મિનીકુંભમાં નાગા સાધુની રવાડીનો રૂટ લંબાશે

મહાશિવરાત્રિ નિમીત્તે યોજાતા મહાશિવરાત્રીના મેળાને મિની કુંભનો દરજ્જો તો મળી ગયો. પણ તેના ભાગરૂપે મેળામાં ઘણા ફેરફારો પણ જોવા મળશે. પ્રથમ વખત યોજાતા મિની કુંભ મેળાને લઇને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. તેમજ મહાશિવરાત્રિનાં દિવસે નિકળતા નાગા સાધુઓનાં સરઘસનો રૂટ મિની કુંભમાં લંબાઇ જવાનો છે. સુત્રોનાં જણાવ્યા મુજબ, હાલ મહાશિવરાત્રિનાં દિવસે નિકળતી રવાડી જૂના અખાડાથી શરૂ થતી હોય છે. તેમાં પાછળથી આવાહ્ન અખાડા અને અગ્નિ અખાડા જોડાય છે. આ રવાડી જૂનાગઢ અખાડાથી મંગલનાથની જગ્યા, દત્ત ચોક, રૂપાયતન ગેટ સુધી જાય છે. અને ત્યાંથી પરત આવી સીધી ભવનાથ મંદિરમાં પ્રવેશી મૃગી કુંડમાં સ્નાન કરે છે.પરંતુ આ વખતે અન્ય ૧૦ અખાડા પણ મિની કુંભમાં સામેલ થવા આવી પહોંચશે. સાથે તેમના મહામંડલેશ્વરો, વરિષ્ઠ સંતો, વગેરે પણ ઉપસ્થિત રહેશે. તેઓ પોતપોતાના ઇષ્ટદેવની પાલખી સાથે રવાડીમાં જોડાતાં રવાડીની લંબાઇ વધશે.વળી તેઓનો ઉતારો જ્યાં હશે ત્યાંથી મુખ્ય રવાડી સુધી આવવાનો રૂટ પણ સામેલ થશે. બીજી તરફ આ રૂટને હવે રૂપાયતન ગેટથી પણ આગળ લઇ જવાય અને એ રીતે રવાડીનો રૂટ લંબાવાય એવી શક્યતા છે. જોકે, તે ક્યાં સુધી લંબાવાશે એ હજુ નક્કી નથી. દર વખતે સંતોની સંખ્યા જે હોય છે એ ડબલ થવાનો અંદાજ લગાવાયો છે. અને તેને લીધે મૃગીકુંડમાં સ્નાનનો સમય પણ વધી જશે.

Leave A Reply