Thursday, May 28

જૂનાગઢની બહાઉદીન સાયન્સ કોલેજના યજમાનપદે ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસનો નેશનલ સેમિનાર યોજાયો

ભૌતિક વિકાસની દોટમાં જાણે-અજાણે થઈ રહેલા પ્રકૃતિના દોહન અને ગ્લોબલ ર્વોમિંગની સ્થિતિમાં ખોરવાયેલા પ્રાકૃતિક સમતોલનને નિયંત્રણમાં રાખવા સહિતના પર્યાવરણીય ઉમદા હેતુએ જૂનાગઢમાં યોજાયેલ ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ એસોસીએશનનો નેશનલ સેમિનાર જૂનાગઢના સાયન્સના વિદ્યાર્થીઓ અને દેશની વિવિધ યુનિવર્સિટીમાંથી આવેલા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે અભ્યાસુ બની રહ્યો હતો.
જૂનાગઢ ખાતે આવેલી અને દેશની લબ્ધ પ્રતિષ્ઠિત કોલેજોમાં સ્થાન પ્રાપ્ત એવી બહાઉદીન સાયન્સ કોલેજના યજમાનપદે અને એમ.એસ.યુનિ. બરોડા ડીપાર્ટમેન્ટ ઓફ બોટનીના સહયોગથી ગઈકાલે યોજાયેલા ઇન્ડીયન સાયન્સ કોંગ્રેસ એસો.ના આ નેશનલ સેમિનારમાં તજજ્ઞોએ સમતોલ અને ટકાઉ વિકાસ માટે વૈશ્વિક, દેશ અને રાજ્ય કક્ષાએ થઈ રહેલા પ્રયાસો અને તેમાં લોકોની જાગૃતિ સાથેની સહભાગિતાની આવશ્યક્તા ઉપર પર્યાવરણવિદ અને વન વિભાગના વરિષ્ઠ નિવૃત્ત પ્રિ. સી .સી .એફ શ્રી ભરતભાઇ પાઠકે પ્રેઝન્ટેશન સાથે અભ્યાસુ માહિતી આપી હતી. તેઓએ ટકાઉ વિકાસ માટે તેમજ પર્યાવરણ સમતુલા માટે દિન પ્રતિદિન આગળ વધતી સ્થિતિ અને તેમાંય નવી પેઢીના આવશ્યક યોગદાન અંગે વિગતવાર માહિતી આપી હતી.
ગીર અને ગિરનાર અને તેની દુર્લભ વન્યજીવ સુષ્ટી અંગે થયેલા વેલ્યુએબલ સર્વે, તેનું મહત્વ અને પ્રકૃતિ દ્વારા જૂનાગઢ પ્રદેશને અપાયેલો જૈવ વિવિધતા સાથેનો નૈસર્ગિક વારસો સહિતની અધિકૃત માહિતી આપી હતી. આ તમામ વિગતો જાણી ભાવિ સંશોધકો અને સાયન્સના વિદ્યાર્થીઓ અભિભુત થયા હતા.
એમ.એસ યુનિર્વસીટીના પ્રો. ધર્મેન્દ્ર શાહે નવી ટેકનોલોજીથી પર્યાવરણનું સંવર્ધન અને સંરક્ષણ કંઇ રીતે કરવું તે અંગે વિગતવાર માહિતી આપી હતી.રીમોટ સેન્સરીંગથી અવકાશીય સંશોધનના આવિષ્કારથી વનસ્પતિ અને વન્યજીવો ઉપર કંઇ રીતે દેખરેખ રાખી શકાય અને તે અંગે હાલના સફળ પ્રયાસોની વિગતો આપી હતી.
સાયન્સના વિધાર્થીઓએ પર્યાવરણ અંગેની તેમની પરિકલ્પના, આઇડીઆ અને પ્રતિબધ્ધતા રજુ કરતા ૨૦૦ પોસ્ટર કમ પ્રોજેકટ નિદર્શીત કર્યા હતા. રસોડાના ડોમેસ્ટીક કચરામાંથી ખાતર બનાવવાની થીમ ઉપર યુથ સાયન્સમાં રેન્ક મેળવનાર જૂનાગઢની એંજલે પણ તેનો પ્રતિભાવ આપ્યો હતો.
બહાઉદીન સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ અને અધ્યક્ષ ડો. આર.પી. ભટ્ટે કાર્યક્રમની સફળતા માટે સૌનો આભાર વ્યકત કર્યો હતો. તેઓએ આ સેમિનાર વિધાર્થીઓ માટે કંઇ રીતે ઉપયોગી બની રહેશે તેની વિગત આપી હતી. ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી અને પ્રો. મનીષ જાનીએ સેમીનારનું સંચાલન કર્યું હતું. આ સેમીનારમાં ઇન્ડીયન સાયન્સ કોંગ્રેસ એસો.ના પ્રેસીડેન્ટ મનોજ ચક્રવર્તી, ભાવિ પ્રેસીડેન્ટ શ્રી વિજયાલક્ષ્મી સકસેના, પુર્વ પ્રમુખ શ્રી એ.કે. સકસેના, બરોડા સેપ્ટરના પ્રમુખ સુશ્રી જી. સંધ્યાકિરણ તેમજ વિવિધ રાજય બિહાર, મહારાષ્ટ્ર, ઉતરપ્રદેશ, પશ્રિમ બંગાળ સહિતની યુનિ.ના વિધાર્થીઓ તેમજ પ્રોફેસર અને ગુજરાતની એસ.પી યુનિ., નર્મદ યુનિ., નરસિંહ મહેતા યુનિ., સૌરાષ્ટ્ર યુનિ.ના પ્રોફેસર અને સાયન્સના વિધાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

Leave A Reply