કાશ્મીરમાંથી કર્ફ્યૂ સંપૂર્ણ રીતે દૂર, પરંતુ પથ્થરબાજી ચાલુ

url– પોલીસ અને જૂથ વચ્ચે અથડામણમાં એક પ્રદર્શનકારીનુ મોત

– જાહેર પરિવહન હાલમાં પણ અટકાવામાં આવ્યુ છે

શ્રીનગર, તા. 31 ઓગષ્ટ 2016

લગભગ બે મહિના પછી કાશ્મીરને કર્ફ્યૂ માંથી સંપૂર્ણ રીતે મુક્તિ મળી છે. જો કે, ખીણ પ્રદેશમાં કર્ફ્યૂ બે દિવસ પહેલા જ હટાવી લેવામાં આવ્યુ હતુ. પરંતુ અમુક વિસ્તારોમાં હિંસાની ઘટનાને કારણે કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યુ હતુ.

હિજબુલ મુજાહિદ્દીનના આતંકી બુરહાન વાનીની મોતથી ખીણમાં સ્થિતિ ખૂબ ગંભીર થઈ ગઈ હતી અને ત્યારબાદ અહીં સતત કર્ફ્યૂ લગાવેલુ જ હતુ. બેશક અહીંથી કર્ફ્યૂ તો હટાવી લેવામાં આવ્યુ છે પરંતુ કલમ 144 હાલમાં પણ અમલમાં છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે, ‘સમગ્ર ખીણ માંથી કર્ફ્યૂ હટાવી લેવામાં આવ્યો છે. પરંતુ કલમ 144 હેઠળ 5 કે તેથી વધુ લોકો એક જગ્યાએ ભેગા થવા પર પ્રતિબંધ છે.’

બારામૂલાના લડૂરા વિસ્તારમાં સુરક્ષાદળ અને પ્રદર્શનકારીઓની વચ્ચે અથડામણમાં એક પ્રદર્શનકારીનુ મોત અને પાંચ ઘાયલ થઈ ગયા હતા.

જુના શહેરોમાં નૌહાટા સહિત અમુક વિસ્તારોમાં પથ્થર ફેંકીને અને હિંસાના અથડામણની ઘટના બની હતી, જ્યારે અહીં કર્ફ્યૂ નથી. પથ્થરબાજીની ઘટના પછી અહીંની પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે સુરક્ષાદળોને તૈનાત કરવામાં આવ્યા છે. ઉત્તરી કાશ્મીરમાં સોપોર અને તેંગપુરામાં પણ ઘણા વિસ્તારોમાં અથડામણ થઈ હતી.

કર્ફ્યૂ હટાવ્યા પછી રસ્તાઓ પર ખાનગી ગાડીઓ તો જોવા મળી પરંતુ જાહેર પરિવહન હાલમાં પણ અટકાવામાં આવ્યુ છે. ખીણમાં 9 જુલાઈથી શરૂ થયેલી હિંસામાં 70થી વધુ લોકોના મોત તથા 11 હજાર લોકો ઘાયલ થયા હતા.

Leave A Reply