બિહારમાં હાર્યા બાદ BJPમાં ઘમસાણ, RSS વડા સાથે અમિત શાહે કરી મુલાકાત

News2_20151109115000449બિહારમાં ચૂંટણીમાં મળેલી ભૂંડી હાર બાદ ભાજપમાં આંતરિક ગરમાવો ચરમસીમાએ છે. ભાજપની આજે સંસદીય બોર્ડની બેઠક મળી રહી છે બરાબર તે પહેલા પાર્ટી અધ્યક્ષ અમિત શાહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સાથે મુલાકાત કરી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેમની વચ્ચે લગભગ બે કલાક સુધી વાતચીત ચાલી હતી. આ અગાઉ રાજનાથ સિંહ પણ મોહન ભાગવતને મળ્યાં હતાં. અને તેમની વચ્ચે પણ દોઢ કલાક સુધી વાતચીત થઈ હતી. 

અમિત શાહ નવી દિલ્હી ખાતેના ઝંડેવાલા સ્થિત સંઘની ઓફિસમાં ભાગવતને મળ્યાં હતાં. બંને વચ્ચે બિહારમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હાર બાબતે ચર્ચા થઈ હતી. આ બેઠક એવા સમયે થઈ કે જ્યારે ચંદન મિત્રા અને શત્રુધ્ન સિન્હા જેવા અનેક નેતાઓ અમિત શાહની રણનીતિ પર સવાલો ઉઠાવી રહ્યાં છે. આ અગાઉ અરુણ શૌરી પણ કહી ચૂક્યા છે કે ભાજપની આ ભૂંડી હાર માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જવાબદાર છે. 

અમિત શાહ મોહન ભાગવતને મળ્યા તેવા સમાચાર આવ્યાં કે તુરંત શત્રુઘ્ન સિન્હાએ ટ્વિટ કરીને કહ્યું કે આશા છે કે તેમણે બોધપાઠ લીધો હશે. હવે માફ કરીને, ભૂલીને, વધુ સારા ભવિષ્ય માટે એકસાથે મળીને વિનમ્રતાથી કામ કરવાનો સમય છે. શત્રુધ્નએ વધુ એક ટ્વિટ કરીને પાર્ટીને સંદેશો આપ્યો હતો કે ભૂતકાળની વાત છોડીને આવનારા કાલ પર ચર્ચા કરવી જોઈએ. 

Leave A Reply