Wednesday, January 22

આવતીકાલે જૂનાગઢ લોકસભા અને માણાવદર વિધાનસભાની પેટા ચુંટણી : ચુસ્ત બંદોબસ્ત

જૂનાગઢ સહિત ગુજરાતની ર૬ લોકસભાની બેઠકની આવતીકાલ તા.ર૩ એપ્રિલનાં રોજ ચુંટણી યોજવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢ જીલ્લામાં પણ ચુંટણી અંગેની તૈયારીને ઓપ આપી દેવામાં આવેલ છે. આવતીકાલે નિર્ધારીત સમયે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જૂનાગઢ લોકસભાની બેઠક અને માણાવદર વિધાનસભાની બેઠકની પેટા ચુંટણી આવતીકાલે યોજાઈ રહી છે. ત્યારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. જૂનાગઢ જીલ્લા કલેકટર અને મુખ્ય ચુંટણી અધિકારી સૌરભ પારઘીનાં માર્ગદર્શન હેઠળ, જૂનાગઢ નાયબ ચુંટણી અધિકારી તેમજ જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહેલ છે. મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટેની તૈયારી પુરી કરી લેવામાં આવી છે. લોકો નિર્ભય રીતે મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને કોઈપણ જાતનાં અનિચ્છનીય બનાવ બને નહીં અને લોકશાહીનું પર્વ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટેનાં પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. જૂનાગઢ રેન્જનાં આઈજીપી સુભાષ ત્રિવેદી, જૂનાગઢ જીલ્લા પોલીસવડા સૌરભસિંઘ, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલ્લામાં ચુસ્ત અને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ, હોમગાર્ડ, મહિલા પોલીસ, એસઆરપી, બોર્ડર ફોર્સનાં જવાનો સહિતનો બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે. આવતીકાલે મતદાનની પ્રક્રિયા સવારનાં ૭ થી સાંજનાં ૬ કલાક દરમ્યાન હાથ ધરાશે અને લોકો પોતાનાં અમુલ્ય મત આપી અને મતદાનરૂપી ફરજ બજાવશે. જૂનાગઢની લોકસભાની બેઠક ઉપર ભાજપનાં ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા અને કોંગ્રેસનાં ઉમેદવાર પુંજભાઈ વંશ સહિત કુલ ૧ર ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ છે જયારે માણાવદર વિધાનસભાની બેઠક ઉપર યોજાઈ રહેલ પેટા ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર જવાહરભાઈ ચાવડા તેમજ કોંગ્રેસનાં ઉમેદવાર અરવિંદભાઈ લાડાણી અને નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીનાં રેશ્માબેન પટેલ સહિત આઠ ઉમેદવારો ચુંટણીનાં મેદાનમાં છે. ઉનાળાનાં સખ્ત તાપ વચ્ચે યોજાઈ રહેલી આ ચુંટણીમાં ઓછા મતદાનની ધારણાં સેવાઈ રહી છે. તો બીજી તરફ રાજકીય પક્ષો પોતાનાં ઉમેદવારને વિજેતા બનાવવા મતદારોને મતદાન બુથ ઉપર લઈ જવાં મહતમ પ્રયાસો કરશે. ચુંટણી જાહેર થઈ અને મતદાનની તારીખ આવી પહોંચી ત્યાં સુધીનાં ગણતરીનાં દિવસોમાં રાજકીય પક્ષોએ થાય તેટલાં સભા, સરઘસ, રેલી, ડોર ટુ ડોર પ્રચાર અને દોડાદોડી કરી લીધી છે તો બીજી તરફ મતદારોમાં નિરાશાની લાગણી જાવા મળી હતી.રાજકીય પક્ષોએ મતદારોને આકર્ષવા માટે ચુંટણી ઢંઢેરામાં વચનોની લ્હાણી કરી છે અને દાવા પ્રતિદાવા અને આક્ષેપોનો મારો ચલાવેલ છે તો બીજી તરફ ચુંટણીતંત્રે મતદાર જાગૃતિ અભિયાનનાં અનેક કાર્યક્રમો યોજયાં છે. એકબીજા ઉપર આક્ષેપ સિવાય ભાસણોનાં તિવ્ર મારાથી લોકો કંટાળી ગયા હતાં તેવા સંજોગોમાં આવતીકાલે કેટલું મતદાન થાય છે તે ઉપર સંબંધિત તમામની મીંટ રહેલી છે.

Leave A Reply