અચરજ કે આઘાત : ‘ગુનેગાર’ સલમાન નિર્દોષ

1449769812_nat2 1449769803_nat1નીચલી કોર્ટે જેને સજા આપે છે તેને હાઇકોર્ટ નિર્દોષ જાહેર કરે છે !!

૨૦૦૨ના આ કેસમાં સલમાનને પાંચ વર્ષની સજા ફટકારતા સેશન્સ કોર્ટના ચૂકાદાથી તદ્દન વિપરિત નિર્ણય

સરકારી પક્ષ આરોપો સાબિત કરવામાં નિષ્ફળ ગયાની કોર્ટની ટકોર ઃ સલમાનનો પાસપોર્ટ પરત કરવા પોલીસને આદેશ ઃ નવેસરથી રૃા. ૨૫ હજારનો બોન્ડ ભરવો પડશે ઃ મહારાષ્ટ્ર સરકારને સુપ્રીમ કોર્ટમાં જવાની છૂટ

(પ્રતિનિધિ દ્વારા)    મુંબઈ, તા. ૧૦
ફિલ્મસ્ટાર સલમાન ખાનને બોમ્બે હાઈ કોર્ટેે ૨૦૦૨ના હિટ એન્ડ રન કેસમાં તમામ આરોપોમાંથી મુક્ત કરતો ચુકાદો આપીને સેશન્સ કોર્ટે અભિનેતાને કરેલી પાંચ વર્ષની સજાને રદ કરી છે. ન્યાયમૂર્તિ એ. આર. જોશીએ ચુકાદામાં નોંધ્યું હતું કે અભિનેતા બનાવના દિવસે દારૃ પીને વાહન ચલાવ્યું હોવા  સહિતના તમામ આરોપો પુરવાર કરવામાં સરકારી પક્ષ નિષ્ફળ ગયો છે. ચુકાદો સાંભળવા માટે કોર્ટમાં હાજર સલમાન ખાનને કોર્ટેે નીચલી અદાલતમાં ભરેલા  બોન્ડ રદ થવા પર નવેસરથી રૃ. ૨૫ હજારના બોન્ડ ભરવા જણાવ્યું છેે. આ ઉપરાંત બાંદરા પોલીસ સ્ટેેશનને તેનો પાસપોર્ટ પણ ચકાસ્યા બાદ પાછો આપવાનું જણાવ્યું છે. સરકારી પક્ષને સુપ્રીમ કોર્ટમાં અપીલમાં જવલાની પરવાનગી આપી છે અને ત્યાં સુધી સલમાનને કસ્ટડીમાં રાખવાની આવશ્યકતા ન હોવાનું  જણાવ્યું છે. જોકે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ અપીલમાં જવા અંગેનો નિર્ણય લેવાશે, એમ જણાવ્યું છે.

હાઈ કોર્ટના જજે કેસમાં કરેલા મુખ્ય નિરીક્ષણો
–    સરકારી પક્ષે રજૂ કરેલા પુરાવાને આધારે સલમાનને કસૂરવાર ઠેરવી શકાય નહીં.
–    સરકારી પક્ષનો મુખ્ય સાક્ષીદાર અને સલમાન ખાનનો પોલીસ બોડીગાર્ડ રવીન્દ્ર પાટીલ સંપૂર્ણ રીતે આધારભૂત નથી.
–    સલમાન ખાને દારૃ પીધો હતો અને ડ્રાઈવિંગ કરી રહ્યો હતો એ કોઈ શંકાને સ્થાન આપ્યા વિના પુરવાર કરાયું નથી.
–    બારની રસીદો જેવા પુરાવા જે રીતે એકઠા કરાયા હતા એ પરથી બનાવટ થઈ હોવાનું જણાય છે.
–    ઘટના સમયે સલમાન સાથે કારમાં હાજર સિંગર કમાલ ખાનની પણ પૂછપરછ થવી જોઈતી હતી.

સલમાન તો છૂટી ગયો, પણ ઘાયલો હજી  પિડાય છે
એક ઘાયલ કહે છે, કોર્ટે અમારા વિશે પણ વિચારવું જોઈતું હતું

મુંબઈ/ગોડાં,તા.૧૦
૨૦૦૨ના હીટ એન્ડ કેસમાંથી સલમાન ખાન તો નિર્દોષ છૂટી ગયોપણ, એ અકસ્માતમાં ઘાયલ થયેલો શખ્સ ઘટનાના તેર વર્ષ બાદ  પણ ન્યાય  અને વળતરની રાહ જોઈ રહ્યો છે.
અકસ્માતમાં  ઘાયલ અબ્દુલાનો  એક પગ ભાંગી ગયો હતો અને એને લીધે એ કામે પણ જઈ શક્તો નથી.
એણે કહ્યું હતું કે તેર વર્ષ ચુકાદાની રાહ જોઈ છે અને અંતે સલમાનને નિર્દોષ દેવાયો છે. કોર્ટે એની તરફેણમાં આ જ ચુકાદો આપવો હતો તો  એ વર્ષો પહેલા આપી શકી હોત.  અમને  આટલા વર્ષ પ્રતિક્ત જોવડાવવાની શું જરૃર હતી.
એ દિવસે સલમાન ગાડી ચલાવતો હતો કે કેમ એવા પ્રશ્નનો જવાબમાં   એણે નનૈયો ભણ્યો હતો. અબ્દુલ્લાએ કહ્યું  હતું કે  મેં એને નહોતો જોયો, પણ બીજાએ જોયો હતો.
અકસ્માતમાં ઘાયલ અબ્દુલ શેખે પણ એના બન્ને પગ ગુમાવ્યા હતા.   એણે પણ મુંબઈ હાઈ કોર્ટના ચુકાદા અંગે નારાજગી વ્યકત કરી હતી તથા અભિનેતા પાસેથી યોગ્ય વળતર અને ભથ્થાની  માગણી કરી હતી. એણે કહ્યું હતું કે કોર્ટે અમારો પણ વિચાર કરવો જોઈતો હતો.
શેખ અત્યારે ઉત્તર પ્રદેશના ગોન્ડામાં  પોતાની પત્ની  અને ચાર બાળકો સાથે રહે છે  અને તેની આર્થિક હાલત ખરાબ છે.

કોર્ટનો ચૂકાદો સાંભળીને સલમાનની આંખ ભરાઈ આવી
કઠેડામાં ઊભેલા સલમાને માથું ઝુકાવ્યું, નિસાસો નાખ્યો અને ફરી જજ સામે જોઈને જાણે આભાર માનતો હોય એવો ભાવ ચહેરા પર જોવા મળ્યો

(પ્રતિનિધિ દ્વારા)    મુંબઈ, તા. ૧૦
બૉમ્બે હાઈ કોર્ટે આજે હિટ ઍન્ડ રન કેસમાં સલમાન ખાનને તમામ આરોપમાંથી મુક્ત કરતાં એણે ભારે રાહત અનુભવી હતી અને કોર્ટમાં એ લાગણીશીલ થઈ જતાં એની આંખમાંથી આંસુ નીકળી આવ્યા હતા. નીચલી અદાલતે ૨૦૦૨ના હિટ ઍન્ડ રન કેસમાં  બોલીવૂડના આ સુપરસ્ટાર અભિનેતાને પાંચ વર્ષની સજા કરી હતી, જેને સલમાને બૉમ્બે હાઈ કોર્ટમાં પડકારી હતી.

જસ્ટિસ એ આર જોશીએ આજે સલમાન ખાનને તમામ આરોપમાં નિર્દોષ જાહેર કરતાં બ્લૅક ઍન્ડ વ્હાઈટ ચેક્સના શર્ટમાં કોર્ટમાં હાજર સલમાન ખાને પોતાનું માથું ઝુકાવ્યું હતું, નિસાસો નાખ્યો હતો અને ફરી માથું ઊંચું કરીને જજ સામે વિટનેસ બૉક્સમાં ઊભો રહીને જોયું હતું.
ચૂકાદો આપ્યા બાદ જજ કોર્ટ રૃમમાંથી બહાર નીકળી જતાં સલમાન કોર્ટમાં હાજર પોતાના પરિવારજનો અને વકીલોને જઈને મળ્યો હતો. એના વકીલો કાનૂની પ્રક્રિયામાં વ્યસ્ત હતા ત્યારે સલમાન દીવાલની સામે ઊભો હતો અને એ કોઈક ગીત ગણગણી રહ્યો હતો. આ સમયે સલમાન સંવેદનશીલ બની જતાં એની આંખમાંથી આંસુ નીકળી આવ્યા હતા.
સ્થિતિ સમજી ગયેલા સલમાન ખાનના વર્ષો જૂના બોડીગાર્ડ શેરાએ અભિનેતાના આંસુ કોઈ જોઈ ન જાય એ માટે એને દીવાલ તરફ મોં રાખીને ઊભો કરી દીધો હતો. ચૂકાદો સાંભળ્યા બાદ સલમાનની બહેન અલવિરાનું મોં મલકાઈ ઊઠયું હતું અને એણે અંગૂઠો ઊંચો કરીને વિજયની ઊજવણી કરી હતી.
જસ્ટિસ એ આર જોશીએ ચૂકાદો સંભળાવતી વખતે સલમાન ખાનને કોર્ટમાં હાજર રાખવાનું ફરમાન એના વકીલોને કર્યું હોવાથી ૪૯ વર્ષનો સલમાન ખાન હાઈ કોર્ટમાં ૧.૩૦ વાગ્યે પહોંચ્યો હતો. ચૂકાદા બાદ સલમાન બહેન અલવિરા ખાન-અગ્નિહોત્રી, બનેવી આયુષ શર્મા અને બોડીગાર્ડ શેરા સાથે કોર્ટની બહાર નીકળ્યો હતો.
સલમાને પોતાના સિનિયર વકીલ અમીત દેસાઈ સહિત બધા વકીલોનો આભાર માન્યો હતો. અમીત દેસાઈએ જણાવ્યું હતું આ આ વિજય માત્ર સલમાનની નહીં, અમારો પણ છે.

સલમાનની કંપનીના ભાવમાં અફડાતફડી

હિટ એન્ડ રન કેસમાં કોર્ટના  ચુકાદા બાદ સલમાન ખાનની બિન્ગ હ્યુમન તરીકે જાણીતી બિન સરકારી સંસ્થા સાથે વિશિષ્ટ લાયસન્સ કરાર ધરાવતી મંધાના ઉદ્યોગના શેરભાવમાં ઈન્ટ્રાડેમાં ૧૨ ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે છેવટે આગલા બંધથી ૨.૪૧ ટકા વધીને  રૃપિયા ૨૭૧.૫૦ બંધ આવ્યો હતો. વોલ્યુમ ૨.૩૯ ગણું થયું હતું. દિવસ દરમિયાન શેરમાં ૩૦ રૃપિયાની અફરાતફરી થઈ હતી.
મુંબઈસ્થિત મંધાના ઉદ્યોગ બિન્ગ હ્યુમન કલોથિંગ અને મર્ચંડાઈઝના વિતરણ અને વેચાણના  વૈશ્વિક લાયસન્સ ધરાવે છે. મંધાના ઉદ્યોગની આવકમાં બિન્ગ હ્યુમનનો હિસ્સો ૧૦ ટકા જેટલો છે. અન્ય બ્રાન્ડ જેમાં સલમાન ખાને કરાર કર્યા છે તેમાં પણ આ ચુકાદાથી રાહત થઈ છે.
એક અંદાજ પ્રમાણે ફિલ્મ ઉદ્યોગના સલમાન પર હાલમાં રૃપિયા ૨૦૦ કરોડ લાગેલા છે, જેને કારણે ચુકાદાની ઉદ્યોગ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું હતું.

જુમ્મે કી રાત હૈ… ચાહકો ઝૂમી ઊઠયા
અભિનેતાનો જન્મદિવસ ૨૭ ડિસેમ્બરે છે, પણ આજથી ચાહકોએ એની ઊજવણી શરૃ કરી દીધી

(પ્રતિનિધિ દ્વારા)    મુંબઈ, તા. ૧૦
સલમાન ખાનને આજે બૉમ્બે હાઈ કોર્ટે ૨૦૦૨ના હિટ ઍન્ડ રન કેસના તમામ આરોપમાંથી મુક્ત કરતાં એના ચાહકો ઝૂમી ઊઠયા હતા. રસ્તા પર આવી જઈને સલમાનની જ ફિલ્મ કિકનું ગીત જુમ્મે કી રાત હૈ ગીત ગાવા માંડયું હતું. ઉર્દૂમાં ગુરુવારને જુમ્મેરાત કહે છે. ગુરુવારે કોર્ટનો સલમાનની તરફેણમાં ચૂકાદો આવ્યો હોવાથી ચાહકોએ આ ગીત ગાઈને ઊજવણી કરી હતી.

સલમાન ખાનને કોર્ટે નિર્દોષ છોડી મૂક્યો હોવાના સમાચાર આવ્યા બાદ એના બાંદરા ખાતેના નિવાસસ્થાન ગૅલેક્સી ઍપાર્ટમેન્ટની બહાર મોટી સંખ્યામાં ભેગા થયેલા એના ચાહકો ઝૂમી ઊઠયા હતા.
કોર્ટે ૧.૪૦ વાગ્યે ચૂકાદો આપ્યો ત્યારે સલમાનના આ ઘરે એકમાત્ર એની ગર્ભવતી બહેન અર્પિતા જ હતી. સલમાન કર્જતમાં એની આગામી ફિલ્મ સૂલતાનનું શૂટિંગ કરતો હતો ત્યાંથી જાતે કાર ચલાવીને એક કલાકે બૉમ્બે હાઈ કોર્ટ પહોંચ્યો હતો.

સલમાનના પિતા સલીમ ખાન સવારના ઘરેથી બહાર નીકળતા જોવા મળ્યા હતા, જ્યારે સલમાનની બહને અલવીરા અને એનો વિશ્વાસુ બોડીગાર્ડ શેરા કોર્ટમાં પહોંચ્યા હતા.
બપોર પછી સલમાનના ઘરની બહાર એના પ્રંશસકો ભેગા થવા માંડયા હતા. કેટલાંક ચાહકો તો કોલકાતા અને નાગપુરથી અહીં આવી પહોંચ્યા હતા. એમણે જણાવ્યું હતું કે આ ચૂકાદાથી અમને બહુ જ રાહત થઈ છે. સલમાનથી કોઈ ભૂલ થઈ હશે, પણ એ આકસ્મિક હતી.
કાશ્મીરથી આવેલી એક મહિલાએ તો ચૂકાદાથી ખુશ થઈને જણાવ્યું હતું કે સલમાન ખાન બજરંગી ભાઈજાનના શૂટિંગ વખતે પોતાના વતનમાં આવ્યો હતો ત્યારે એને જોયો હતો.
કેટલાંક ચાહકોએ જણાવ્યું હતું કે સલમાનનો જન્મદિવસ ૨૭ ડિસેમ્બરે છે, પણ આજે એ નિર્દોષ છૂટયો હોવાથી એના જન્મદિવસની પાર્ટી તો આજથી થઈ ગઈ છે.

સલમાન કેસ : ક્યારે શું બન્યું?
*૨૮ સપ્ટમ્બર ૨૦૦૨ઃ બાન્દ્રાના હિલ રોડ પર આવેલી અમેરિકન એક્સપ્રેસ બેકરી નજીકના ફૂટપાથ પર સલમાનની સફેદ રંગની ટોયાટા લેન્ડ ક્રુઝર ચડી ગઈ. ફૂટપાથ પર સૂતેલી એક વ્યક્તિનું મોત થયું અને અન્ય ચાર ઘાયલ થયા.
* સલમાનના લોહીના નમૂના લેવાયા.
* બાન્દ્રા પોલીસે એની ધરપકડ કરી અને એને જામીન પર છોડી મૂકાયો.
* સલમાન સામે આઈપીસી ૧૯૮૮ના મોટર વેહિક્લ એક્ટ અને ૧૯૪૯ના દારૃબંધીના કાયદાની કલમો લાગુ કરાઈ.
* ઓક્ટોબર ૨૦૦૨ ઃ મુંબઈ પોલીસે આઈપીસીની ૩૦૨ પાર્ટ ટુ કલમ પણ લગાડી. આ સદોષ માનવવધની કલમ હતી અને ગુનો પુરવાર થાય તો સલમાનને દસ વર્ષની સજા થઈ શકે.
* ૭ ઓક્ટોબર ૨૦૦૨ઃ સલમાન ખાન બાન્દ્રા પોલીસ સ્ટેશન સમક્ષ શરણે આવ્યો.
* ૨૧ ઓક્ટોબર ૨૦૦૨ઃ મુંબઈ પોલીસે બાન્દ્રા મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી.
* ૨૪ ઓક્ટોબર ૨૦૦૨ઃ સલમાન ખાનને જામીન મળ્યા.
* માર્ચ ૨૦૦૩ઃ સલમાન ખાને સેશન્સ કોર્ટમાં સદોષ માનવવધની કલમ (૩૦૨ પાર્ટ ટુ) ઉમેરવાના નિર્ણયને પડકાર્યો.
* મે ૨૦૦૩ઃ સેશન્સ જજે સલમાનની અરજી કાઢી નાખી અનએ મેજિસ્ટ્રેટોને આરોપ ઘડવાનો આદેશ આપ્યો.
* જૂન ૨૦૦૩ઃ સલમાન ખાને મુંબઈ હાઈકોર્ટમાં અપીલ કરી અને જજે એવો ચૂકાદો આપ્યો કે ા કેસમાં કલમ ૩૦૨ પાર્ટ ટુ લાગુ કરી ન શકાય.
* ઓક્ટોબર ૨૦૦૩ઃ મુંબઈ હાઈકોર્ટના ચૂકાદાને મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો.
* ડિસેમ્બર ૨૦૦૩ઃ સુપ્રીમ કોર્ટે એવા ચૂકાદો આપ્યો કે કલમ ૩૦૨ પાર્ટ ટુ લાગુ પાડવી કે કેમ એ મેજિસ્ટ્રેટ કોર્ટ નક્કી કરી શકે છે.

૨૮ સપ્ટેમ્બર, ૨૦૦૨ની રાત્રે દારૃના નશામાં બેફામ કાર ચલાવીને બાંદરામાં ફૂટપાથ પર સૂતેલા મજૂરોને કચડી નાખીને એકનું મૃત્યુ નીપજાવવા અને ચારને ઈજાગ્રસ્ત કરવાના કેસમાં સેશન્સ કોર્ટે કરેલી પાંચ વર્ષની જેલની સજા સામે ખાનની અપીલનો નિકાલ લાવતી વખતે કોર્ટે જણાવ્યું હતું કે સરકારી પક્ષ કેસને સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં નિષ્ફળ ગયો છે.  જજ અપીલનો નિકાલ લાવીને જણાવ્યું હતું કે અભિનેતા કોર્ટ સમક્ષ હાજર રહે ત્યાર બાદ તેઓ આદેશ આપશે. આને પગલે સલમાન ખાને તાત્કાલિક કોર્ટમાં હાજરી આપી હતી.

કોઈને કસૂરવાર ઠેરવવા માટે દૃઢ શંકા પુરતી ન કહી શકાય. કેસ પુરવાર કરવા સરકારી પક્ષે પુરતું સાહિત્ય રેકોર્ડ પર લીધું નથી અને આખા પુરાવા સાંયોગિક પ્રકારના છેે, એમ ન્યાયમૂર્તિ જોશીએ નોંધ્યું હતું. સલમાન ખાનના પોલીસ બોડીગાર્ડનું નિવેદન સરળ પ્રકારનું હોવું જોઈતું હતું, કોર્ટે અગાઉ પણ જણાવ્યું હતું કે તેનું નિવેદન ધ્યાનમાં લઈ શકાય નહીં અને નીચલી કોર્ટે  નિવેદન રેકોર્ડ પર લઈને ભૂલ કરી છે.

જજે એમ પણ જણાવ્યું હતું કે સામાન્ય જનતાની ભાવનાથી તેઓ અજાણ નથી પણ કોર્ટે રેકોર્ડ પર લીધેલા સાહિત્ય પર કેસ નક્કી કરવાનો હોય છે. સેશન્સ કોર્ટે સલમાનને પાંચ વર્ષની સજાના આપેલા આદેશ પર ન્યાયમૂર્તિ જોશીએ જણાવ્યું હતું કેે નીચલી અદાલતે પુરાવાનું મૂલ્યાંકન ગુનાહિત ન્યાયશાસ્ત્રના સિદ્ધાંતો અનુસાર યોગ્ય રીતે નહોતું કર્યું.

જજે નોંધ કરી હતી કે સેશન્સ કોર્ટેે રેઈન બારમાં સલમાન અને મિત્રોએ દારૃ પીધો હોવાના પુરાવા તરીકે તપાસ એજન્સીએ રજૂ કરેલા બિલોનો સ્વીકાર કરીને ભૂલ કરી છે.

હાઈ કોર્ટના જણાવ્યા અનુસાર સરકારી પક્ષ એ પુરવાર કરવામાં નિષ્ફળ ગયો છે કે ખાને દારૃ પીધો હતો અને વધુમાં અકસ્માતની રાત્રે તેણે વાહન પણ ચલાવ્યું હતું.

જૈવિક પુરાવા એકઠા કરવા સંબંધી પુરાવાની ઘટનામાળને જોડવાની પ્રક્રિયા સ્થાપિત કરવામાં સરકારી પક્ષ  નિષ્ફળ ગયો છે અને આવી તપાસની ખોટી પદ્ધતિ જેવી અનેક ભ્રમણા કેસ ફરતે ઊભી કરવામાં આવી હોવાનું જજે ધ્યાન દોર્યું હતું.અન્ય મુદ્દો આરોપી માટે તરફેણવાળો આદેશ મેળવી શકાય એ રીતે અનેક બાબતે હેતૂપૂર્વક ઢીલ મૂકવા સંબંધી  હતો.

અકસ્માત બાદ સલમાન ખાન ઘટનાસ્થળેથી નાસી ગયો હોવાના આરોપમાંથી પણ તેને મુક્ત કર્યો હતો. જજે નોંધ્યું હતું કે ઘટનાસ્થળે લોકો હિંસક બની રહ્યા હતા અને પરિસ્થિતિ નિયંત્રણ બહાર ગઈ હતી. આથી ખાને ત્યાંથી ચાલ્યા જવાનું પસંદ કર્યું હતું.

૧૩ વર્ષ જૂના કેસના હાઈ કોર્ટમાં ત્રણ દિવસથી ચાલી રહેલા ચુકાદામાં કોર્ટે અગાઉ સંકેત આપ્યા હતા કે સલમાન સામે દારૃ પીને વાહન ચલાવ્યું હોવાનો આરોપ પુરવાર નથી થઈ રહ્યો. વધુમા ંકેસમાં પોલીસ બોડીગાર્ડે એફઆઈઆરમાં આપેલા નિવેદનમાં અનેકવાર ફેરફાર કર્યા છે. જો પાટીલનું નિવેદન આંશિક ર્રીતે ગ્રાહ્ય ધરી પણ લઈએ તો તેને સમર્થન આપતાા પુરાવા પણ નથી. પાટીલે એફઆઈઆરમાં સલમાને દારૃ પીધો હોવાની નોંધ કરી નહોતી. સલમાનના લોહીના નમૂનાનો અહેવાલ આવ્યા બાદ તેણે નિવેદન બદલ્યું હતું.

જજે એ વાતની પણ નોંધ લીધી હતી કે સરકારી પક્ષે ઘટના સમયે કારમા ંહાજર ખાનના મિત્ર અને સિંગર કમાલ ખાન તેમ જ ખાનનો ફેમિલી ડ્રાઈવર અશોક સિંહની ક્યારેય કોર્ટમાં તપાસ કરી નહોતી.
પ્રમાણિક ડ્રાઈવર અશોક સિંહે મેમાં સલમાનને કસૂરવાર ઠેરવવામાં આવ્યા બાદ અકસ્માતનો દોષ પોતાના માથે લીધો હતો અને સેશન્સ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે એ રાત્રે કાર પોતે ચલાવી રહ્યો હતો. સરકારી પક્ષે ૧૩ વર્ષ બાદ આપેલી કબૂલાતને ઘણી મોડી હોવાનું કહીને રદબાતલ કરી હતી.

ન્યાયમૂર્તિ જોશીએ સરકારી પક્ષની કમાલ ખાનને તપાસમાં નિષ્ફળતા મળી હોવાની દલીલ સાથે સહમતી દર્શાવી નહોતી. કમાલ ખાન વિદેશમાં સ્થાયી થયો એ પહેલાં ૨૦૦૭ સુધી ભારતમાં હતો, એ વાતની કોર્ટે નોંધ કરી હતી.

બનાવની રાત્રે અકસ્માત બાદ કારની આગળનું ડાબી બાજુનું ટાયર ફાટયું હોવાનું પુરવાર કરવામાં સરકારી પક્ષ નિષ્ફળ ગયો હોવાનું પણ કોર્ટે નોધ્યું હતું. ખાને સમગ્ર સુનાવણી દરમ્યાન દલીલ કરી હતી કે કાર નિયંત્રણ બહાર  જઈને ફૂટપાથ સાથે અથડાઈ હતી જેને પગલે ટાયરફાટયું ંહતું.

 

Leave A Reply