Tuesday, December 10

ચોમાસું આગળ વધ્યું : દેશના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ

vapi-varsad9– વરસાદની ઘટ ઘટીને ૯ ટકા થઇ

– કર્ણાટકમાં બેનાં મોત

નવી દિલ્હી, તા. ૩
દેશના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાએ પ્રગતિ કરતાં ભારે વરસાદ થયો હતો. ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી થયેલા ભારે વરસાદથી આજે વધુ ૩ મૃતદેહો મળતાં કુલ મૃત્યુઆંક ૪૦ થયો હતો. ભારે વરસાદને પગલે ઉત્તરપ્રદેશની મોટી નદીઓની જળસપાટીમાં વધારો થયો હતો.
મુંબઇમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું હતું. ચોમાસુ દેશના બાકીના હિમાચલ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણા તેમજ દિલ્હી તરફ આગળ વધ્યું હતું. પાટનગર દિલ્હીમાં ખુશનુમા વાતાવરણ હતું. ગરમીનો પારો ૩૨.૪ ડિગ્રી રહ્યો હતો. દિલ્હીમાં આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી હતી.
ઉત્તરપ્રદેશમાં છેલ્લા ૨૩ કલાકમાં ભારે વરસાદ થયો હતો. પાલીકલન અને લખીમપુર ખાતે શારદા નદી ભયજનક સપાટીએ વહી રહી હતી. પંજાબ અને હરિયાણામાં છૂટોછવાયો વરસાદ થતાં ગરમી ઘટી હતી. જિંદમાં ૧૦૦ મી.મી. અને  આંચરેલીમાં ૯૦ મી.મી. વરસાદ થયો હતો. રાજસ્થાનના ઉદયપુરમાં ૪૫ મી.મી. અને ચુરૃમાં ૧૮ મી.મી. વરસાદ થયો હતો. જોકે બાડમેરમાં મહત્તમ તાપમાન ૪૦.૨ ડિગ્રી  નોંધાયું હતું. હિમાચલ પ્રદેશમાં છૂટાછવાયા વરસાદને પગલે તાપમાન ઘટયું હતું. જોકે ભેજનું પ્રમાણ વધતાં ગરમી અને ઉકળાટનો અનુભવ થયો હતો. તેલંગાણામાં ભારે વરસાદને પગલે એક મકાનની દીવાલ તૂટી પડતાં બે બાળકોના મોત થયા હતા.
બિહારમાં મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થયો હતો. પટણામાં ૧૯ મી.મી., ગયામાં ૩૨ અને પુર્ણિયામાં ૩૪ મી.મી. વરસાદ નોંધાયો હતો. મોટા ભાગના વિસ્તારોનું તાપમાન ઘટયું હતું.
ઉત્તરાખંડમાં વાદળ ફાટયા બાદ અવિરત વરસાદ થયો હતો. ડિઝાસ્ટર મેનેજમેન્ટના જવાનોએ ૩ વધુ મૃતદેહ મળી આવ્યા હતા. જોકે આજે કોઇ જાનહાની નોંધાઇ નહોતી. એનડીઆરએફ, એલડીઆરએફ અને પોલીસના જવાનોની ટીમ સતત બચાવકાર્ય કરી રહી છે. દેશભરમાં સારો વરસાદ થવાને પગલે દેશમાં વરસાદની ઘટ ૯ ટકા થઇ હતી.  જૂનની પહેલીથી જુલાઇની બીજી સુધી દેશમાં સરેરાશ ૧૬૪.૯ મી.મી. વરસાદ થયો હતો. હવામાન ખાતાએ જણાવ્યા મુજબ પરિસ્થિતિ સુધરી છે અને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સારો વરસાદ થશે.

Leave A Reply