહાકાવ્યના સજક પ્રખર વ્યાકરણાચાર્ય મહાકવિ ભટ્ટી, તથા કલિકાલ સર્વજ્ઞ અને સાક્ષરોના આદી, ગુજરાતની અસ્મિતાનો કીર્તિધ્વજ ઉંચાઇએ ફરકાવી ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે એ સરતાજ આચાર્ય હેમચન્દ્ર આ ત્રણેય સમર્થ વિદ્વાતા અને કલાપ્રિયતાનું પ્રમાણ પુરુ પાડ્યું છે ! આ ત્રણેય ઋવિદ્વાનોમાં મહાકવિ મૉનું સ્થાન અનેક રીતે વિશિષ્ટ છે. આ માઘા પંડિતે ગુર્જર ભૂમિ, તેના નગરો, વનો ઉપવનો અને ગરવા ગિરનારની ગૌરવગાથા ગાવાનો નિર્ધાર કરી અલ્પ વિસ્તારવાળી અને મહાકાવ્યના પોત માટે પાંખી પડે તેવી શિશુપાલવૅની કથા પંસદ કરી છે. કથાના નાયક ભગવાન શ્રીકૃષ્ણ, સૌરઠધારમાં આવીને વસ્યા તેથી પણ માઘકવિને આ કથાનક તરફ આકર્ષણ રહ્યું. હોય તે સ્વભાવિક છે. એક બહુ જાપણતા શ્ર્લોકમાં સૌરાષ્ટ્રના પાંચ રત્નોનો ઉલ્લેખ કર્યો છે. (સૌરાષ્ટ્રે પંતરત્નાની, નદી તારી તુરગ્મા) એ પાંચ રત્નો એટલે સૌરઠની નદીઓ, તેની જાજરમાન નારોઓ, પાણીદાર અશ્ર્વો, સોમનાથનું મંદિર અને હરિદર્શન દ્વારકા, ઉપરાંત બીજા રન્તો પણ છે. જેમાં ગરવો ગિરનાર, ભકિતના કેશરીયા રંગે રંગાયેલા ભકત કવિ મહેતા નરસિંહ, અને જેની ત્રાડથી ગિરની વનરાજી કંપી જાય છે તેવા કેસરી સિંહ ! કુમાર સંભવ મહાકાવ્યમાં કાલિદાસે હિમાલયનું વર્ણન કર્યું તો તેની સ્પર્ધામાં કવિ માઘે તેના મહાકાવ્યમાં ગિરનાર પર્વતના રંગબેરંગી શબ્દચિત્રો દોર્યા, એક આખા સર્ગના અસંખ્ય શ્ર્લોકોમાં એણે ગિરનારની સુંદરતા, વિવિધતા અને વિશેષતાનું મનહર અને મનભર આલેખન કર્યું છે. ગિરનારની ઊંચાઇ આમ તો ઓછી છે, સુંદરતા, સમૃધ્ધિ અને વિપુલ વનરાજીની બાબતમાં ગિરનાર, હિમાલયની સામે વામણો ગણાય. પરંતુ ઉંમરમાં તે વયોવૃધ્ધ છે, ઉંમરને નજર સમક્ષ રાખીએ તો ગિરનાર, હજારો લાખો વર્ષોથી ધ્યાનમાં બેઠેલો પુરાતન જોગી છે. એની સામે હિમાલયતો નાના બાળક જેવો ગણાય. સવારમાં ગિરનાર પાછળથી સુરજ ઉગે તયારથી આરંભીને આખા દિવસ દરમ્યાન અને અંધારાના ઓળા ઉતરેકે ચન્દ્રની ચાંદની અજવાળા રેલાય ત્યાં સુધીના સમય ગાળામાં પ્રત્યેક ક્ષણે ગિરનારમાં નૂતન સુંદરતાના દર્શન થાય છે. એને તમે કોઇપણ ક્ષણે જુઓ એ અનોખો અને અતિ રમણીય દેખાશે. આ બાબતને લક્ષમાં લઇને કવિ માઘે સુંદરતાની વ્યાખ્યા બાંધી છે, જે સર્વકાલીન અને સર્વવ્યાપી ગણવામાં આવે છે. કવિ કહે છે. જે વ્યકિત કે વસ્તુ, પ્રત્યેક ક્ષણે નવીન જણાતી હોય તે રમણીય રુપ છે એમ કહિ શકાય. કવિ માઘ પહેલા મહાભારતના વન પર્વમાં ગિરનાર પર્વતનો ઉજ્જયન્ત પર્વત તરીકે ઉલ્લેખ છે એજ રીતે ગિરી તળેટી જતાં માર્ગમાં આવેલ શિલાલેખો, રુદ્રમાના શિલાલેખ અને સ્કંદગુપ્તના શિલાલેખમાં ઉજ્જયત પર્વતને સ્પષ્ટ રીતે જ ગિરનાર તરીકે દર્શાવ્યો છે. એથી સ્પષ્ટ થાય છે કે તેનું પ્રાચીન નામ ઉજ્જયત હતું. ગુપ્ત સમ્રાટ સ્કંદ ગુપ્તના સમય ઇ.સ. ૪પ૦ની આસપાસ આ ઉજ્જયત પર્વત રૈવતક તરીકે પણ ઓળખાવા લાગ્યો હતો. મહાકવિ રૈવતક નામથી જ એનું વર્ણન કર્યું છે. આ વર્ણનોમાં એવી સજીવતા છે, સુરેખતા અને વિવિધતા છે કે, હું તો તેને કવિ માઘે તૈયાર કરેલ ગિરનારના રંગીન ફોટાનું આલ્બમ કહું છું. આ પર્વતના શિખરો ઉપર બેસી, સુગંધી અને શિતલ પવનની મોજ માણતા, તળેટીની વનભુમિમાં ચાંદની રાતે વિહહાર કરતા, કોઇ એકલી અટુલી સપાટ શિલાની શય્યા બનાવી ગિરી શિખરોની હારમાળાનું દર્શન કરતા કવિ માઘે મનભરીને ગિરનારની સુંદરતાનું ધ્યાન ધર્યું છે. ! તેના વિવિધ રંગી ગિરનારી શબ્દ ચિત્રોના આલ્બમમાંથી બે ત્રણ ચિત્રો હું તમને બતાવું છું. એક શબ્દ ચિત્ર તેણે અદભુત કલ્પનાથી દોર્યું છે. પ્રભાતનો પહોર છે. ગિરનારની ઊગમણી બાજુ સુર્ય ઊગી રહ્યો છે. અને તેની આથમણી બાનુ પૂર્ણ ચંદ્ર આથમી રહયો છે. વચ્ચે મગોન્મત્ત ગજરાજ જેવો ગિરનાર ઊભો છે. તે એવું લાગે છે કે, જાણે કોઇ મહારાજના હાથી બન્ને બાજુ સોનેરી રુપેરી દોરડાઓથી બાંધેલ સોના-રુપાના ઘંટ લટકી રહ્યાં છે ઊગતા સુર્યના તેજસ્વી કિરણો સોનેરી છે, અને આથમતા સન્દ્રના કિરણો રુપેરી છે. કવિની આ કલ્પના હત્યંત મૌલિક છે અને સાહિત્યજગતમાં તે અત્યંત લોકપ્રિય થઇ છે. ગિરનાર માઇલો સુધી ધરતીની કાયાને ઢાંકીને ઉભો છે. એની સજાવટમાં ભગવાન શ્રીકૃષ્ણે અંગત રસ લીધો છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણના એક પિતરાઇ ભાઇ નેમિનાથ દીક્ષા લઇ ગિરનારમાં બાર વર્ષ સુધી રહ્યા હતા. અને ઉગ્ર તપ કર્યું હતું. આજે પણ ગિરિ તળેટીમાં ભગવાન નેમિનાથનું ભવ્ય મંદિર છે. વળી ગિરનારના આ શિખરો કેવા દિવ્ય છે. જાણે હજારો વષથી પ્રખર તપ તપતા સમાધિમગ્ન યોગીઓ, જુનાગઢમાં ઉભા રહીને ધ્યાનથી નિરખીએ તો એવું લાગે કે જાપે કોઇ ધુરંધર જોગી, સમાધિમાં સુતા હોય ! આ પાષાણની કાયામાં કવિએ જે પ્રાણ પૂર્યા છે. તેને કારણે તેના તરફ આપણી આત્મિયતા જાગે છે. કવિ જગતમાં ચન્દ્રકાન્તમણિ દ્રવી જાય છે. અને સુર્ય કિરણોના સ્પર્શથી સૂર્યકાન્તમણિ સળગી ઉઠે છે. આ કવિ કલ્પનાનો આશ્રય લઇ, માઘે કહ્યું છે કે ગિરનારમાં અગણિત ચંન્દ્રકાન્ત અને સુર્યકાંન્તમણિઓ સળગી ઉટવાને કારણે એવું લાગે છે જાણે યોગીરાજ ગિરનાર સમાધિમાંથી જાગીને ધૂણી તાપી રરહ્યા છે.
તો ગિરનારનું એક શબ્દચિત્ર એવું છે જેમાં માઘે સુખી ગૃહજીવનના દ્રશ્યોનું આલેખન અને વાત્સલ્યના કોમળ ભાવોનું ગુંફન, ખુબ કુશળતાથી કર્યું છે. અવા કન્યા વિદાયના કરુણાભાવનું દર્શન તે કરાવે છે. ગિરનારમાંથી નદીઓ નિકળે છે. આ નદીઓ એ ગિરનારની રમતીયાળ પુત્રીઓ છે એના નામ પણ સુંદર છે. સુવર્ણસિકતા, (આજની સોનરખ) પલાશિની (કદાચ આની કાળવો), વિલાસીની વગેરે ગિરનારની પુત્રીઓ પિતાના ગૃહેથી નીકળી, એના પતિ સમુદ્રને મળવા જાય છે. ત્યારે આ પાષાણરહદયનો પિતા પણ વેદનાથી પિગળી જાય છે. અને પંખીઓ કલરરુપી રુદનથી રડતા લાગે છે. કઠોરમાં કઠોર પિતા પણ કન્યા વિદાય પ્રસંગે ન રડ્યો હોય એવું બને જ નહીં. ગિરનારના આવા અગણિત શબ્દોચિત્રો કવિએ આલેખ્યા છે. અને એ આલેખાયા તેને સાડાબારસો ઉપરાંત વર્ષો થયા તો પણ તેના રંગો જરાપણ ઝાંખા નથી પડયાં, કારણ કે તે આત્માની અમૃત કલા માંથી સર્જન ,પામ્યા છે.