ડોક્ટરે બીમારી નહીં પરંતુ બીમાર વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ :PM મોદી

News2_20150911115752261વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચંડીગઢમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યુ. આ સમારોહમાં વડાપ્રધાન ઉપરાંત હરિયાણાના રાજ્યપાલ કેપ્ટનસિંહ સોલંકી, પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી અશોક ગજપતિ રાજૂ અને ચંડીગઢના સાંસદ કિરણ ખેર હાજર હતાં. 

નવા ટર્મિનલના ઉદ્ધાટન બાદ વડાપ્રધાન પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (PGIMER)ના પદવીદાન સમારંભમાં ભાગ લેવા પહોંચ્યા હતાં. અત્રે 34માં પદવીદાન સમારંભમાં ભાવિ ડોક્ટરોને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દિક્ષાંત સમારોહને શિક્ષાંત સમારોહ ન સમજવું જોઈએ. પદવીદાન સમારંભ શિક્ષણનો અંત નથી પરંતુ અહીંથી જીવનની પરિક્ષા શરૂ થાય છે. વડાપ્રધાન ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડા પણ અત્રે ઉપસ્થિત હતાં. 

મોદીએ કાર્યક્રમમાં હાજર ભાવિ ડોક્ટરોને કહ્યું કે તમે જીવનની મોટી જવાબદારી લેવા જઈ રહ્યાં છો. અહીં તમે માત્ર તમારી જીંદગીનો નિર્ણય નથી કરતા પરંતુ સમાજની અનેક જીંદગીઓનો નિર્ણય કરો છો. તમને ડોક્ટર બનાવવામાં ચાવાળા, વોર્ડ બોયનું પણ યોગદાન રહ્યું હશે. આપણે આજે જે કઈ છીએ તે સમાજના કારણે છીએ, સરકારના કારણે નહીં. તેમણે વધુમાં એ પણ કહ્યું કે પહેલવહેલો પદવીદાન સમારોહ અઢી વર્ષ પહેલા થયો હતો. એટલે કે આ અઢી વર્ષ જૂની પરંપરા છે. ઉપનિશદમાં પણ પદવીદાનની ચર્ચા કરવામાં આવી છે. પદવીદાન સમારોહ બાદ એવું લાગે છે કે બધી મુશ્કેલીઓનો અંત આવી ગયો પરંતુ હકીકતમાં અહીંથી હવે જ્ઞાનને કસોટીની એરણે ચકાસવાનો સમય આવી ગયો છે. 

મોદીએ મેડીકલ સાયન્સમાં ટેક્નોલોજી અંગે વાત કરતા કહ્યું કે પીજીઆઈમાં મોર્ડન ટેક્નોલોજી છે. પીજીઆઈ સાથે જોડાવવાનું મતલબ એ છે કે તમે સૌથી વધુ મોર્ડન ટેક્નોલોજી સાથે સંકળાયેલા ડોક્ટર છો. ટેક્નોલોજીની મદદથી ડોક્ટરોને બીમારીને સમજવા માટે વધુ મદદ મળી રહે  છે. પરંતુ ટેક્નોલોજી સાથે માનવીય સંવેદનાઓને સાંકળવી પણ જરૂરી છે. ડોક્ટરોએ  બીમારીની જગ્યાએ બીમાર વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. 

Leave A Reply