Saturday, December 14

શંકરસિંહ વાઘેલાને દિલ્હી હાઈકમાન્ડનું તાકિદનું તેડું કોંગ્રેસ ચૂંટણી સમિતિનાં ચેરમેન બનાવાય તેવી વકી

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે અંતિમ દિવસ હોવા છતા હાઈકમાન્ડનું તેડુ આવતા શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકી દિલ્હી પહોંચ્યા છે.  તેમજ દિલ્હી કોંગ્રેસ હાઈકમાન્ડે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રભારી ગુરૂદાસ કામતને પણ તેડુ મોકલાતા તેઓ મુંબઈથી તાત્કાલિક દિલ્હી પહોંચ્યા છે. દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે સુત્રોના દાવા મુજબ, ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ આંતરીક વિરોધને ડામવા માટે મોટા નિર્ણય લઈ શકે છે. આ બેઠક બાદ આગામી દિવસોમાં આ નિર્ણયોની જાહેરાત થઈ શકે છે. સુત્રોનો દાવો છે કે શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ તરફથી વિધાનસભાની ચુંટણી સમિતિના ચેરમેન બનાવવાની જાહેરાત થઈ શકે છે. ઉપરાંત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાનુ પદ કોઈ પાટીદાર ધારાસભ્યને પણ સોંપવામાં આવી શકે છે. જે પદ માટે અત્યારે પરેશ ધાનાણી અને રાઘવજી પટેલના નામ સૌથી આગળ ચાલી રહ્યા છે. સુત્રોનો દાવો છે કે પાર્ટીમાં ચાલી રહેલ આંતરીક વિખવાદને ડામવા માટે આ પગલા લેવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડ ઈચ્છે છે કે આગામી વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના નેતાઓ આંતરીક વિખવાદ ભુલી જઈ એક થઈને પાર્ટીને જીતાડવાના કામમાં લાગી જાય. રાજ્યમાં વિધાનસભાની ચુંટણીની તૈયારી અંગે પણ દિલ્હીમાં યોજાનાર આ બેઠકમાં ચર્ચા થવાની શક્યતા છે. ઉપરાંત ઉમેદવારી પસંદગી માટેના ભાવી આયોજન અંગે પણ ચર્ચા થઈ શકે છે.

Leave A Reply