દેવેન્દ્રસિંહ ચૌહાણને સર્વે સમાજ અને મિડીયા જગતની અશ્રુભીની શ્રધ્ધાંજલી

જૂનાગઢ તા.૧
જૂનાગઢનાં tv9 નાં પત્રકાર દેવેન્દ્રસિંહ ચૌહાણનું દુઃખદ નિધન થતાં મિડીયા જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આજે તેમનાં નિવાસ સ્થાનેથી નિકળેલી સદ્‌ગતની અંતિમ યાત્રામાં વિવિધ ક્ષેત્રનાં અગ્રણી, આગેવાનો તેમજ પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયાનાં પત્રકાર મિત્રો
ઉપસ્થિત રહ્યાં હતાં અને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
ખુબ જ નાની ઉંમરમાં પત્રકાર તરીકે કામગીરી સંભાળી અને ખુબ જ ટુંકાગાળામાં પત્રકારત્વ ક્ષેત્રે ઝડપી અને નિષ્ઠાવાન કામગીરીનાં કારણે સમાચાર જગત જૂનાગઢ શહેર-જીલ્લાનાં પ્રાણ પ્રશ્નો ઉઠાવી સતત નેટવર્ક જારી રાખેલ અને ટોપથી બોટમ સુધીનાં લોકો સાથે સંબંધનું સાત્તય જાળવેલ. ઝડપી કામગીરી કોને કહેવાય ? અને સ્ટોરી કે સમાચાર કેમ બનાવાય? તે તેમાં દેવેન્દ્રસિંહ ચૌહાણની માસ્ટરી રહી હતી. અખબારોમાં પત્રકાર તરીકે સેવાઓ આપ્યા બાદ ઈલેકટ્રોનિક યુગની શરૂઆત સાથે દેવેન્દ્રસિંહ ચૌહાણે ઈલેકટ્રોનિક મિડીયામાં પણ ખુબ જ મહત્વનું યોગદાન આપેલ છે. છેલ્લાં કેટલાંય સમયથી tv9 નાં પત્રકાર તરીકે કામગીરી સંભાળી હતી અને આખરી શ્વાસ સુધી બેખુબી તેઓએ જવાબદારી નિભાવી છે. પત્રકાર તરીકેની કામગીરીમાં દેવેન્દ્રસિંહ ચૌહાણે નાના માણસથી લઈ વિવિધ ક્ષેત્રનાં લોકો સાથે તેમજ રાજકીય પાર્ટી, ઉચ્ચ અધિકારીઓ તમામનો વિશ્વાસ પણ સંપાદન કરી અને સંવાદનો સેતુ જાળવી રાખ્યો હતો. કોઈ પણ બનાવ બને ત્યારે ગણતરીની મિનીટોમાં જ જેને બનાવની જાણ થઈ જતી તેવા દેવેન્દ્રસિંહ ચૌહાણનું લોકસંપર્ક અને નેટવર્ક કાબીલેદાદ હતું. ટુંકી માંદગી બાદ તેઓનું નિધન થતાં મિડીયા જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે અને આજે સદ્‌ગતની અંતિમ યાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જાડાયા હતા અને સદ્‌ગતને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

Leave A Reply