અમે ફ્રન્ટફુટમાં રમવા આવ્યા છીએ નહીં કે બેકફુટ પરઃ રાહુલ ગાંધી

લખનઉમાં પ્રિયંકા-રાહુલનો લકી બસમાં ૧૫ કિમીનો લાંબો રોડ શો

ભવ્ય રોડ શો પ્રિયંકા-રાહુલનું ઠેર-ઠેર સ્વાગત કરાયું,ભાઈ-બહેનનું ઉત્તરપ્રદેશમાં શક્તિપ્રદર્શન

લખનઉ,તા.૧૧
પૂર્વીય ઉત્તર પ્રદેશનાં ચાર્જ સાથે કોંગ્રેસનાં મહામંત્રી બનેલાં પ્રિયંકા ગાંધી-વાડ્રાએ લોકસભા ચૂંટણી પૂર્વે એમનાં ‘મિશન યૂપી’નો આજથી ધમાકેદાર રીતે આરંભ કર્યો છે. તેઓ પાંચ દિવસ માટે ઉત્તર પ્રદેશમાં રહેવાનાં છે. આજે એમણે પાટનગર લખનઉમાં રોડશો આદર્યો હતો. કોંગ્રેસના આ મેગા રોડશોમાં કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓ હજારોની સંખ્યામાં જાડાયાં હતા. પ્રિયંકાની સાથે આ રોડશોમાં એમનાં ભાઈ અને પક્ષપ્રમુખ રાહુલ ગાંધી પણ સામેલ થયા હતા. આ ૧૫-કિલોમીટર લાંબા રોડશોનો આરંભ પ્રિયંકા અમૌસી એરપોર્ટ ખાતેથી જ કરવામાં આવ્યો હતો.
રોડશો એરપોર્ટથી નેહરુ ભવન સુધીનો હતો, જે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિનું મુખ્યાલય છે. સમગ્ર રોડશોનાં રૂટ પર ઠેર ઠેર પક્ષનાં બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ હાથમાં પક્ષના ધ્વજ સાથે ઊભા હતા. પક્ષના મુખ્યાલયને પણ ફૂલો અને ધ્વજથી શણગારવામાં આવ્યું હતું. મુખ્યાલય તરફ દોરી જતા રસ્તાની બંને બાજુએ પક્ષના ધ્વજ લગાડવામાં આવ્યા હતા.
આ રોડશોમાં પશ્ચિમી ઉત્તર પ્રદેશનો ચાર્જ મેળવનાર જ્યોતિરાદિત્ય સિંધિયા પણ સામેલ હતા. ગયા મહિને રાજકારણમાં પ્રવેશ કર્યાં બાદ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશમાં આ પહેલી જ વાર મુલાકાત લીધી છે. કોંગ્રેસ પાર્ટીએ પ્રિયંકાને ઉત્તર પ્રદેશની ૮૦માંથી ૪૨ લોકસભા સીટ જીતી આપવાની જવાબદારી સોંપી છે. આમાં ૩૦ સીટ પૂર્વાંચલમાં છે અને બાકીની અવધમાં છે.
રાહુલ ગાંધીએ રોડ શો દરમિયાન નાનકડુ ભાષણ આપ્યુ હતુ. ‘ચોકીદાર ચોર છે’નાં નારા લગાવ્યા હતા. દેશનાં ચોકીદારે યુપી અને બાકીનાં રાજ્યો પાસેથી પૈસા ચોરી કર્યા છે. કાલનાં પેપરમાં લખવામાં આવ્યુ છે કે ભ્રષ્ટાચારનો ક્લોઝ મોદીએ હટાવ્યો અને અનિલ અંબાણીને ફાયદો પહોંચાડ્યો હતો. હવે મેં પ્રિયંકા અને સિંધિયાજીને અહીંના મહાસચિવ બનાવ્યા છે. ઉત્તરપ્રદેશમાં વર્ષોથી જે અન્યાય થઈ રહ્યો છે તેની સામે લડવાનું છે અને ન્યાય વાળી સરકાર લાવવાની છે. લોકસભા તેમનું લક્ષ્ય જરૂર છે, પરંતુ આ લોકોએ વિધાનસભામાં પણ કોંગ્રેસની સરકાર બનાવાની છે. જ્યા સુધી કોંગ્રેસની સરકાર નહી બને ત્યા સુધી હું ,સિંધિયાજી અને પ્રિયંકા લડતા રહીશું. અમે બેકફુટ પર રમવાવાળા નથી.
પ્રિયંકા ગાંધી ૧૪ ફેબ્રુઆરીના રોજ ચાર દિવસના ઉત્તર પ્રદેશ પ્રવાસ બાદ દિલ્હી પરત ફરશે. તેનો ચાર દિવસનો પ્રવાસ એવી રીતે નક્કી કરવામાં આવ્યો છે જેનાથી તે વધારેમાં વધારે લોકો સાથે મુલાકાત કરી શકે.


Leave A Reply