Monday, December 16

જૂનાગઢની લોકસભાની બેઠક ઉપરથી ચૂંટણી લડવી નથી પરંતુ મોટી લીડથી જીતવી છે તેવો રણ ટંકાર કરતાં કોંગ્રેસના ઉમેદવાર પુંજાભાઈ વંશ

જૂનાગઢ લોકસભાની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પુંજાભાઈ વંશએ આજે પોતાની ઉમેદવારી સતાવાર રીતે નોંધાવી હતી. એક વિશાળ રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં કાર્યકર્તાઓ, ટેકેદારોની ઉપસ્થિતિમાં સંબંધીત અધિકારીઓને પોતાનું ઉમેદવારી પત્રક રજુ કર્યું હતું. આ પહેલા સવારના સમયે દોમડીયા વાડી ખાતે કોંગ્રેસ પક્ષનું ‘પરીવર્તન વિશ્વાસ સંમેલન’ યોજવામાં આવ્યું હતું.
આગામી તા.ર૩ એપ્રિલના રોજ જૂનાગઢ લોકસભાની બેઠકની ચૂંટણી યોજાઈ રહી છે આ બેઠક ઉપર કોંગ્રેસ તરફથી ઉનાના વર્તમાન ધારાસભ્ય પુંજાભાઈ વંશને ટીકીટની ફાળવણી કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. આ સંમેલનમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનને સંબોધતા જૂનાગઢની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પુંજાભાઈ વંશએ રણ ટંકાર કરતાં જણાવ્યુ હતું કે, આપણે ચૂંટણી લડવી નથી પરંતુ મોટી લીડથી ચૂંટણી જીતવી છે ર૩ તારીખે મતદાન છે એટલે કે સંખ્યાની દ્રષ્ટીએ જાઈએ તો ર + ૩ બરાબર પાંચ એટલે કે પંજાબનો જશે જય જય કાર. તેઓએ ભાજપની સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, ભાજપે બંધારણીય તંત્રનું ભગવાકરણ કરી નાખ્યું છે.લોકો ખુલ્લા મને સ્વતંત્રપણે બોલી શકતા નથી અને સ્વતંત્રપણે બોલનારને યેનકેન પ્રકારે ફસાવી આઈ.ટી., ફેરા, પોલીસના નામે હેરાન કરી મુકવામાં આવે છે. તે બાબતે લોકોએ જવાબ આપવાનો સમય આવી ચુકયો છે. બેરોજગારીનો વિકાસ પ્રશ્ન, કૃષીની ખરાબ હાલત, પીવાનું પાણી, શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા પ્રશ્ને લોકોને રઝળતા કરી મુકવામાં આવ્યા છે. તેવો આક્ષેપ કરી જુસ્સાભેર જણાવ્યુ હતું કે, ભારતના સવાસો કરોડ લોકોને ન્યાય અપાવવાની આ લડત છે.
બંધારણને બચાવાની આ લડત છે અને આપણી જીત નિશ્ચિત છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સંમેલન બાદ રેલી સ્વરૂપે વિશાળ ટેકેદારોની હાજરીમાં પુંજાભાઈ વંશએ પોતાનું ઉમેદવારી પત્રક રજુ કર્યું હતું.

Leave A Reply