Sunday, March 24

યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવીને મોદીએ માસ્ટર સ્ટ્રોક માર્યો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

નવી દિલ્હી, તા. ૨૦

ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી પદે યોગી આદિત્યનાથ ઉપર કળશ ઢોળીને વડાપ્રધાન મોદીએ એક કાંકરે અનેક પક્ષી માર્યા છે. યોગી આદિત્યનાથ કટ્ટર જમણેરી હિન્દુવાદી નેતા ગણાય છે. દેશનાં સૌથી મોટા રાજય યુપીનાં મુખ્યમંત્રીપદે આદિત્યનાથની વરણી મોદી સરકારનાં એજન્ડાનો સ્પષ્ટ સંકેત આપે છે. કોઈપણ સંજાગોમાં ભાજપ અને નરેન્દ્ર મોદી તેમની હિન્દુત્વવાદી વિચારધારાને જ કેન્દ્ર સ્થાને રાખવા માંગે છે. હિન્દુ રાષ્ટ્રવાદ, અયોધ્યામાં રામમંદિર એ ભાજપનો મુખ્ય એજન્ડા રહેશે અને મતોનું ધ્રુવીકરણ થતાં ર૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીનું હોમવર્ક અત્યારથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે તેવું રાજકીય પંડીતોનું માનવું છે.

ઉત્તર પ્રદેશમાં ભાજપે યોગી આદિત્યનાથને મુખ્ય પ્રધાન બનાવવાનો નિર્ણય એકાએક નથી લીધો. આ એક સુનિયોજીત રાજનૈતિક રણનીતિ છે. યોગી આદિત્યનાથની છબી હિન્દુ કટ્ટરપંથ સાથે જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે, હિન્દુત્વવાદી રાષ્ટ્રીયતાના એજન્ડાને ધ્યાનમાં રાખીને જ યોગી આદિત્યનાથને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર પોતાના કાર્યકાળનો અડધો સમય પૂર્ણ કરી ચૂકી છે. હવે પાર્ટી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની તૈયારીને પણ ધ્યાનમાં રાખીને આગળ વધી રહી છે અને આ દ્રષ્ટિએ જ યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશના નેતૃત્વની જવાબદારી સોંપવામાં આવી છે. એમ લાગી રહ્યુ છે કે યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનાવીને ભાજપે માસ્ટરસ્ટ્રોક માર્યો છે.

ગોરખપુરથી પાંચ વખત સંસદસભ્ય તરીકે ચૂંટાયેલા યોગી આદિત્યનાથને મતોનાં ધ્રુવીકરણમાં પારંગત માનવામાં આવે છે. રાજનૈતિક વિચારધારાની દ્રષ્ટિએ જોઈએ તો યોગી આદિત્યનાથ હિન્દુ કટ્ટરપંથી છે. ભારતના સૌથી મોટા રાજ્યની સરકારની કમાન યોગી આદિત્યનાથને સોંપીને નરેન્દ્ર મોદી અને અમિત શાહે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ રાજનીતિને પરંપરાગત અને સામાન્ય રીતે નથી અજમાવતા. સર્જિકલ સ્ટ્રાઈક અને ડીમોનેટાઈઝેશન પછી જો નરેન્દ્ર મોદી સરકારના આ નિર્ણય વિશે વિચારવામાં આવે તો આ કેન્દ્ર સરકારનો ત્રીજો સૌથી મોટો દાવ છે. યોગી આદિત્યનાથ રામજન્મભૂમિ સાથે જોડાયેલા સૌથી મોટા નેતાઓ પૈકીનાં એક છે. સંકેતોને જોઈએ તો એ માનવું પડશે કે યોગી આદિત્યનાથને મુખ્ય પ્રધાન બનાવવા એ ભાજપની રણનીતિનો એક હિસ્સો છે જે હેઠળ પાર્ટી હિન્દુત્વની આસપાસ ગુંથેલી લોકપ્રિય રાષ્ટ્રવાદની વિચારધારાને કેન્દ્રમાં રાખી આગળ વધવા ઈચ્છે છે. રાજનૈતિક વિશેષજ્ઞોનું માનવું છે કે, યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશની કમાન સોંપીને ભાજપ આગામી લોકસભાની ચૂંટણી પહેલા હિન્દુ મતોનું ધ્રુવીકરણ કરવાની તક શોધી રહી છે. હિન્દુત્વવાદી વિચારધારા ભાજપની સફળ ચૂંટણી રણનીતિનો હિસ્સો રહી છે. આ બાબત એટલી હદ સુધી કે ભાજપના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી ઉપર પણ ઉત્તર પ્રદેશની ચૂંટણી દરમ્યાન મતોનું ધ્રુવીકરણ કરવાની કોશિષ કરવાનો ગંભીર આરોપ મુકવામાં આવ્યો હતો. ‘સ્મશાન વિરૂદ્ધ કબ્રસ્તાન’ અથવા ‘ઈદમાં વીજળી મળે છે તો દિવાળી ઉપર પણ વીજળી મળવી જોઈએ’ જેવા નિવેદનો દ્વારા નરેન્દ્ર મોદી જનતાના મનમાં એવું બેસાડવાની કોશિષ કરતા જણાયા હતા કે સમાજવાદી પાર્ટીની રાજ્ય સરકાર ધાર્મિક અને કોમવાદના આધારે જનતા વચ્ચે ભેદભાવ કરે છે.

ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ પાર્ટીના હાઈકમાન્ડને અંદાજ છે કે યોગી આદિત્યનાથને મુખ્ય પ્રધાન બનાવ્યા બાદ તેની ટીકા થશે. જો કે પાર્ટીના હાઈકમાન્ડને વિશ્વાસ છે કે યોગી આદિત્યનાથ રાજ્યમાં કાયદા અને વ્યવસ્થામાં સુધારો કરશે તેથી તેમના આલોચકો શાંત પડી જશે. એવું માનવામાં આવે છે કે યોગી આદિત્યનાથ સનદી અધિકારીઓ ઉપર દબાણ લાવશે જેથી પ્રશાસન સારી રીતે કામ કરે. આખરે ૨૦૧૯ની ચૂંટણીઓને માત્ર અઢી વર્ષ બાકી રહ્યા છે. ૨૦૧૪ની જેમ ફરી એક વાર ભાજપ એના જ્વલંત વિજયના ઈતિહાસનું પુનરાવર્તન કરવાની ઈચ્છા રાખશે તેથી આગામી અઢી વર્ષ ભાજપ માટે ઘણા મહત્વનાં છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

8 + 2 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud