જૂનાગઢ ખાતે મીનીકુંભ શિવરાત્રી મેળાની તૈયારીને આખરી ઓપ


જૂનાગઢ નજીક આવેલાં ભવનાથ તળેટી ખાતે આ વર્ષે શિવરાત્રીનાં પર્વને મીનીકુંભ મેળા તરીકે ઉજવવામાં આવી રહેલ છે અને તેને લઈને ભારે તૈયારી ચાલી રહી છે. ભારે ઉત્સાહ સાથે આ મીનીકુંભ મેળો યોજાઈ રહ્યો છે આગામી તા.ર૭ ફ્રેબુઆરીથી ગિરનાર તળેટી ખાતે યોજાનાર મીનીકુંભ મહાશિવરાત્રી મેળા અંતર્ગત તડામાર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. અને મીનીકુંભ મેળા માટે ફાળવવામાં આવેલ રૂ.૧પ કરોડની રકમ અંતર્ગત ભવનાથ તળેટી વિસ્તારમાં માળખાગત સુવિધાઓ મેળા, અંતર્ગતના વિશિષ્ટ આયોજનો જેવા કે પ૧ લાખ રૂદ્રાક્ષ સાથેનું શિવલીંગ, ટેન્ટ સીટી તેમજ ભજન-લોકડાયરા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનાં આયોજન અંગે આ રકમ ખર્ચાશે તેમ જણાવાઈ રહ્યું છે. મીનીકુંભ તરીકે પ્રથમ વખત જાહેર કરાયેલ ભવનાથ મહાશિવરાત્રી મેળાના આયોજનને સાંગોપાંગ પાર ઉતારવા મહાપાલિકા તંત્ર દ્વારા તળેટી વિસ્તારમાં હાઈમાસ્ટ ટાવર, બેરીકેટીંગ, સીસીટીવી કેમરા તેમજ ગટર સુવિધા અંગેના અનેક કામો શરૂ કરી દેવામાં આવ્યાં છે. રૂ.૧પ કરોડની રકમ ફકત આ વર્ષનાં જ આયોજન માટે નહીં પણ લાંબાગાળાનાં આયોજન અને સુવિધાઓ માટે ખર્ચવામાં આવશે. તેમ ડી.એમ.સી.એમ.કે.નંદાણીયા દ્વારા જણાવી તેમણે ઉમેર્યું છે કે દરવર્ષનાં મેળા દરમ્યાન રૂટીન કામગીરી કરતાં આ વર્ષે મીનીકુંભ જાહેર થતાં કામગીરીમાં ૩ ગણો વધારો થયો છે. મીનીકુંભ મેળામાં યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી યોજાનાર હોવાનું જણાવાઈ રહ્યું છે. દરવર્ષની જેમ જ આ વર્ષે પણ મહાશિવરાત્રી મેળા અંગે ઉત્સાહનું વાતાવરણ જાવા મળી રહ્યું છે. ભવનાથ તળેટી વિસ્તારમાં રૂપાયતન પાસે ૧પ૦ ટેન્ટ સાથેનું ટેન્ટસીટી બાંધવાની કામગીરી ચાલી રહી છે. મેળામાં આવનાર સાધુ-સંતો સહિતનાં મહાનુભાવો માટે ટેન્ટસીટીનું વિશેષ આયોજન કરાયું છે. ભારતી આશ્રમ પાસે રૂ.પ૧ લાખનાં ખર્ચે પ૧ ફુટ ઉંચા રૂદ્રાક્ષનાં ભવ્ય શિવલીંગ બનાવવા અંગે કામગીરી ચાલી રહી છે. મેળામાં આવનાર હજારો ભાવિકો માટે અન્નક્ષેત્રો ચલાવવા તળેટી સ્થિત ગોરક્ષા આશ્રમ સહિતનાં આશ્રમો તેમજ વિવિધ સ્થળોએ હંગામી ધોરણે ઉભા થનાર અન્નક્ષેત્રો માટે આયોજકો દ્વારા ઘી, તેલ, લોટ, ખાંડ વગેરે સામગ્રીઓનાં સ્ટોક મંગાવવામાં આવી રહ્યાં છે.

Leave A Reply