Tuesday, December 10

આમિર પર ભડકી શિવસેના, કહ્યુ ‘ભારત છોડીને કયા દેશમાં જવાના છે ઈડિયટ રણછોડદાસ’

News2_20151125102729975દેશમાં અસહિષ્ણુતાને લઈને બોલિવૂડ અભિનેતા આમિર ખાને આપેલા નિવેદનથી રાજકિય ભૂકંપ સર્જાઈ ગયો છે. આમિર ખાનના માથે બરાબર માછલા ધોવાઈ રહ્યાં છે. શિવસેનાએ પણ આમિર ખાનને આ મુદ્દે લપેટામાં લઈ લીધો છે. તેમના મુખપત્ર સામનાના એક લેખમાં જણાવાયું છે કે હિન્દી ફિલ્મોના ખાન કલાકારોને વચ્ચે વચ્ચે દેશ છોડવાના ઉબકા આવ્યાં કરે છે. કેટલાક વર્ષો પહેલા શાહરૂખ ખાનને પણ આવું ભૂત ઉપડ્યું હતું અને હવે આ જ બિમારીના ડેન્ગ્યુ મચ્છરે આમિર ખાનને ડંખ માર્યો છે જેના કારણે તે દેશ છોડવાની વાતો કરે છે. લેખમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સત્યમેવ જયતેનો માસ્ક હવે ઉતરી ગયો છે અને દેશભક્તિનો ફુગ્ગો ફૂટી ગયો છે.

લેખમાં જણાવાયું છે કે જ્યારે દેશ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે તેની સાથે ઊભા રહેવાની જગ્યાએ સિનેમાની આ ખાન જમાત જવાની વાત કરી રહી છે. ભાગેડુ પર એવું તે કેવું સંકટ આવી પડ્યું છે પહેલા એ તો ખબર પડવા દો. આમિરને જો એટલી જ મુશ્કેલી હોય તો તેણે તેની આગામી ફિલ્મ હિન્દુસ્તાનની જગ્યાએ અન્ય દેશોમાં પ્રદર્શિત કરવાની જરૂર છે. લેખમાં ફિલ્મ જગતના પ્રખ્યાત કલાકારોનો ઉલ્લેખ કરીને જણાવાયું છે કે અમિતાભ બચ્ચન, દિલિપ કુમાર, દેવાનંદ, ફિરોઝ ખાન, સલિમ ખાન, અને સલમાન ખાન જેવા લોકોને ડર નથી લાગતો અને ક્યારેય તેમણે દેશ છોડવાની વાત નથી કરી. હકીકત એ છે કે હિન્દુસ્તાનમાં મુસલમાનો જેટલા સુરક્ષિત છે તેટલા દુનિયાના કોઈ ઈસ્લામી દેશોમાં પણ નથી. આ વાત આમિરને પણ ખબર હશે.

લેખમાં આમિર પર આકરા પ્રહારો કરતા એમ પણ કહેવાયું છે કે આમિર ખાને તેની પત્નીને કાશ્મીરમાં લઈ જવી જોઈએ અને બતાવવું જોઈએ કે સરહદે આપણા જવાનો કેવી રીતે લડે છે. ગત સપ્તાહે શહીદ થયેલા જવાન સંતોષ મહાદિકની પત્નીએ સંકલ્પ લીધો હતો કે તેઓ તેમના બંને બાળકોને દેશની રક્ષા માટે સેનામાં મોકલશે. શું આમિરની પત્ની આવું કરી શકશે? દેશ છોડવાની ભાષા બેઈમાની છે. જો તેને દેશ છોડવાનો એટલો જ શોખ હોય તો એક એક પૈસાનો હિસાબ રાખો અને પછી ખુશીથી દેશ છોડવાની વાત કરો. 

ફિલ્મ થ્રી ઈડિયટ્સના ડાઈલોગ દ્વારા આમિરને સાણસામાં લેતા લેખમાં જણાવાયું છે કે જો હિન્દુસ્તાન તમને રહેવા લાયક દેશ નથી લાગતો તો ઈડિયટ રણછોડદાસ કયા દેશમાં જવાના છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, પેરિસ, બ્રસેલ્સ કે માલી? જલ્દી જાહેર કરે. જે લોકોને આ દેશ પોતાનો નથી લાગતો તેઓ ખાલી ખાલી દેશ ભક્તિ અને સત્યમેવ જયતેનું ગાણું ન ગાય. 

Leave A Reply