Thursday, August 22

નાના બચતકારોને સજા : વ્યાજ દરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો

1455653455_main-news– સામાન્ય નાગરિકોની બચત આવક દર વધારવાના બદલે

૧થી ૩ વર્ષની ટર્મ ડિપોઝીટ, KVP અને રિકરિંગમાં હવે ૮.૪ ટકાને બદલે ૮.૧૫ ટકા વ્યાજ મળશે  એમઆઇએસ, પીપીએફ, સિનિયર સિટીઝન અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વ્યાજ દર યથાવત
નવી દિલ્હી, તા. ૧૬

‘અચ્છે દિન’ની રાહ જોઇને બેઠેલા સામાન્ય માનવીને રાહત આપવાને બદલે કેન્દ્ર સરકારે નાની બચતના વ્યાજ દરોમાં ઘટાડો કરીને તેમની આશા પર પાણી ફેરવી નાખ્યું છે. બજાર દર સાથે નાની બચત યોજનાઓના વ્યાજને સાંકળવાના ભાગરૃપે સરકારે આજે પોસ્ટઓફિસની ટૂમકા ગાળાની બચત યોજનાઓના વ્યાજ દરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો છે. જો કે સરકારે માસિક આવક યોજના(એમઆઇએસ), સિનીયર સિટીઝન અને સુકન્યા સમૃદ્ધિ જેવી લાંબા ગાળાની બચત યોજનાઓના વ્યાજ દરમાં કોઇ ફેરફાર કર્યો નથી.
હાલમાં પોસ્ટ ઓફિસની ૧,૨ અને ૩ વર્ષની ટર્મ ડિપોઝીટ, પાંચ વર્ષની રિકરિગ ડિપોઝીટ પર ૮.૪ ટકા વ્યાજ આપવામાં આવે છે. કિસાન વિકાસ પત્રમાં ૧૦૦ મહિના(૮ વર્ષ, ૪ મહિના)માં રકમ ડબલ આપવામાં આવે છે. હવે આ યોજનાઓ પર ૧ એપ્રિલ, ૨૦૧૬થી ૮.૧૫ ટકા વ્યાજ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સરકારી સિક્યુરીટીની સરખામણીમાં અત્યાર સુધી પોસ્ટ ઓફિસની ૧,૨ અને ૩ વર્ષની ટર્મ ડિપોઝીટ, કિસાન વિકાસ પત્ર(કેવીપી) અને પાંચ વર્ષની રિકરિંગ ડિપોઝીટ પર ૦.૨૫ ટકા વધુ વ્યાજ મળતું હતું. ઘટાડેલા વ્યાજ દર ૧ એપ્રિલ, ૨૦૧૬થી અમલમાં આવી જશે.
નાણા મંત્રાલયે વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરતા વધુમાં જણાવ્યું હતું કે દર ત્રણ મહિને વ્યાજ દરોની સમીક્ષા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સરકારી સિક્યુરિટી પરના વ્યાજ દરની સરખામણીમાં હાલમાં સુકન્યા સમૃદ્ધિ યોજના, સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ અને મન્થલી ઇન્કમ સ્કીમમાં અનુક્રમે ૦.૭૫ ટકા, ૧ ટકા અને ૦.૨૫ ટકા વધુ વ્યાજ મળી રહ્યું હોવા છતાં સરકારે આ યોજનાના વ્યાજ દરોમાં કોઇ ઘટાડો કર્યો નથી.
આ જ પ્રમાણે પાંચ વર્ષની ડિપોઝીટ, એનએસસી અને પીપીએફ જેવા લાંબા ગાળાની યોજનાઓના વ્યાજ દરોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો નથી. હાલમાં પીપીએફમાં ૮.૭ ટકા, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ૯.૨ ટકા અને માસિક આવક યોજનામાં ૮.૪ ટકા વ્યાજ આપવામાં આવે છે.  ગંભીર બિમારી, બાળકોના ઉચ્ચ શિક્ષણ જેવા મહત્ત્વપૂર્ણ કિસ્સાઓમાં પીપીએફ એકાઉન્ટ બંધ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

ટ્રેડ યુનિયોની ૮.૯ ટકાની માગ વચ્ચે
પીએફનો વ્યાજ દર માત્ર ૦.૦૫ ટકા વધારી ૮.૮ ટકા કરાયો
કેન્દ્રીય શ્રમ પ્રધાને ભવિષ્યમાં વ્યાજમાં વધારો કરવાના સંકેત આપ્યા

(પીટીઆઇ)    ચેન્નાઇ, તા. ૧૬
એમ્પલોઇઝ પ્રોવિડન્ટ ફંડમાં જમા રકમ પર વર્ષ ૨૦૧૫-૧૬માં ૮.૮૦ ટકા વ્યાજ મળશે. હાલમાં આ રકમ પર ૮.૭૫ ટકાના દરે વ્યાજ મળતું હતું. એટલે કે સરકારે વ્યાજ દરોમાં ૦.૦૫ ટકાનો વધારો કર્યો છે. જો કે ટ્રેડ યુનિયનોએ પીએફનો વ્યાજ દર ૮.૯૦ ટકા કરવાની માગ કરી હતી.  કેન્દ્રીય શ્રમ પ્રધાન બાન્દારુ દત્તાત્રેયે જણાવ્યું હતું કે હાલમાં કરાયેલો વધારો વચગાળાનો છે. તેમણે ભવિષ્યમાં વ્યાજ દરોમાં વધારો કરવાના સંકેત આપ્યા હતાં.
પ્રધાને જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં મંદી ચાલી રહી હોવાથી ભારતમાં પણ વ્યાજ દરો ઘટયા છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને અન્ય કેન્દ્ર સરકારના સંગઠનો બજાર વલણ પર નજર રાખી રહ્યાં છે.
એમ્પલોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન(ઇપીએફઓ)ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ(સીબીટી)ની ૨૧૧મી બેઠકના અંતે પ્રધાને પત્રકારોને જણાવ્યું હતું કે અમે ગયા વર્ષે ૮.૭૫ ટકા વ્યાજ આપ્યો હતો. આ વખતે અમે ૮.૮ ટકા વ્યાજ આપી રહ્યાં છીએ.

Leave A Reply