Sunday, January 19

હાથી, ઘોડા, પાલખી, બેન્ડવાજાનો સાધુ-સંતોએ કર્યો બહિષ્કાર -સાદાઈથી રવાડી કાઢવામાં આવશે

જૂનાગઢમાં યોજાઈ રહેલ ગિરનાર શિવરાત્રી કુંભ મેળો સાદાઈથી ઉજવાય તે બાબતે ચર્ચા વિચારણા કરવા માટે ભવનાથ મંદિર ખાતે અખાડાના વરિષ્ઠ સંતોની બેઠક મળી હતી, જેમાં સાધુ-સંતોએ તેમને મળનારી દાન-દક્ષિણાની તમામ રકમ પુલવામાના શહીદ જવાનોના પરિવારજનો માટે શહીદ ફંડમાં અર્પણ કરવાનો સર્વાનુમતે નિર્ણય લીધો હતો. બીજી બાજુ, શિવરાત્રી મીની કુંભની સાદાઈથી ઉજવણી કરવા અને મેળામાં હાથી, ઘોડા અને પાલખી સાથે રવેડીના આયોજન મુદ્દે આજે જૂનાગઢ જીલ્લા કલેક્ટર સાથે અને જીલ્લા પોલીસ વડા સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે હાથી, ઘોડા, પાલખી, બેન્ડવાજાનો સાધુ-સંતોએ બહિષ્કાર કરેલ હતો. અને સાદાઈથી રવાડી કાઢવામાં આવશે તેવો નિર્ણય લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, જૂનાગઢમાં ગઈકાલે સરકારના ત્રણ મંત્રીઓ સાથેની બેઠકમાં વરિષ્ઠ સંત ઇન્દ્રભારથી બાપુએ રજુઆત કરી હતી કે, એક તરફ દેશ ૪૪ જવાનોની શહીદીના કારણે શોકમગ્ન છે, ત્યારે શિવરાત્રી મેળાને સાદાઈથી ઉજવવો જોઈએ અને મેળામાં હાથી, ઘોડા, પાલખી અને બેન્ડવાજાનો ઉપયોગ કરીને ભપકો કરવો ન જોઈએ. આ બાબતે આજે આખરી નિર્ણય લેવા માટે અખાડાના વરિષ્ઠ સંતો ભવનાથ મંદિર ખાતે ગઈકાલે સાંજે ૬ વાગ્યે મળ્યા હતા. પ્રથમ તમામ સંતોએ ભવનાથ દાદાને જળ અને પુષ્પ ચડાવી મંત્રોચ્ચાર સાથે અભિષેક કર્યો હતો. તમામ સંતોએ શહીદ જવાનો માટે બે મિનિટનું મૌન કરી શ્રાદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
આ બેઠકમાં સાધુ-સંતો દ્વારા સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો કે, સાધુ-સંતોને જે સરકાર તરફથી બે થી ત્રણ કરોડની દાન અને દક્ષિણા મળશે અને દાનની રકમ પણ શહિદોને આપશે. આ ઉપરાંત, શહીદ પરિવારના વારસદારને નોકરી મળે તેવી રજુઆત કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં અખાડા મંડળ દ્વારા એક અલગ દાન પેટી રાખીને શહીદો માટે ઓછામાં ઓછી રૂ. ૧૦ લાખની રાશિ એકત્ર કરવામાં આવનાર છે. ઉપરાંત, ઈન્દ્રભારથી બાપુ તરફથી રૂ. ૧૦ લાખની રાશિ જૂનાગઢ જિલ્લા કલેકટરને શહીદોના પરિવાર માટે અર્પણ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
આ બેઠકમાં હરિગીરીબાપુ, ભારતીબાપુ, ઇન્દ્રભારથીબાપુ, તનસુખગીરીબાપુ, શૈરનાથ બાપુ સહિતનાં અખાડા પરિષદનાં મહંતો, સંતો, મહામંડલેશ્વરોનાં સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા.

Leave A Reply