Thursday, May 28

ગુજરાત સરકારે સિંહના સંવર્ધન માટે રૂ.૩૫૧ કરોડ અને કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૧૦૦ કરોડ પેકેજ મંજૂર કરાયું – વનમંત્રી ગણપતભાઇ વસાવા

રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદે કચ્છમાં સફેદ રણની મુલાકાત લઇ કચ્છની ભાતીગળ સંસ્કૃતિ અને ગીરમાં સિંહ નિહાળી ગીરની સંસ્કૃતિથી માહિતગાર થયા છે તેમ વન અને પ્રવાસન મંત્રીશ્રી ગણપતભાઇ વસાવાએ સાસણ ખાતે જણાવ્યું હતુ. મંત્રીશ્રીએ ગુજરાતની મુલાકાત બદલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી વતી રાષ્ટ્રપતિશ્રીનો આભાર માન્યો હતો.
ગીરમાં સિંહની વસ્તી ૫૨૩ નોંધાયેલી છે અને ત્યાર પછી પણ સિંહની વસ્તી વધી રહી છે અને ગુજરાતની શાન સમા સિંહને નિહાળવા એક લ્હાવો છે. રાષ્ટ્રપતિશ્રીએ સિંહ અને હરણ સહિતના વન્ય પ્રાણીઓને જંગલમાં મુક્ત રીતે નિહાળ્યા હતા. મુલાકાત દરમ્યાન તેઓએ સિંહોને તંદુરસ્ત સ્થિતિમાં જોયા છે અને સ્થાનિક લોકો સાથે સિંહોનો સહઅસ્તિત્વ અને સિંહ સંરક્ષણનું મેનેજમેન્ટ અંગે માહિતી મેળવી હતી તેમ પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતુ. ગીરમાં પીવાના પાણી માટે પવન ચક્કીનો ઉપયોગ, વનસ્પતિ અને વન્યજીવની દેખભાળ કઇ રીતે થાય છે તે અંગેની વિગતોમાં ઉંડો રસ દાખવ્યો હતો. રાષ્ટ્રપતિશ્રીએ સીદી સમુદાય અને માલધારીઓ દ્વારા ગીરની સંસ્કૃતિ રજુ કરતી કૃતિઓ દુહા-છંદ અને ધમાલ નૃત્ય નિહાળી આ સમુદાયના લોકો સાથે સંવાદ કર્યો હતો. રાષ્ટ્રપતિશ્રીએ સીદી અને માલધારીઓના બાળકોને શિક્ષણ આપવા અને વાલી તરીકે પણ આ અંગે જાગૃત રહેવા જણાવ્યુ હતુ.
મંત્રીશ્રીએ વધુમા જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે રૂ.૩૫૧ કરોડનું પેકેજ મંજુર કરવામાં આવ્યુ છે અને ભારત સરકાર દ્વારા પણ સિંહોના સંરક્ષણને લગતી વિવિધ કામગીરી માટે રૂ.૧૦૦ કરોડનું ફંડ મંજુર કરવામાં આવેલ છે.
સાસણ ખાતે મંત્રીશ્રી સાથે મહામંડલેશ્વરશ્રી ભારતીબાપુ, શ્રી શેરનાથબાપુ, જુનાગઢ મેયર શ્રીમતિ આદ્યશક્તિબહેન મજમુદાર, જિલ્લાના આગેવાન શ્રી પ્રદીપભાઇ ખીમાણી, શ્રી શૈલેષભાઇ દવે, કલેક્ટર ડા.સૌરભ પારઘી સહિત ઉપસ્થિત રહ્યા હતા.

Leave A Reply