25 સપ્ટેમ્બરે NYમાં મહારેલીને પોલીસ મંજૂરી મળતા USમાં PM અને પાટીદારો સામસામે

News5_20150916175515840વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બરની અમેરિકાની મુલાકાત પર છે. આ સંજોગોમાં ત્યાં રહેલા પાટીદારોએ પાટીદાર અનામત આંદોલનને વેગ આપવા વડાપ્રધાન મોદીની હાજરીમાં મહારેલીનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે અમેરિકામાં ૨૫મી સપ્‍ટેમ્‍બરે નીકળનારી આ રેલીને મંજૂરી મળી ગઈ છે, જેમાં દસ હજારથી વધુ પાટીદારો જોડાશે. ન્યૂ યોર્ક ખાતે આવેલા યુનાઈટેડ નેશન્સના હેડક્વાર્ટરથી 25મી સપ્ટેમ્બરના રોજ રેલી નીકળશે.  મળતી  માહિતી પ્રમાણે પાટીદારો યુનાઇટેડ નેશન્સમાં તેમના પર થયેલા અત્યાચારોની ફરિયાદ કરશે. એક અંદાજ પ્રમાણે અમેરિકાના જુદા-જુદા ભાગોમાં વસતા 10 હજારથી વધુ પાટીદારો ઉમટી પડશે. આયોજકોએ પાટીદારોને યુએન હેડક્વાર્ટર સુધી લઈ જવાની વ્‍યવસ્‍થા પણ કરી દીધી છે અને રેલી માટે 10 હજાર મોટી સંખ્યામાં શાંતિના પ્રતિક સમા સફેદ ટી-શર્ટ પણ તૈયાર કરાવાયા છે.

આ સિવાય અમેરિકામાં વસતા પાટીદારોએ મોદીનો વિરોધ કરવાનું એલાન કરતાં હવે ભાજપ માટે એકદમ ભરોસાપાત્ર હોય તેવા પટેલો સિવાય બીજા કોઈપણ પટેલને નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં પ્રવેશવા નહીં દેવાય એવો નિર્ણય લેવામાં આવ્યો છે. પાટીદાર આંદોલન સંદર્ભે અમેરિકાના પટેલો વિરોધ પ્રદર્શિત કરી રહ્યાં છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે તેમની સમક્ષ રજૂઆત અને દેખાવો કરવા આયોજન કરવામાં આવ્યું છે. પટેલો મોદીની વિઝીટ દરમિયાન કાળાં કપડાં પહેરીને વાવટા ફરકાવશે એવું પણ આયોજન હતું.

અન્ય આયોજન પ્રમાણે અમેરિકામાં વસતાં ગુજરાતના પાટીદારો અનામતની માંગણી નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવા અમેરિકામાં આવેલી છ ભારતીય કોન્સ્યૂલેટને ઈ-મેલ તથા ફેકસનો મારો ચલાવશે. પાટીદારો આ કાર્યક્રમ નરેન્દ્ર મોદીના અમેરિકાના પ્રવાસ પૂર્વે 23મી સપ્ટેમ્બરથી શરૂ થશે અને નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા દરમિયાન એટલે કે 28મી સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. અમેરિકામાં આવેલા વોશિંગ્ટન ડીસી, ન્યૂયોર્ક, શિકાગો, સાન ફ્રાન્સિસ્કો, હ્યુસ્ટન અને એટલાન્ટાએ છ ભારતીય કોન્સ્યુલેટને આ ઈ-મેલ અને ફેકસ મોકલવામાં આવશે. 

Leave A Reply