અચ્છે દીન તા. ૧ એપ્રિલથી દેશભરમાં તમામ હાઈવે ઉપર ટોલ ટેક્ષમાં વધારો ઝીંકાશે

પહેલેથી જ મોંઘવારીનો માર સહન કરી રહેલી પ્રજા ઉપર હવે ટોલટેકસમાં વધારા સ્વરૂપે વધુ એક ડામ આપવાની તૈયારી થઈ રહી છે.  જા કે આ ટોલટેકસમાં વધારો ઝીંકવાનાં નિર્ણયનો દેશભરમાં ભારે વિરોધ થઈ રહયો છે.
તા.૧ એપ્રિલથી દેશભરમાં નેશનલ હાઇવે ઉપર મુસાફરી કરવાનુ મોંઘુ બની જશે. વાહન ચાલકોએ હાઇવે ઉપર લાગેલા ટોલ ઉપર ર થી ૩ ટકા સુધીનો ટોલ ટેક્ષ વધુ ચુકવવો પડશે. આ અંગે નેશનલ હાઇવે ઓથોરીટીએ તમામ ટોલ પ્લાઝાને આદેશો જારી કરી દીધા છે. રેટ વધ્યા બાદ કોમર્શીયલથી લઇને સામાન્ય વાહન ચાલકોએ રૂ. પ થી ૧૦ વધારાનો ટોલ ટેક્ષ ચુકવવો પડશે. નેશનલ હાઇવે ઓથોરીટી હેઠળ દેશભરમાં લગભગ ૩૮૬ હાઇવે છે. તેના ઉપર લાગેલા ટોલ પ્લાઝા ઉપર વાહનો પાસેથી અલગ-અલગ શ્રેણીના હિસાબથી ટોલ ટેક્ષ વસુલવામાં આવે છે.  હાઇવે ઓથોરીટી તરફથી દર વર્ષે એપ્રિલ મહિનાની શરૂઆતમાં ટોલ પ્લાઝાના રેટ લીસ્ટમાં ફેરફારો કરાતા હોય છે. આ વખતે પણ ઓથોરીટી ટોલ પ્લાઝા ઉપર ર થી ૩ ટકા સુધીનો વધારો કરવાનુ નક્કી કર્યુ છે. જો કે અમુક સ્થળે તેનાથી વધુ કે ઓછો પણ વધારો થઇ શકે છે. રૂટીનની સાથે-સાથે આ વધારો માસિક પાસમાં લાગુ થશે. ર થી ૩ ટકા વધારા બાદ વાહન માલિકોએ પ થી ૧૦ રૂ. સુધીનો વધુ ટોલ ચુકવવો પડશે. કેટલાક ટોલ પ્લાઝા ઉપર નવા રેટ લીસ્ટ મુકી દેવાયા છે. જયારે કેટલાક હાઈવે ઉપર તા.૩૧ માર્ચ પહેલા રેટલીસ્ટ મોકલી દેવાશે. જો કે તા.૧ એપ્રિલથી ટોલ વધવાની માહિતી આપી દેવાઇ છે. તા.૩૧ માર્ચની મધરાતથી નવા રેટ લાગુ પડી જશે. ખાસ વાત એ છે કે કોમર્શીયલ વાહનોની સાથે-સાથે સામાન્ય વાહન ઉપર પણ તેની અસર પડશે. હાઇવે ઓથોરીટીએ ગયા વર્ષે પણ ટોલમાં વધારો કર્યો હતો.

Leave A Reply