Saturday, September 21

વડાપ્રધાન મોદીએ ઓબીસી સાંસદો સાથે એક મહત્વની બેઠક કરી

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓબીસી વર્ગમાંથી આવતા ભાજપના સાંસદો સાથે એક મહત્વની બેઠક કરી છે. આ બેઠકમાં ઓબીસી વર્ગોમાં ભાજપની પહોંચ વધારવા મામલે ચર્ચા થઈ છે. તેની સાથે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસિસ માટેના ખરડા બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે.
આ પંચને ઓબીસી વર્ગોના કલ્યાણના આશયથી સરકાર દ્વારા તેને બંધારણીય દરજ્જો આપવા માટે ખરડો લાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ખરડો લોકસભામાં મંજૂર થઈ ચુકયો છે. પરંતુ રાજ્યસભામાં વિપક્ષના વિરોધને કારણે તેને સિલેક્ટ કમિટી સમક્ષ મોકલી દેવામાં આવ્યો છે.
મહત્વપૂર્ણ છે કે રાજ્યસભામાં નેશલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસિસ માટેના ખરડાને વિપક્ષના ભારે દબાણને કારણે સિલેક્ટ કમિટીને મોકલવામાં આવ્યું છે. સોમવારે લોકસભામાં નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસિસને બંધારણીય દરજ્જો આપતું બિલ મંજૂર કરાયું હતું. પરંતુ મંગળવારે રાજ્યસભામાં વિપક્ષી દળોએ આ ખરડાને ચર્ચા માટે ગૃહમાં આવવા દીધું ન હતું.
સરકારે આ ખરડાને ઓબીસી વર્ગોના હિતમાં પારીત કરવા માટે વિનંતી કરી હોવા છતાં વિપક્ષે તેને સિલેક્ટ કમિટીને મોકલવાની માગણી કરી હતી. ત્યાર બાદ કેન્દ્રીય સામાજિક ન્યાય અને કલ્યાણ પ્રધાન થાવરચંદ ગેહલોતે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસિસ બિલને સિલેક્ટ કમિટી સમક્ષ મોકલવાનું મોશન મૂવ કર્યું અને તેને રાજ્યસભાએ મંજૂરી પણ આપી હતી.

Leave A Reply