એકથી વધુ બાર એસોસિએશનમાં મત આપવા પર અને ચૂંટણી લડવા પર પ્રતિબંધ

1450042597_ahm-4બાર કાઉન્સિલની સામાન્ય સભામાં લેવાયેલા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો

અમદાવાદ
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આજે મળેલી સામાન્ય સભામાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે કોઈ પણ ધારાશાસ્ત્રી એકથી વધુ બાર એસોસિએશનમાં મત આપી શકશે નહીં કે ચૂંટણી લડી શકશે નહીં. ધારાશાસ્ત્રી કયા એસોસિએશનના સભ્ય રહેવા માંગે છે તે નક્કી કરી લેવાનું રહેશે. આ સાથે જ કેટલાંક નકલી વકીલોને વ્યવસાયમાંથી દૂર કરવા માટે દર પાંચ વર્ષે સનદ ફરજિયાત રિન્યુ કરાવવાનો નિયમ પણ અમલી બનાવાયો છે. આ નવા નિયમોથી પારદર્શીતા વધશે તેવું માનવામાં આવે છે.
નકલી વકીલોને પકડવા માટે દર પાંચ વર્ષે સનદ રિન્યુઅલ ફરજિયાત બનાવી દેવાઈઃ નિવૃત જયુડિશિયલ પદાધિકારીઓને જુના હોદ્દાનો ઉપયોગ ના કરવા સૂચના
આજે લીધેલા નિર્ણયો મુજબ જે ધારાશાસ્ત્રી એકથી વધુ બાર એસોસિએશનમાં સભ્યપદ ધરાવતા હોઈ તેઓ કયા એસોસિએશનમાં સભ્ય રહેવા માંગે છે તેની જાણ બાર કાઉન્સિલને કરવાની રહેશે અને દરેક બાર એસોસિએશને પોતાના સભ્યોના નિર્ણય મુજબ ૨૮ ફેબુ્રઆરી ૨૦૧૬ સુધીમાં નવી મતદાર યાદી બાર કાઉન્સિલને મોકલી આપવાની રહેશે જેનાથી કોઈ ધારાશાસ્ત્રી એકથી વધુ એસોસિએશનમાં સભ્ય હોઈ તો તેની ઓળખ થઈ જશે.
આ સાથે જ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવેલા સર્ટિફિકેટ ઓફ પ્લેસ એન્ડ પ્રેકટીસ (વેરીફિકેશન) રૃલ્સ-૨૦૧૫ને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા બહાલી આપવામાં આાવી છે. આ નવા નિયમો મુજબ દરેક ધારાશાસ્ત્રીએ દર પાંચ વર્ષે પોતાની સનદ અને આઈ કાર્ડ ફરજિયાત રિન્યુ કરાવવાના રહેશે. બાર કાઉન્સિલના સભ્યોના જણાવ્યાં અનુસાર આ નિયમ એટલા માટે લાવવામાં આવી રહ્યો છે જેનાથી ખરેખર પ્રેકટીસ કરનારા ધારાશાસ્ત્રીઓ કેટલા છે તેની ખબર પડશે અને જે લોકો પ્રેકટીસ નથી કરતાં તેઓની સનદ જમા કરાવી શકાય. કેટલાંક વકીલો નોકરી, ધંધા કે કોઈ અન્ય વ્યવસાયમાં જોડાઈ ગયા હોઈ પરંતુ સનદ જમા કરાવવાનું ભુલી ગયા હોઈ તો તેમની માહિતી મળી શકે. બીજી તરફ બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના હોદ્દેદારોનું માનવું છે કે દેશભરમાં ૩૦ ટકા ખોટા વકીલો આ ધંધામાં છે એટલે કે જેમની પાસે સનદ નથી અને પ્રેકટીસ કરી રહ્યાં છે. આવા વકીલો પણ આ નિયમથી પકડાઈ જશે. જે વકીલોને આ વ્યવસાયમાં પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા છે તેમના રિન્યુઅલ અને જુના સભ્યોના રિન્યુઅલની પ્રક્રિયા અંગે દરેક બાર એસોસિએશનને ૩૧ માર્ચ ૨૦૧૬ સુધીમાં સૂચના મોકલી આપવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે.
પબ્લીક પ્રોસિકયુટર, કોઈ ટ્રીબ્યુનલના સભ્યપદ સહિત વિવિધ જયુડિશ્યલ પદ પર રહેલા પદાધિકારીઓ નિવૃતિ બાદ પણ પોતાના ભૂતપૂર્વ હોદ્દાનો ઉપયોગ પોતાના વિઝીટીંગ કાર્ડ, લેટરહેડ, વકીલાતનામા, નેમ પ્લેટ તેમ જ વાહન પર કરતાં હોઈ છે. આવા ભૂતપૂર્વ જયુડિશિયલ પદાધિકારીઓ પાછા વકીલાતના વ્યવસાયમાં આવે ત્યારે પોતાના કલાઈન્ટ આકર્ષિત કરવા ભૂતપુર્વ હોદ્દાઓ પ્રદર્શિત કરતાં હોઈ આવું કરવા સામે બાર કાઉન્સિલે મનાઈ ફરમાવી છે અને આવું કરનારા લોકો પર શિસ્તભંગના પગલા લેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Leave A Reply