Wednesday, June 26

આવતીકાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થશે

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં આવતીકાલથી ચૈત્રી નવરાત્રી નિમિતે માતાજીનાં મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે.
વર્ષમાં ચાર નવરાત્રીનું ખુબ જ મહત્વ છે જેમાં અષાઢ, આસો, માઘ તથા ચૈત્ર સુદ એકમથી નોમ સુધી નવ દિવસ માતાજીની ઉપાસના ભકતજનો કરે છે. આવતીકાલથી ચૈત્ર માસનાં નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જૂનાગઢ શહેરમાં આવેલાં માતાજીનાં મંદિરોમાં સવારથી જ પૂજન-અર્ચન સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવશે. કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલ આઈશ્રી ખોડીયાર માતાજીનાં મંદિર તેમજ ઉપરકોટ ખાતે અને ખામધ્રોળ વિસ્તારમાં આઈશ્રી ખોડીયાર માતાજીનાં મંદિરે સવારથી જ પૂજન-અર્ચન સહિતનાં કાર્યક્રમો યોજાશે. જયારે ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલાં સુપ્રસિધ્ધ વાઘેશ્વરી માતાજી અને ગાયત્રી માતાજીનાં મંદિરે પણ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ચામુંડા માતાજી મંદિર, મહાકાળી માતાજી મંદિર, મહાલક્ષ્મી માતાજી મંદિર, ગાત્રાળ માતાજી મંદિર, વડાલ ખાતે આશાપુરા ધામ તેમજ ગિરનાર પર્વત ઉપર બિરાજતાં જગતજનની માં અંબાજી માતાજીનાં બેસણાં છે ત્યાં માતાજીનાં સાંનિધ્યમાં પૂજન-અર્ચન સહિતનાં કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત વિવિધ ધાર્મિક સ્થળોએ સંતો દ્વારા પણ અનુષ્ઠાનનાં કાર્યક્રમો યોજાશે. આવતીકાલથી માતાજીનાં મંદિરોમાં ભકતજનોની ભારે ભીડ લાગશે અને ઉપાસનાનું પર્વ ભકતિ ભાવપૂર્વક ઉજવાશે.

Leave A Reply