મુંબઈમાં ભારે વરસાદથી રૂા.1000 કરોડનું નુકશાન : લોનાવલામાં 24 કલાકમાં 27 ઈંચ વરસાદ

આજે મુંબઈથી પાલઘર સુધી રેડ એલર્ટ : ત્રંબકેશ્વર મહાદેવના દર્શન બંધ કરાયા : નાસિકમાં વાદળ ફાટવાની ચેતવણી

મુંબઈમાં ભારે વરસાદથી રૂા.1000 કરોડનું નુકશાન : લોનાવલામાં 24 કલાકમાં 27 ઈંચ વરસાદ

(એજન્સી)      મુંબઇ તા.7:
મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદે ભારે વિનાશ વેર્યો છે. છેલ્લા 3 દિવસમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)માં પડી રહેલા ભારે વરસાદને કારણે રેલ, રોડ અને હવાઈ સેવાઓ લગભગ ઠપ્પ થઈ ગઈ. આ આફતથી ભારતની આર્થિક રાજધાનીમાં વ્યવસાય અને દૈનિક પ્રવૃત્તિઓ ખોરવાઈ ગઈ. કેટલાક અંદાજ મુજબ, મુશળધાર વરસાદને કારણે રૂા.1,000 કરોડથી વધુનું આર્થિક નુકસાન થયું છે.
ભારે વરસાદ વચ્ચે, મહારાષ્ટ્ર સરકારે ખાનગી કંપનીઓને સલાહ આપી હતી કે શક્ય હોય ત્યાં કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપે. સોમવારે બિન-આવશ્યક અને અર્ધ-સરકારી કચેરીઓ માટે અડધા દિવસની રજા પણ જાહેર કરવામાં આવી હતી.
મુંબઈ અને પુણે વચ્ચે આવેલું મહારાષ્ટ્રનું પ્રખ્યાત હિલ સ્ટેશન લોનાવલા કુદરતના પ્રકોપનો ભોગ બન્યું છે. લોનાવલામાં છેલ્લા 24 કલાક દરમિયાન આભ ફાટતાં અધધ 27 ઇંચ (675 મીમી) વરસાદ ખાબક્યો છે, જેના કારણે સમગ્ર પંથકમાં ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે અને અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, લોનાવલામાં આટલી ટૂંકી અવધિમાં આટલો પ્રચંડ વરસાદ પડવાની સંભાવના 1,000 વર્ષમાં માંડ એકાદ વાર જ હોય છે.
મહારાષ્ટ્રના નાસિક અને ત્ર્યંબકેશ્વર વિસ્તારમાં અતી ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં 11 ઈંચ સુધી વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. નાસિકમાં વાદળ ફાટવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.
નાસિકની તમામ શાળાઓ અને કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે, ત્ર્યંબકેશ્વર મંદિર અને ત્રણ શક્તિપીઠોમાં સામેલ સપ્તશ્રૃંગી મંદિર શ્રદ્ધાળુઓ માટે આજે બંધ રહેશે.
મુંબઇથી પાલઘર સુધી રેડ એલર્ટ જાહેર કરાયું છે. શાળા-કોલેજોમાં રજા વચ્ચે રેલવે-વિમાની સેવા વેરવિખેર રહી હતી. નાસિકમાં વાદળ ફાટવા જેવો અતિભારે વરસાદની ચેતવણીથી હાઇએલર્ટ જાહેર કરાયું હતું.