પઠાણકોટ હુમલાના શહીદોના અંતિમ સંસ્કાર સમયે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા

1451921767_n4સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે ગુરુસેવક સિંહના અંતિમ સંસ્કાર

શહીદ પામેલા ગુરુસેવક સિંહ, નિરંજન, સુબેદાર ફતેહ સિંહના પરિવારજનોના આક્રંદથી ગમગીની છવાઇ ઃ પંજાબના મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલ શહીદ ફતેહ સિંહ અને કુલવંત સિંહના પરિવારજનોને મળ્યા
અંબાલા/બેંગાલુરુ, તા. ૪
પઠાણકોટ હુમલામાં શહીદ થયેલા જવાનોના અંતિમ સંસ્કાર વખતે હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતાં. શહીદોની અંતિમ વિધિ અનેક લોકોની હાજરીમાં સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે કરવામાં આવી હતી. ‘ભારત માતા કી જય’ના સૂત્રોચ્ચાર વચ્ચે શહીદ ગુરુસેવક સિંહનો ત્રિરંગામાં લપેટાયેલો મૃતદેહ જ્યારે તેમના મૂળ વતન અંબાલાના ગરનાલા ગામમાં પહોંચ્યો તો પરિવારજનો ધુ્રસ્કે ધુ્રસ્કે રડી પડયા હતાં.
શહીદને શ્રદ્ધાંજલિ આપવા મોટા પ્રમાણમાં લોકો આવ્યા હતાં. હરિયાણાના પ્રધાનો અનીલ વીજ અને અભિમન્યુ, એરફોર્સના વરિષ્ઠ અધિકારીઓ તથા આર્મી, પોલીસ અને નાગરિક વહીવટી તંત્રના કર્મચારીઓ શ્રદ્ધાંજલિ આપવા હાજર રહ્યાં હતાં.
સ્વતંત્રતા સેનાની શહીદ ભગત સિંહને પોતાના આદર્શ માનનારા ગુરુસેવક સ્નાતક સુધીનો અભ્યાસ કર્યા પછી એરફોર્સમાં જોડાયા હતાં. તેમના લગ્ન ૧૮ નવેમ્બરે જ થયા હતાં. ગુરુસેવકના પિતા સૂચા સિંહ પણ સેનામાં હતાં. આ તેમના પરિવારની પરંપરા છે. તેમના મોટા ભાઇ હરદીપ પણ સુરક્ષા દળોમાં કાર્યરત છે.
પઠાણકોટ હુમલામાં શહીદ થયેલા અન્ય જવાન  લેફટનન્ટ કર્નલ ઇ કે નિરંજનનો મૃતદેહ આજે બેંગાલુરુ લાવવામાં આવ્યો હતો. અહીંથી મૃતદહેને તેમના મૂળવતન કેરળના પલક્કડમાં લઇ જવાશે. નિરંજનના પિતા શિવરંજને જણાવ્યું હતું કે તે હંમેશાથી સેનામાં રસ હતો. હું તેના સમર્પણથી ગર્વ અનુભવુ છે. નેશનલ સિક્યુરિટી ગાર્ડમાં બોંબ નિષ્ણાત તરીકે કાર્યરત નિરંજન પઠાણકોટમાં આવેલા એરફોર્સ બેઝ પર થયેલા હુમલા દરમિયાન બોંબ નિષ્ક્રિય કરતી વખતે શહીદ થયો હતો.
પંજાબના ગુરદાસપુરમાં ૫૧ વર્ષીય સુબેદાર ફતેહ સિંહના ઘરે પણ શોકના દ્રશ્યો જોવા મળ્યા હતાં. શહીદ ફતેહ સિંહની પુત્રી મધુએ જણાવ્યું હતું કે મારા પિતાએ જે કર્યુ છે તેનાથી મને તેમના પર ગર્વ છે.
પંજાબના મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલે આજે પઠાણકોટ હુમલામાં શહીદ થયેલા સુબેદાર ફતેહ સિંહ અને હવાલદાર કુલવંત સિંહના પરિવારજનોને મળ્યા હતાં. બાદલે જણાવ્યું હતું કે પરિવારજનો માટેના આ દુઃખદ સમયમાં અમે તેમને શક્ય તમામ મદદ કરીશું.

Leave A Reply