Monday, December 16

જૂનાગઢમાં સમસ્ત સિન્ધી સમાજની નિકળી ભવ્ય શોભાયાત્રા: વિવિધ કાર્યક્રમો સાથે ચેટીચંડ પર્વની થયેલ ભાવભેર ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ચૈત્રી નવરાત્રીનાં પાવન પ્રસંગે સિંધી નૂતનવર્ષ (ચેટીચંડ)ની ઉજવણીનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ગામે-ગામ, ગુજરાતનાં દરેક શહેરોમાં જુદાં-જુદાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં હતાં. શનિવારથી શરૂ થયેલ ઉજવણીમાં વિવિધ કાર્યક્રમ યોજાયા હતા જયારે ગઈકાલે એટલે કે રવિવારનાં ઠેર-ઠેર શોભાયાત્રા, પ્રસાદ-ભોજન, ભંડારો સહિતનાં કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી અને સિંધી સમાજનાં ઈષ્ટદેવ ભગવાનશ્રી ઝુલેલાલનાં પ્રાગટય દિનની ભાવભેર ઉજવણી થઈ હતી અને સર્વત્ર આયોલાલ…ઝુલેલાલ…નાં નારા ગુંજી ઉઠયાં હતાં.
જૂનાગઢમાં શ્રી ઝુલેલાલ સેવા ટ્રસ્ટ દ્વારા સિન્ધી નૂતનવર્ષ ચૈત્ર સુદ-ર ચેટીચંડની થયેલ ઉજવણી
સિન્ધી નૂતનવર્ષ ચૈત્ર સુદ-ર ચેટીચંડ તા.૬-૪-ર૦૧૯ શનિવારથી શરૂ થયું હતું. જે સિન્ધી નેશનલ ડે તરીકે ઉજવવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ પ્રસંગ શ્રી ઝુલેલાલ મંડળી અને સિન્ધી સમાજ તરફથી ખુબ જ ધામધુમથી સિન્ધી મેળાનાં સ્વરૂપમાં કાર્યક્રમ યોજાયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાયેલી વિશાળ શોભાયાત્રામાં પોરબંદર, કુતિયાણા, બાંટવા, માણાવદર, વંથલી, ઉપલેટા, ધોરાજી, અમરેલી, ગોંડલ, માંગરોળ, જેતપુર, કેશોદ, માળીયા, વેરાવળ, પાટણ, કોડીનાર, રાજકોટ, ભાવનગર, ઉના, ધારી, ચોરવાડ, તાલાલા મેંદરડા, જામનગર, જેતલસર, સ્વામી લીલાશાહ નગર, ગિરીરાજ સોસાયટી, અંબિકાનગર સોસાયટીનાં બહિરાણા, મંડળીઓ આધ્યાત્મીક ઝાંખીઓ સાથે જૂનાગઢ શહેરમાં શોભાયાત્રા કાઢી ભાગ લીધો હતો. શોભાયાત્રા ગઈકાલ તા.૭-૪-૧૯ રવિવારનાં દિવસે જૂનાગઢ રેલ્વે સ્ટેશનથી બ૫ોરે ૩ વાગ્યે શરૂ થઈ હતી. આ શોભાયાત્રાનું દિપ પ્રાગટય મહારાજશ્રી જયકુમાર શર્મા દ્વારા કરવામાં આવેલ હતું આ તકે સંતો-મહંતો અને અગ્રણીઓની ઉપસ્થિત રહ્યાં હતાં. આ શોભાયાત્રા રેલ્વે સ્ટેશનથી શરૂ થઈ હતી અને વિવિધ માર્ગો ઉપરથી પસાર થઈ હતી. જેમાં આકર્ષક ફલોટ, ધુન-મંડળી, રાસ-મંડળી પણ જાડાયા હતાં. આ ઉપરાંત તા.૬-૪-ર૦૧૯ને શનિવારનાં બપોરે ૧ર કલાકે ભંડારો, મહાપ્રસાદ તેમજ સાંજના ૮ કલાકે ઝુલેલાલ વાડી ફુલીયા હનુમાન રોડ ખાતે સિંધી ગીત-સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. જયારે રવિવાર તા.૭-૪-ર૦૧૯નાં યોજાયેલી શોભાયાત્રામાં આવેલ તમામ ઝાંખીઓને ઈનામ વિતરણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. શનિવાર અને રવિવાર બંને દિવસે રાત્રીનાં મહાપ્રસાદીનું આયોજન પણ ઝુલેલાલ વાડી ખાતે થયું હતું અને જેમાં ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો.
જૂનાગઢમાં સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશન તથા ભારતીય સિન્ધુ સભા આયોજીત ચેટીચંડ ધર્મોત્સવની
ઉજવણી કરાઈ
સિન્ધુત્સવ નવરાત્રીનાં સફળ આયોજન બાદ સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા જૂનાગઢ ખાતે પરંપરા અનુસાર આ વર્ષે સિંધી સમાજનાં ઈષ્ટદેવ ભગવાનશ્રી ઝુલેલાલનાં પ્રાગટય દિન નિમિતે સિંધી નૂતનવર્ષ (ચેટીચંડ)ની હર્ષોલ્લાસથી સિંધી સંસ્કૃતિનાં ગીત-સંગીત તથા સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી.નૂતનવર્ષનાં પાવન પ્રસંગે પૂજનીય સંતોનું હાર્દિક સન્માન અને પૂજન કરવામાં આવશે. ચેટીચંડ પર્વની ઉજવણી અંતર્ગત તા.૬-૪-ર૦૧૯ને શનિવારે સાંજના પ વાગ્યાથી નિલકંઠ પાર્ટી પ્લોટ ઝાંઝરડા બાયપાસ ચોકડી જૂનાગઢ ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. સુનિલભાઈ નાવાણી, કિશોરભાઈ અજવાણી, રાજુભાઈ નંદવાણી, વિરભાણ આહુજા, દિલીપભાઈ બહિરવાણી, હરેશભાઈ ગોધવાણી, ગિરીશભાઈ કાંજાણી, ડો.પાયલ ગોધવાણી, કમલેશભાઈ ધમાણી, શ્રીભાઈ લાલવાણી, તુલસીભાઈ ઓતવાણી, તોલારામ ગહેનાણી, હરેશભાઈ ક્રિપલાણી, જગદીશભાઈ રતનાણી વગેરે દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી તેમજ નૂતનવર્ષની જાજરમાન ઉજવણી સાથે સિન્ધુ વેલફેર ફાઉન્ડેશન સિંધી સમાજનાં તમામ પરિવારજનો માટે ધુવાડાબંધ મહાપ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી.

Leave A Reply