Monday, December 9

જૂનાગઢમાં એક કંપનીના કર્મચારીઓએ એસબીઆઈ બેન્કનાં ર૪ એટીએમમાંથી રૂ.ર.૪ કરોડનાં નાણાંની કરી ઉચાપત

જૂનાગઢ શહેરમાં દિન-પ્રતિદિન છેતરપિંડી-વિશ્વાસઘાત સહિતનાં બનાવોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ સાથે જ બેન્કનાં એટીએમમાંથી નાણાંની ઉચાપતનાં કિસ્સાઓ પણ સતત વધી રહ્યાં છે. આ દરમ્યાન વધુ એક કિસ્સો બહાર આવેલ છે જેમાં એક કંપનીનાં કર્મચારીઓએ બેન્કનાં એટીએમમાંથી રૂ.ર.૪ કરોડની ઉચાપત કર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગેની પોલીસે આપેલી વિગત અનુસાર ફરીયાદી આશિષભાઈ પ્રવિણભાઈ ગોહેલ (દરજી, રહે.ભાવનગર)વાળાએ પોલીસમાં એવી ફરીયાદ નોંધાવી છે કે મિલન મનસુખભાઈ ઉમરેટીયા (રહે.ખલીલપુર, ગોરધનનગર- બ્લોક નં.૬) તેમજ વિક્રમસિંહ દિલિપસિંહ ચૌહાણ (દરબાર, રહે.મધુરમ)ને કંપનીએ નોકરી ઉપર રાખેલ હતાં. કસ્ટોડીયન ખાનગી કંપનીમાં નોકરી કરતાં હતાં તે દરમ્યાન આરોપી નં.૩ નિમેષ ગઢીયા (પટેલ, રહે.સુરત) સાથે મળી અગાઉથી પૂર્વયોજીત કાવતરૂં રચી અને સરકારી એસબીઆઈ બેન્ક જૂનાગઢમાંથી પોતાનાં અંગત ફાયદા સારૂં કંપનીને જાણ કર્યા વિનાં રૂ.ર,૦૪,૯૧,૬૦૦ બેન્કમાં ભરી અને પોતાનાં અંગત ફાયદા માટે એટીએમ મારફત આ રૂપિયા ઉપાડી લીધા હતા. તા.રપ-૧-ર૦૧૯ થી તા.ર૮-૩-ર૦૧૯ દરમ્યાન બનેલાં આ બનાવ અંગે આશિષભાઈ પ્રવિણભાઈ ગોહેલએ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપી વિરૂધ્ધ કલમ ૪૦૬, ૪૦૯, ૪ર૦, ૧૧૪, ૧ર૦ (બી) અંતર્ગત ગુનો દાખલ કરેલ છે આ બનાવની વધુ તપાસ પીએસઆઈ એન.કે.વાજા ચલાવી રહ્યાં છે.

Leave A Reply