રાઇટર વિના બંને હાથે વિકલાંગ વિદ્યાર્થિની પગથી લખી રહી છે પેપર

1457460868_pag-paper– હાથનું કામ પગને સોંપી દીધું

– જન્મથી બોલી-સાંભળી નહીં શકતી સુવર્ણા માળીએ કોઇ પર નિર્ભર રહેવું નથી!

નવસારી, મંગળવાર
આજના વર્તમાન યુગમાં પણ બોર્ડની પરીક્ષાનો હાઉ વિદ્યાર્થી- વાલીઓમાં જોવા મળે છે. બોર્ડની પરીક્ષા આવતા જ પરીક્ષામાં કેવી રીતે સફળ થવું? તેવી મુંઝવણ સાથે લોકો પરીક્ષાનો હાઉ દૂર કરવા અનેક નુસ્ખાઓ અપનાવતા જોવા મળે છે. આવા વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા આપી રહેલા જન્મજાત વિકલાંગ વિદ્યાર્થીઓનો અતૂટ આત્મવિશ્વાસ પ્રેરણાસ્ત્રોત સમાન છે.
નવસારી છાપરારોડ ઉપર જેટકો કોલોનીમાં રહેતી જન્મથી બંને હાથે વિકલાંગ સેફલ નારણભાઇ જોગાણી નવસારી નગરપાલિકામાં ધો. ૧૦માં અભ્યાસ કરે છે. પોતાનું રોજીંદુ કામ જાતે જ કરે છે. સેફલ બંને હાથે વિકલાંગ હોવા છતાં ધો. ૧૦ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં રાઇટરની મદદ લીધા વગર જ પોતાના પગ વડે પેપર લખી પરીક્ષા આપી રહી છે. સેફલના પિતાનું પાંચ વર્ષ અગાઉ કિડનીની બિમારીમાં અવસાન થયું હતું. તેને બે નાના ભાઇ છે. જે અભ્યાસ કરી રહ્યાં છે. સેફલે બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થઇ અભ્યાસ માટે વડોદરા જઇને સર્વનિર્બર બનવાની તાલીમ લેવાનું જણાવ્યું હતું.
આ ઉપરાંત વિજલપોરમાં મરાઠી શાળામાં અભ્યાસ કરતી સુવર્ણા છગનભાઇ માળી જન્મથી બોલી તેમજ સાંભળી શકતી નથી. તેમના પિતા છગનભાઇ હિરા ઘસે છે, માતા સુરેખાબેન ગૃહઉદ્યોગમાં મજૂરી કરે છે. સુવર્ણાને કોઇના પર નિર્ભર રહેવું નથી.
વિજલપોર વિઠ્ઠલ મંદિર પાસે રહેતા દિલીપ માધવભાઇ બ્રહ્મટીને બંને હાથમાં છ-છ આંગળી તથા પગે વિકલાંગ છે. છતાં રોજીંદી ક્રિયા જાતે જ કરે છે. પિતા કેરોસીનની સરકારી લારી ચલાવી ગુજરાન ચલાવે છે. તેની બહેન પણ વિકલાંગ છે. દિલીપ બોર્ડની પરીક્ષા આપી રેલવે મેનેજર જેવી નોકરી કરવા ઇચ્છે છે. આમ નિર્ભય બની બોર્ડની પરીક્ષા આપતા આવા વિકલાંગ વિદ્યાર્થીઓ ‘મેરૃ તો ડગે પણ જેના મનડા ડગે નહીં’ ભજન પંક્તિઓ સાર્થક કરી રહ્યાં છે.

Leave A Reply