કોબરા બટાલિયને ૨૦ નક્સલીઓને ઠાર કર્યા

છત્તીસગઢના બીજાપુર જીલ્લામાં રવિવારથી નક્સલીઓ સામે મોટાપાયે સર્ચ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. સીઆરપીએફની કોબરા બટાલિયન દ્વારા હાથ ધરવામાં આવેલ આ સર્ચ અભિયાનમાં ૨૦ નક્સલીઓને ઠાર કરાયા હોવાનો દાવો સુરક્ષા એજન્સીઓએ કર્યો છે. કોબરા બટાલિયને ૧૩ અને ૧૪ મેની રાત્રે સુકમા અને બીજાપુરમાં આ ઓપરેશન ચલાવ્યુ હતું. સીઆરપીએફના આઈજી વિવેકાનંદસિન્હાએ જણાવ્યુ હતું કે, બીજાપુર જીલ્લાના બાસગુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાયગુંડમના જંગલોમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં સુરક્ષાદળોએ ૨૦ નક્સલીઓને ઠાર કર્યા છે. જ્યારે સુરક્ષાદળનો એક જવાન શહિદ થયો છે અને બે જવાન ઘાયલ થયા છે.
આ સંબંધિત એક વીડિયો પણ જાહેર કરાયો છે જેમાં ઓપરેશનની એક પ્રક્રિયા દર્શાવવામાં આવી છે. વીડિયોમાં કોબરા બટાલિયનના જવાનો જંગલોમાં પોઝિશન લઈને ફાયરીંગ કરતા નજરે પડી રહ્યા છે. આઈજીએ જણાવ્યુ હતું કે, ઓપરેશનમાં ઘાયલ જવાનોને હેલિકોપ્ટરની મદદથી રાયપુર ખસેડાયા છે જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. જ્યારે શહિદ જવાનના મૃતદેહને પુરા સન્માન સાથે તેના માદરે વતન મોકલી અપાયો છે. બીજાપુરના પોલીસ અધિક્ષક કેએલ ધ્રુવે જણાવ્યુ હતું કે, સીઆરપીએફ અને જીલ્લા પોલીસના જવાનોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ હતું. ૩ દિવસના ઓપરેશન દરમિયાન ૨૦ નક્સલીઓને ઠાર કરાયા છે.  આ વિસ્તારમાં ૧૫૦થી વધુ નક્સલી સક્રિય હોવાનુ મનાઈ રહ્યુ છે.

Leave A Reply