Thursday, April 9

ગાંધીનગરમાં કિન્નરોનું મહાસંમેલન સંપન્ન શોભાયાત્રા યોજાઈ

પાટનગર ગાંધીનગરમાં કિન્નરોના મહાસંમેલનું સમાપન થતાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. અખિલ ભારતીય કિન્નર સમુદાય દ્વારા આયોજિત આ સંમેલનમાં દેશભરમાંથી ત્રણ હજારથી પણ વધુ કિન્નરોએ હાજરી આપી હતી. સંમેલનનો મુખ્ય હેતુ દિવગંત માસીઓના આત્માઓની યાદમાં ભંડારાનું આયોજન, ગાંધીનગરસ્થિત પંચદેવ મંદિરને છત્તર અર્પણ અને પોતાને સાચા સાબિત કરવાની તક પૂરી પાડવાનો હતો. ગાંધીનગરના ઇતિહાસમાં આ પ્રકારના કિન્નરોના મહાસંમેલનનું સૌપ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરના ફતેપુરા ગામથી વિશાળ સંખ્યામાં કિન્નરો શોભાયાત્રા સાથે પંચદેવ મંદિરે પહોંચ્યા હતા અને કળશ પુજા કરી માતાજીને છત્તર અર્પણ કરવામાં આવ્યું હતું.
મહાસંમેલનના આયોજકો પૈકીના રૂબી માસીએ જણાવ્યુ કે, તેમના અખાડાના દિવંગત માસીઓની યાદમાં આ સંમેલન ( ભંડારો) નું આયોજન કરવામાં આવ્યુ હતું. દરેક કિન્નર અખાડાની ઇચ્છા હોય છેકે,જીવનમાં આ પ્રકારનો એક વખત ભંડારો કરવામાં આવે. ભંડારો ૨૯ માર્ચ સુધી ચાલશે. આ દરમ્યાન દિવંગત માસીઓને યાદ કરીને તેમના નામનો ભંડારો કરવામાં આવશે. દરરોજ એક દિવંગત માસીની યાદમાં ભંડારો કરાશે.આ ભંડારામાં માત્ર કિન્નરો જ ભાગ લઇ શકશે.
સામાન્ય જન માટે આ દિવસો દરમિયાન પટાંગણમાં પ્રવેશ ઉપર મનાઇ ફરમાવવામાં આવી છે. પંચદેવ મંદિરે જવા માટે બેન્ડબાજા સાથે નિકળેલી કિન્નરોની આ શોભાયાત્રાને નિહાળવા માટે ભારે ભીડ જામી હતી. ગાંધીનગરની પ્રજા સુખમય રહે તેવા આશિર્વાદ પણ કિન્નર સમુદાય દ્વારા પાઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભંડારા દરમ્યાન કિન્નરોનું પંચ મળશે. જેમાં આગેવાનો કિન્નરો સમક્ષ પ્રશ્નો રજુ કરવામાં આવશે. કિન્નરોના જુદા જુદા જુથ વચ્ચે થયેલા ઝઘડાના નિકાલ પણ પંચ દ્વારા લાવવામાં આવશે. જવાબદાર કિન્નરોને દંડ ફટકારવામાં આવશે. રૂબી માસીના શબ્દોમાં જ કહીએ તો પંચ સમક્ષ તમામ કિન્નરો પોતાના ખરા ખોટાનો હિસાબ રજુ કરી શુધ્ધ થઇ બહાર નિકળશે.

Leave A Reply