શ્રીનગર એરપોર્ટ ખાતે બે હેન્ડગ્રેનેડ સાથે સૈન્યનો જવાન ઝડપાતા ખળભળાટ

જમ્મુ-કાશ્મીર સાથેની સરહદ ઉપર પાકિસ્તાન રેંજર્સે ફરી એકવાર  પોતાની નાપાક હરકત દર્શાવીને  યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે. નાપાક સૈન્યએ બીએસએફ ચોકીઓને નિશાન બનાવી ફાયરીંગ કર્યુ હતું. જેનો બીએસએફે પણ વળતો જવાબ આપ્યો હતો. બીજીબાજુ શ્રીનગર એરપોર્ટ ઉપર સેનાના એક જવાનની ધરપકડ કરવામાં આવી છે. જેની પાસેથી બે ગ્રેનેડ મળી આવ્યા છે. આ જવાનની ઓળખ  ગોપાલ મુખીયા તરીકે કરવામાં આવી છે અને તે ૧૭ જે એન્ડ કે રાઈફલ્સનો જવાન છે. તેને  આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ઉરી સેક્ટરમાં તૈનાત કરવામાં આવ્યો હતો.   આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, આ જવાન દિલ્હીની ફ્લાઈટમાં બેસવા જઈ રહ્યો હતો ત્યારે તેના બેગની ચેકિંગ દરમ્યાન બે ગ્રેનેડ મળી આવ્યા છે. જેના કારણે જવાનની ધરપકડ કરીને તેની પૂછપરછ કરાઈ રહી છે. જવાનનું કહેવુ છે કે, તેના ઉપરી અધિકારીએ જ આ ગ્રેનેડ આપ્યા હતા. જાકે, પોલીસને તેના આ નિવેદન ઉપર વિશ્વાસ નથી. આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે.   પોલીસને આશંકા છે કે આ બાબત કોઈ મોટા ષડયંત્રનો એક ભાગ હોઈ શકે છે. આ જવાન એક સ્પેશિયલ ચાર્ટર પ્લેનથી દિલ્હી આવવાનો હતો.  આ વિમાનમાં સૈન્યનાં અન્ય જવાનો પણ દિલ્હી આવી રહ્યા હતા, જેથી ગ્રેનેડ સાથે જવાનને પકડાવાની ઘટનાને એક મોટી દુર્ઘટના ટાળવા તરીકે જાવામાં આવી રહી છે.

Leave A Reply