Saturday, April 4

સુત્રાપાડાના ટીમડીમાં શિકાર માટે દિપડાએ છલાંગ લગાવતા વીજ ટ્રાન્સફોર્મરમાં ચોંટી ગયો !

સુત્રાપાડાના ટિમડી ગામે મોરનો શીકાર કરવા હવામાં છલાંગ લગાવતા દીપડો વીજ ટ્રાન્સફોર્મરમાં ચોટી જતા ઇલેકટ્રીક શોર્ટના કારણે મોતને ભેટયો હતો. આ ઘટનાની જાણ વનવિભાગને કરાતા દિપાડાના મૃતદેહને નીચે ઉતારી તપાસ હાથ ઘરાયેલ છે.
ક્યારેક શિકારની પાછળ આંધળી દોડ લગાવતા શિકારી ખુદ શિકાર થઈ જાય છે. આવો જ એક કીસ્સો ગીર-સોમનાથના સુત્રાપાડા તાલુકાના ટીમડી ગામે બન્યો છે. જેમાં ગત મોડીરાત્રે ટિમડી ગામની નજીક આવેલા વાડી વિસ્તારમાં ખુંખાર દીપડો ટ્રાન્સફોર્મર પર રાત વિતાવી રહેલા મોરનો શિકાર કરવા દોડી દસ ફૂટ ઊંચી છલાંગ લગાવી હતી. દીપડાની છલાંગ જોય મોર તો ઉડી ગયો પરંતુ દીપડો ટ્રાન્સફોર્મરમાં ફસાતા જોરદાર અવાજ થયો હતો અને દીપડાનું ઘડીભરમાં જ રામ રમી ગયેલ હોવાનું સુત્રાપાડાના આરએફઓ એ.ડી. ખુમારે જણાવેલ છે.
દીપડો ટ્રાન્સફોર્મરના વીજ કરન્ટથી મોત થયાની જાણ વન વિભાગ અને પીજીવીસીએલને થતા બંને વિભાગના અધિકારીઓ વહેલી સવારે ઘટના સ્થળે પહોંચ્યા હતા. વન વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા દીપડાના મૃતદેહને ટ્રાંસફોર્મર પરથી ઉતારી પીએમમાં ખસેડાયો હતો.
અત્રે નોંઘનીય છે કે, થોડા દિવસ અગાઉ પણ ઉનાના ગ્રામ્ય પંથકમાં આવી જ ઘટના પ્રકાશમાં આવી હતી અને ભૂતકાળમાં અનેક વખત આવા કિસા સામે આવ્યા છે કે શિકારની પાછળ લગાવેલી દોટ દીપડાઓની અંતિમ દોટ બની ગઇ છે.

Leave A Reply