જીવિત પકડાયેલા આતંકીએ ખોલી પાકિસ્તાનની પોલ, કહ્યું- લશ્કરનો આતંકી છું, લાહોરમાં છે ઘર

News2_20160728114941299હાલમાં જ જમ્મુ અને કાશ્મીરના નૌગામમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં 4 આતંકીઓ માર્યા ગયા હતાં જ્યારે એક આતંકી જીવતો પકડાયો હતો. આ આતંકી કે જેનું નામ સૈફુલ્લા બહાદુર અલી છે, તેણે કબુલ કર્યુ છે કે તે લશ્કરનો આતંકી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) તેને પૂછપરછ માટે દિલ્હી લાવી છે. આતંકીએ આ દરમિયાન અનેક ઘટસ્ફોટ કર્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પૂછપરછમાં બહાદુર અલીએ સ્પષ્ટપણે કહ્યું છે કે તે સરહદ પારથી આવ્યો છે અને લાહોરનો રહીશ છે. તેણે પોતાની ઉંમર 21 વર્ષ જણાવી છે. અલીની હાલ પૂછપરછ ચાલુ છે.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ પણ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર સહિત ભારતના અન્ય ભાગોમાં પણ આતંકી હુમલાઓ પાછળ પાકિસ્તાનનો હાથ છે. પાકિસ્તાનની સંડોવણી સ્પષ્ટ થઈ છે અને તેને સાબિત કરતા પુરાવાઓ પણ મળી ચૂક્યા છે. તેમણે એમ પણ કહ્યું કે હવે તો પકડાયેલા આતંકીઓ પોતે જ કહે છે કે તેમને ISIએ મોકલ્યા હતાં.

અત્યાર સુધી શું પૂછપરછ થઈ છે આતંકી અલીને?

આતંકીને તેના રહેઠાણ વિશે પૂછપરછ કરાતા તેણે કહ્યું કે તે પાકિસ્તાનના લાહોર જિલ્લામાં જિયા બગ્ગા ગામનો રહીશ છે. તેણે મુઝફ્ફરાબાદ ટ્રેનિંગ કેમ્પમાંથી ટ્રેનિંગ લીધી છે. પરફેક્ટ જગ્યા તેને યાદ નથી પરંતુ 21 દિવસની ખાસ ટ્રેનિંગ લીધી હતી. અત્રે જણાવવાનું કે આ આતંકીને સુરક્ષા દળોએ સોમવારે ઝડપ્યો હતો. તેની પાસેથી 23000 રૂપિયાની ભારતીય ચલણી નોટો, ત્રણ AK-47 રાઈફલ અને બે પિસ્તોલ મળી આવી હતી. ગત બે મહિનામાં અલી સહિત બે પાકિસ્તાની આતંકીઓ જીવતા પકડાયા છે.

આતંકીએ કર્યા ચોંકાવનારા ખુલાસા

પકડાયેલા આ આતંકીએ સુરક્ષા એજન્સીઓને અનેક મહત્વની જાણકારીઓ આપી હોવાનું કહેવાય છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ તેણે આતંકીઓના માસ્ટરપ્લાનનો પણ ખુલાસો કર્યો છે. પાકિસ્તાની આતંકીએ જણાવ્યું કે પાકિસ્તાનના મુઝફ્ફરાબાદમાં મોટી સંખ્યામાં આતંકીઓને તૈયાર કરવામાં આવી રહ્યાં છે.

સુરક્ષા એજન્સીઓને કાશ્મીર ઘાટીમાં આતંકીઓના સરનામાઓ અંગે પણ માહિતી મળી છે. એવું કહેવાઈ રહ્યું છે કે જીવતો પકડાયેલો આ આતંકી અલી અને અથડામણમાં માર્યા ગયેલા ચાર આતંકીઓ આત્મઘાતી હુમલો કરવાની તૈયારીમાં હતાં. આ ઉપરાંત તેમને બુરહાન જેવા પોસ્ટર બોય તૈયાર કરવાની પણ જવાબદારીઓ સોંપાઈ હતી.

Leave A Reply