છ લાખ લીટર પાણીની ક્ષમતાનો ટાંકો એકાએક ધડાકાભેર તૂટયો

1457541855_r-9– જામકંડોરણાનાં સાતોદડ તથા ચરેલ ગામ વચ્ચે ફોફળ જૂથ યોજનાનો

– ૧૫ વર્ષ પૂર્વે બનાવાયેલો ટાંકો તૂટવા પાછળનાં કારણ અંગે તપાસ

– સદભાગ્યે કોઈ જાનહાની ન થઈઃ ૧૬ ગામોમાં પાણીનું વિતરણ ઠપઃ એકાદ દિવસમાં વિતરણ પૂર્વવત થઈ જશે

જામકંડોરણા, તા.૯
જામકંડોરણાનાં સાતોદડ અને ચરેલ ગામ વચ્ચે આવેલો, ફોફળ જૂથ પાણી પુરવઠા યોજના હેઠળનો છ લાખ લીટર પાણીની ક્ષમતાનો ટાંકો આજે ધડાકાભેર તૂટતા ચોતરફ પાણીની રેલમછેલ થઈ હતી. ટાંકાનો કાટમાળ ૫૦થી ૧૦૦ ફૂટ દૂર સુધી ફેંકાયો હતો. ટાંકો ખુલ્લી જગ્યામાં આવેલો હોવાથી સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન્હોતી. પરંતુ ૧૬ ગામોને પીવાનું પાણી વિતરણ ઠપ થઈ ગયું હતું. જે એકાદ દિવસમાં પૂર્વવત થવાની શક્યતા છે.

પાણી પુરવઠા બોર્ડ દ્વારા ૨૦ મીટરની ઊંચાઈ ધરાવતો આ ટાંકો ૧૫ વર્ષ પૂર્વે બનાવવામાં આવ્યો હતો. ટાંકો તૂટયો ત્યારે સંપૂર્ણ ભરેલો હતો. ટાંકો તૂટવા પાછળનું કારણ હજુ બહાર આવ્યું નથી. જો કે, આ બનાવને પગલે પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેર મહાજન તથા તા.પં. પ્રમુખ, સદસ્ય દોડી ગયા હતા. ટાંકાનું બાંધકામ નબળુ હતું કે પછી અન્ય કોઈ કારણ તે મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. બનાવ સ્થળેથી ટાંકાના મટિરિયલ્સનાં સેમ્પલ પણ લેવામાં આવશે.

આ ટાંકો તુટતા જામકંડોરણાં તાલુકાના ચિત્રાવડ, ચિત્રાવડ પાટી, ચરેલ, બરડીયા, ગુંદાસરી, થોરાળા, જામદાદર, ચાવંડી, નવા માત્રાવડ, જૂના માત્રાવડ, મોજ ખિજડીયા, સાતોદડ, રાજપરા, કાના વડાળા, દડવી, પીપળીયા એજન્સી સહિતનાં ૧૬ ગામોમાં પાણી વિતરણ ખોરવાઈ ગયું છે. પાણી પુરવઠા બોર્ડના સ્ટાફ દ્વારા પાઈપલાઈન જોડાણની કામગીરી તાકીદે શરૃ કરવામાં આવતા આ ૧૬ ગાયોને એકાદ દિવસમાં પાણી પુરવઠો પૂર્વવત મળવા લાગશે.

Leave A Reply