ગિરનાર પર્વતના ૫૦૦૦ પગથિયે બિરાજમાન મા અંબાના પ્રાગટ્યોત્સવની કરાઇ ઉજવણી

ગિરનાર પર્વતના ૫૦૦૦ પગથિયે બિરાજમાન માં અંબાના પ્રાગટ્યોત્સવની પોષ સુદ પૂનમના રોજ ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ તકે વિદ્વાન ભૂદેવોએ શાસ્ત્રોકત વિધી વિધાન પૂર્વક પુજન, અર્ચન કર્યું હતું તેમજ ધ્વજારોહણ કરાયું હતું બાદમાં તમામ માઇ ભકતોએ ભોજન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. પોષ સુદ પૂનમ એટલે જગત જનની માં અંબાનો પ્રાગટ્યોત્સવ. સમગ્ર દેશમાં માં અંબાની ૫૨ પીઠ આવેલી છે. આ ૫૨ પૈકીની એક ઉદયન પીઠ ગિરનાર પર્વત પરના ૫૦૦૦ પગથિએ આવેલી છે. મહંત તનસુખગીરી બાપુના જણાવ્યા મુજબ માતાજીના ઉદરનો ભાગ અહિં પડયો હોય આ પીઠ ઉદયન પીઠ તરીકે ઓળખાય છે. દરમિયાન માતાજીના પ્રાચિન મંદિરે સોમવાર ૨૧ જાન્યુઆરી પોષ સુદી પુનમ રોજ પ્રાગટ્યોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના મહંત અને મોટા પીરબાવા તનસુખગીરી બાપુ, નાનાપીરજી મહંત ગણપતગિરી બાપુ તેમજ માંઇ ભકતોની ઉપસ્થિતીમાં ઉજવણી અંતર્ગત શ્રીંગાર સાથે શ્રી સુકતના પાઠ,હોમ હવન કરી ગંગાજળ અને દૂધથી માતાજીને અભિષેક કરવામાં આવ્યો હતો. બાદમાં મંદિર ધ્વજા ચડાવવામાં આવી હતી.બપોરે મહાઆરતી કરવામાં આવી હતી. બાદમાં સમુહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હોય જેનો ભાવિકોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

Leave A Reply