Wednesday, January 22

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આજે હનુમાનજયંતિની ભાવભેર ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે પવનપુત્ર-મારૂતિનંદન હનુમાનજી મહારાજની જયંતિની ભાવભેર અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે આજે સવારથી જ હનુમાનજીનાં મંદિરોમાં ભાવિક-ભકતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં. હનુમાનજી મહારાજને તેલ, સિંદુર, આંકડાની માળા અને પ્રસાદ ધરવામાં આવેલ અને સાથે સાથે સમગ્ર વિશ્વનાં કલ્યાણની પ્રાર્થના કરવામાં આવી હતી. જય હનુમાન, જ્ઞાન ગુણ સાગર, જય કપિસ તિહુ લોક ઉજાગર, રામદૂત અતિલુત બલધામા, અંજની પુત્ર પવન સુખ નામા, મહાવીર વિક્રમ બજરંગી, કુમતી નિવારસ સુમતી કે સંગી એવા હનુમાનજી મહારાજની આજ ચૈત્ર સુદ પૂનમનાં દિવસે હનુમાન જયંતિ મહોત્સવની જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. મારૂતિ નંદનનાં મંદિરે અનેરી સજાવટ સાથે સવારથી જ ભકતજનો દર્શનાર્થે ઉમટી પડ્યાં છે અને ઠેર-ઠેર બટુકભોજન સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.
સંકટ મોચન હનુમાનજી મહારાજનાં પ્રાગટયદિનને મનાવવા માટે ભકતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સમગ્ર સૌરાષ્ટ્રમાં આવેલા હનુમાનજી મહારાજનાં મંદિરે આજે સવારથી જ ભકતજનો દર્શનાર્થે ઉમટી પડયા હતાં. હનુમાનજી મહારાજને તેલ, સિંદુર, આંકડાની માળા અને પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો તેમજ ધુન, ભજન સહિતનાં કાર્યક્રમો પણ યોજાઈ રહ્યાં છે. દરેક પ્રકારનાં સંકટમાંથી મુકિત અપાવનારા તેમજ બળ, બુદ્ધિ, વિદ્યા તેમજ શકિત આપનારા તેમજ ભકતજનોની તમામ મુશ્કેલી દુર કરી અને સુખ-શાંતિ અને સમૃદ્ધિ આપનારા કષ્ટભંજન હનુમાનજી મહારાજનો અનેરો મહિમા છે ત્યારે ભાવિકો તેમની ભકિતમાં લીન બની ગયાં છે અને બટુકભોજન સહિતનાં કાર્યક્રમો મોટેપાયે યોજવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત જૂનાગઢ ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલાં સુપ્રસિધ્ધ લંબે હનુમાનજીની જગ્યા ખાતે હનુમાન જયંતિ મહોત્સવની ભકિત ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
લંબે હનુમાનજી મંદિરનાં બ્રહ્મલીન સંત પૂ.સ્વ.ઉત્તમચરણદાસજી પૂ.સ્વ.ગંગાદાસબાપુ, સ્વ.રામદુલારેદાસજીની નિશ્રામાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો અને સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. તેઓનાં માર્ગે વર્તમાન ગાદીપતિ મહંત શ્રી અર્જુનદાસજી ગુરૂશ્રી રામદુલારેદાસજી મહારાજ તથા સમસ્ત સેવક ભકતગણ દ્વારા સેવાકીય કાર્યો ચાલી રહ્યાં છે લંબે હનુમાનજી મંદિરે આજે હનુમાન જયંતિનાં પાવન પર્વે અન્નકોટ દર્શન, ચૌલા શણગાર, મહાઆરતીનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં તેમજ મહાપ્રસાદનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં પંચહાટડી ચોક ભૂતાવળી હનુમાનજી, વણઝારી ચોક ડબા ગલી ખાતે આવેલા હનુમાનજી મહારાજનાં મંદિર તેમજ રેલ્વે સ્ટેશન નજીક આવેલાં રોકડીયા હનુમાનજી મંદિર સહિતનાં ધાર્મિક સ્થળો તેમજ ટીંબાવાડી રોડ ઉપર આવેલાં તાત્કાલીક હનુમાનજી મંદિરે તેમજ મધુરમ વિસ્તારનાં કર્મચારી નગર અને અશોકનગર ખાતે આવેલા સંકટમોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે હનુમાનજયંતિનાં પાવનપર્વે સવારથી જ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.
આ ઉપરાંત વિવિધ ધાર્મિક સ્થળોએ આવેલાં મંદિરોમાં રહેલાં મારૂતિનંદન હનુમાનજી મહારાજનાં મંદિરમાં પણ પૂજન-અર્ચન સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં બટુકભોજન સહિતનાં કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે.

Leave A Reply