સોનાચાંદીના બજારમાં ત્રણ દિવસની દેશવ્યાપી હડતાળ

845652_Wallpaper1– નાણાપ્રધાન જેટલીએ જ્વેલરી પર લાદેલી એક્સાઈઝનો ઉગ્ર વિરોધ

– સેન્સેક્સમાં સાત વર્ષનો સૌથી મોટો ૭૭૭ પોઇન્ટનો ઊછાળો

રોકાણકારોની સંપત્તિમાં રૃ. ૨.૫૪ લાખ કરોડનો વધારો
રૃપિયામાં પણ ૫૭ પૈસાનો ઊછાળો : નિફ્ટી ૨૩૫ પોઈન્ટ ઊછળીને ૭૨૨૨ની સપાટીએ
રિઝર્વ બેંક આજે નાણાનીતિમાં વ્યાજદરમાં ઘટાડો કરે તેવી વકી

મુંબઈ,તા.૧
નાણાંપ્રધાન જેટલીએ રજૂ કરેલા બજેટે દેશના ઝવેરી બજારોમાં વ્યાપક રોષ જગાવ્યો છે  અને જ્વેલરી પર એક્સાઈઝ ડયુટી લાદવામાં આવતાં દેશના ઝવેરીઓ આક્રમક મુડમાં આવી ગયા હોવાનું  બજારના સૂત્રોએ જણાવ્યું હતું. આ પ્રશ્ને હવે ઝવેરીઓ દેશવ્યાપી  ધોરણે  બુધવારથી (આજથી)  ૩ દિવસની હડતાળ પર ઉતરી જવાના છે. આ  અગાઉ યુપીએના રાજમાં નાણાંપ્રધાન પ્રણવ મુખરજીએ પણ  જ્વેલરી પર એકસાઈઝ ડયુટી લાદી હતી અને એ વખતે પણ દેશવ્યાપી વિરોધનો જુવાળ સર્જાયો હતો તથા ઝવેરીઓએ દોઢથી બે મહિના આંદોલન કર્યા પછી એ વખતની સરકારે  એકસાઈઝ પાછી ખેંચી લીધી હતી. બીજી બાજુ નાણામંત્રી જેટલી દ્વારા બજેટ રજૂ થયેલી કેટલીક સરાહનીય જોગવાઈઓ તેમજ રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરમાં ઘટાડાની પ્રબળ અપેક્ષા પાછળ ચોમેરથી નીકળેલ નવી લેવાલી પાછળ શેરોની જાતેજાતમાં સુધારો થતા બીએસઈ સેન્સેક્સમાં આજે છેલ્લા સાત વર્ષનો સૌથી મોટો ૭૭૭ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. બીજી તરફ અમેરિકન ડોલર સામે રૃપિયામાં પણ ૫૭ પૈસાનો નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો.
હવે આ વખતે એનડીએની સરકારે ફરી પલીતો ચાંપ્યો છે અને ફરી દેશભરના ઝવેરીઓ  રોષે ભરાઈ એક છત્ર હેઠળ આવી ગયા છે. તાજેતરમાં બે લાખ અને તેનાથી વધુના વ્યવહાર પર ઝવેરી બજારમાં પેનકાર્ડ ફરજીયાત કરાયા પછી વેપાર ધંધાને મોટો ફટકો પડયો છે અને આ પ્રશ્ન હજી ઉકેલાયો નથી ત્યાં બજેટમાં જવેલરી પર એકસાઈઝ લાદવામાં આવતાં સરકાર સામે નારાજગી વધી છે. એવું ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશનના અધ્યક્ષે જણાવ્યું હતું. પેનકાર્ડના નિયમના કારણે ઝવેરી બજારમાં વેપાર ઘટી ગયો છે.  ગ્રામિણ વિસ્તારોમાં માગને વ્યાપક ફટકો પડયો છે. પાનકાર્ડની મર્યાદા  વધારીને   ૧૦ લાખની કરવાની માગણી ઝવેરીઓએ તાજેતરમાં કરી હતી, હવે એકસાઈઝ જેવો કાળો કાયદો નાણાંપ્રધાને ઝવેરીઓ પર લાદતાં આંદોલનનો મુડ ચરમસીમાએ પહોંચ્યો છે. મુંબઈમાં આજે ઝવેરી બજારમાં ઘણી દુકાનોએ બંધ પાળ્યો હતો. હવે આજથી દેશભરના ઝવેરીઓ ત્રણ દિવસ કામ બંધ રાખવાના છે. એક ટકો એકસાઈઝ લદાઈ છે. જોકે ઝવેરીઓના જણાવ્યા મુજબ તેમને એકસાઈઝ  ચૂકવવા સામે  વાંધો નથી પરંતુ એકસાઈઝ વિભાગની ઈન્સ્પેકટર રાજ જેવી નીતિ સામે  ઝવેરીઓનો  વિરોધ રહ્યો છે. આવી એકસાઈઝના કારણે જવેરાત  ઘડતા હજારો કારીગરોને પણ અસર પડશે. અગાઉ ૨૦૦૫ અને ૨૦૧૨ના બજેટમાં પણ સરકારે  આવી એકસાઈઝ લાદી હતી અને ત્યારબાદ વિરોધ થતાં  પાછી ખેંચવી પડી હતી. હવે ફરી આવો વિવાદ જેટલીએ જગાવ્યો છે.
ફેડરેશનના પ્રતિનિધિઓ આ પ્રશ્ને રજૂઆત કરવા દિલ્હી જઈ નાણાં પ્રધાનને મળવાના છે. ૩ દિવસની હડતાળ પછી નાણાં પ્રધાન કેવો પ્રતિસાદ  આપે છે તે જોઈ ત્યાર પછીની રણનીતિ ઝવેરીઓ  બનાવવાના છે. ઈનપુટ ક્રેડિટ  વગર આવી એકસાઈઝ એક ટકો તથા ઈનપુટ ક્રેડિટ સાથે ૧૨.૫૦ ટકા લાદવામાં આવી છે.
બીજી બાજુ નાણામંત્રી દ્વારા બજેટમાં શેરબજારમાં અપેક્ષિત લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સની જોગવાઈથી દૂર રહેવા તેમજ ઈન્ફ્રા. સહિતના અમુક ચોક્કસ ક્ષેત્રો માટે જંગી ભંડોળની જોગવાઈ તેમજ રાજકોષિય ખાદ્યનો લક્ષ્યાંક જીડીપીના ૩.૫ ટકા રાખવાના અહેવાલો તેમજ આવતીકાલે રિઝર્વ બેંકની ધિરાણ નીતિની બેઠકમાં વ્યાજદરમાં ઘટાડો થવાની પ્રબળ આશાની શેરબજાર પર સાનુકૂળ અસર થવા પામી હતી.
આ અહેવાલો પાછળ મુંબઈ શેરબજાર ખાતે આજે કામકાજનો પ્રારંભ મક્કમ ટોને થયા બાદ ચોમેરથી નીકળેલી નવી લેવાલીએ બજારમાં સુધારાની ચાલ ઝડપથી આગળ વધી હતી. શેરોની જાતેજાતમાં નીકળેલી નવી લેવાલીએ સેન્સેક્સમાં ઈન્ટ્રાડે ૮૧૯ પોઈન્ટનો ઊછાળો નોંધાયા બાદ કામકાજના અંતે તે ૭૭૭.૩૫ પોઈન્ટ ઉછળી ૨૩૭૭૯.૩૫ની સપાટીએ મજબૂત રહ્યો હતો. જે છેલ્લાં સાત વર્ષનો સૌથી મોટો ઉછાળો છે. ભૂતકાળમાં તા. ૧૮ મે ૨૦૦૯ના રોજ સેન્સેક્સમાં સૌથી મોટો ૨૧૧૦.૭૯ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.ઉપરોક્ત સાનુકૂળ અહેવાલો પાછળ એનએસઈ ખાતે પણ નીકળેલી નવી લેવાલી પાછળ નિફ્ટી આંક પણ ઝડપથી ઉંચકાયો હતો અને કામકાજના અંતે ૨૩૫.૨૫ પોઈન્ટ ઉછળીને ૭૨૨૨.૩૦ના મથાળે મજબૂત રહ્યો હતો.
મુંબઈ શેરબજાર ખાતે આજે ચોમેરથી નીકળેલ નવી લેવાલીના પગલે ઉછાળો નોંધાતા રોકાણકારોની સંપત્તિમાં (બીએસઈ માર્કેટ કેપિટલાઈઝેશન)માં એક જ દિવસમાં રૃા. ૨.૫૪ લાખ કરોડનો વધારો થતાં તે રૃા. ૮૮.૩૫ લાખ કરોડ પહોંચ્યું હતું.
દરમિયાન હૂંડિયામણ બજારમાં આજે આયાતકારો તેમજ બેંકો દ્વારા ડોલરમાં મોટાપાયે હાથ ધરાયેલી વેચવાલી સહિતના અન્ય અહેવાલો પાછળ રૃપિયો ઝડપથી ઉંચકાયો હતો અને કામકાજના અંતે તે ૫૭ પૈસા ઊછળીને ૬૭.૮૫ની સપાટીએ મજબૂત રહ્યો હતો.

Leave A Reply