૧લી જાન્યુઆરીથી ચીનમાં બે બાળકોનો કાયદો

1450714876_i6ચીનની નવી નીતિ ‘હમ દો હમારે દો’

પરિવાર નિયોજનના કાયદામાં આમુલ પરિવર્તનઃ યુવા-વૃદ્ધોની સંખ્યામાં સંતુલન લાવવા ચીને કમર કસી
બેઈજિંગ, તા.૨૧
દુનિયામાં સૌથી વધારે વસ્તીવાળો દેશ ચીન તેમની વિવાદાસ્પદ પરિવાર નિયોજનની નીતિમાં બદલાવ કરવા માટે તૈયાર થયું છે. પરિવાર યોજનામાં કરાયેલા સંશોધનને પ્રાધાન્ય આપીને એક બાળકની નીતિની જગ્યાએ બે સંતાનોનો કાયદો લાગુ પાડશે. જો કે ચીનમાં છેલ્લા સાડા ત્રણ દાયકાથી ‘વન કપલ, વન ચાઈલ્ડ’નો કાયદો હતો. જે કાયદામાં સુધારો કરીને ‘વન કપલ, ટુ ચિલ્ડ્રન’ની નીતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. માહિતી પ્રમાણે આ નવા કાયદાનો અમલ ૧લી જાન્યુઆરી, ૨૦૧૬થી કરવામાં આવે તેવી શક્યતા છે.
પરિવાર નિયોજનના અહેવાલ પ્રમાણે નેશનલ પીપલ્સ કોંગ્રેસ સ્ટેન્ડિંગ કમીટીએ બે મહિનાના સત્રમાં સંશોધન ડ્રાફ્ટ રજુ કર્યો હતો. આ ડ્રાફ્ટમાં રજુ કરાયેલા નવા સંશોધનને માન્ય રાખવામાં આવ્યું છે અને એક દંપતિ, બે બાળકોની નીતિ પર સરકાર સાથે સહમતિ લેવામાં આવી છે. આ કાયદા પર આગળ વધવાનો નિર્ણય ઓક્ટોબર મહિનામાં સત્તાના સુત્રો સંભાળનારી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાની કેન્દ્રિય સમિતિએ લીધો હતો. કેન્દ્રીય સમિતિએ ‘વન કપલ, ટુ ચિલ્ડ્રન’માં જરૃરી સુધારા કરીને જલ્દીથી ચીનમાં કાયદો લાગુ કરવાની તૈયારી બતાવી છે.
નેશનલ હેલ્થ એન્ડ ફેમિલ પ્લાનિંગ કમીશનના પ્રમુખ લી બિને જણાવ્યું હતું કે, ‘વન કપલ, ટુ ચિલ્ડ્રન’નો કાયદો લાગુ કરવા પાછળનું કારણ દેશમાં વધી રહેલી વૃદ્ધોની સંખ્યાને ધ્યાનમાં લઈને વસ્તીમાં સંતુલન જાળવી રાખવાનો છે. આ કાયદાનો અમલ ટુંક સમયમાં કરવામાં આવશે. પરિવાર નિયોજન કાયદામાં સંશોધન કરવામાં આવશે અને જરૃરી બદલાવો પણ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલના સમયે એક બાળકના કાયદાનો અમલ કરનાર દંપતિને અલગ અલગ રીતે ઘણા પ્રોત્સાહન આપવામાં આવે છે. જો કે નવી નીતિના અમલ પછી પણ એક બાળકની યોજનાના લાભ મળતા રહેશે.

Leave A Reply