માતાજીનાં મંદિરોમાં થશે શકિતની આરાધનાં

જગત જનની માં અંબાનાં નવલા નવરાત્રીનાં આવતીકાલે પ્રારંભ સાથે જ જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં નવરાત્રી ઉત્સવ ઉજવવા ભારે થનગનાટ જાવા મળી રહ્યો છે. તો બીજી તરફ જૂનાગઢ શહેરમાં આવેલા માતાજીનાં મંદિરોમાં પણ દર્શનાર્થે માતાજીનાં ભકતો અને ભાવિકો ઉમટી પડશે.જેમાં જૂનાગઢ શહેરનાં કૃષિ યુનિ. ખાતે આવેલ આઈશ્રી ખોડીયાર માતાજીનાં મંદિર તેમજ ખામધ્રોળ વિસ્તારમાં અને ઉપરકોટ ખાતે આવેલા આઈશ્રી ખોડીયાર માતાજીનાં મંદિરે પણ સવારથી જ પુજન અર્ચન સહીતનાં કાર્યક્રમો યોજાયા છે. આ ઉપરાંત ગિરનાર દરવાજા વિસ્તારમાં આવેલ ચામુંડા માતાજીનાં મંદિર, મહાકાળી માતાજીનાં મંદિર સહીતનાં માતાજીનાં મંદિરોમાં પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જયારે ગિરનારની ટોચ ઉપર બિરાજતા જગત જનની માં અંબાનાં મંદિરે પણ વહેલી સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત સુપ્રસિદ્ધ વાઘેશ્વરી માતાજીનાં મંદિરે પણ આજે ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડયા હતાં. ઉપરાંત ઉપલા વાઘેશ્વરી માતાજી મંદિર, ગાયત્રી મંદિર અને દાણાપીઠ વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી માતાજીનાં મંદિરે પણ દર્શનાર્થીઓ ઉમટી પડયા હતાં. આવતીકાલે નવરાત્રીનાં પ્રારંભ સાથે આપણે સૌ જગત જનની માં જગદંબાને સમગ્ર વિશ્વના કલ્યાણ માટેની આપણે સૌ પ્રાર્થના કરીએ. અને શ્રધ્ધા અને ભકિત સાથે નવરાત્રી પર્વની ઉજવણી કરીએ.

Leave A Reply