Thursday, April 9

ઉત્તરાખંડમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવવાના HCના ચૂકાદાને કેન્દ્રએ SCમાં પડકાર્યો

News2_20160422111544220ઉત્તરાખંડમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવવાના હાઈકોર્ટના ચૂકાદાને કેન્દ્ર સરકારે આજે સર્વોચ્ચ કોર્ટમાં પડકાર્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે અથવા સોમવારે સુનાવણી હાથ ધરાશે. કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં બે જજોની બેન્ચ સામે અપીલ દાખલ કરવામાં આવી છે. જજોની બેન્ચે જણાવ્યું કે આ મામલે ચૂકાદો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ આપશે. આ અગાઉ ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને હરિશ રાવતે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ગુરુવારે હાઈકોર્ટે આ નિર્ણયને ફગાવીને ઉત્તરાખંડમાંથી રાષ્ટ્રપતિ શાસન રદ કર્યુ અને 18મી માર્ચ પહેલાની સ્થિતિ જાળવી રાખવા જણાવ્યું હતું.

આ બાજુ ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન હટાવવાના હાઈકોર્ટના ચૂકાદા બાદ મુખ્યમંત્રી હરિશ રાવતે આજે કેબિનેટની બેઠક યોજી હતી આ બેઠકમાં તાબડતોબ 11 જેટલા નિર્ણયો લેવામાં આવ્યાં. બેઠક બાદ હરિશ રાવતે જણાવ્યું કે આ નિર્ણયોને ખુબ ઝડપથી લાગુ થાય તે માટેના નિર્દેશો આપી દેવાયા છે. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યમાં જળસંકટને લઈને મુખ્ય સચિવના નેતૃત્વમાં કમિટિ બનાવવામાં આવી છે. રાષ્ટ્રપતિ શાસન રદ કરવાના ઉત્તરાખંડ હાઈકોર્ટના ચૂકાદાને કેન્દ્ર સરકાર સુપ્રીમમાં પડકારવાની છે તેના ઉપર નિવેદન આપતા તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટમાં ચૂકાદાને પડકારવાનો અધિકાર છે. પરંતુ મને પૂરેપૂરો ભરોસો છે કે સુપ્રીમ કોર્ટમાંથી પણ તેમને આ મામલે કોઈ રાહત મળશે નહીં.

ગુરુવારે નૈનીતાલ હાઈકોર્ટે ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાના કેન્દ્રના નિર્ણયને ફગાવી દીધો હતો. કોર્ટે એમ પણ કહ્યું કે રાજ્યમાં 18 માર્ચ પહેલાની સ્થિતિ જળવાવવી જોઈએ. આથી હરિશ રાવત ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રી બની ગયા છે. 29મી એપ્રિલે તેમણે વિધાનસભામાં શક્તિ પરિક્ષણ કરવાનું રહેશે.

 

Leave A Reply