જૂનાગઢ લોકસભાની ચુંટણીમાં ગીર સોમનાથની ૪ વિધાનસભા બેઠકમાં સરેરાશ ૬૨.૪૯ ટકા મતદાન

જૂનાગઢ લોકસભા બેઠકની સામાન્ય ચુંટણીનાં ગઈકાલે યોજાયેલ મતદાનમાં ઉત્સાહભેર ગીર સોમનાથની પ્રજાએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જૂનાગઢ બેઠક વિસ્તારમાં ગીર સોમનાથ જીલ્લાની ચાર વિધાનસભા બેઠક આવે છે. ચારેય બેઠકમાં ગઈકાલે યોજાયેલ મતદાનમાં ૬૨.૪૯ ટકા શાંતિપૂર્ણ મતદાન થયું હતું.
જૂનાગઢ લોકસભા બેઠકમાં આવતી ગીર સોમનાથ જીલ્લાની સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉના વિધાનસભા બેઠક વિસ્તારમાં ગઈકાલે વહેલી સવારે ૭ વાગ્યે મતદાન શરૂ થયેલ ત્યારથી ઉત્સાહભેર લોકો મતદાન કરવા અવિરત આવન-જવાન કરતા નજરે પડતા હતા. ચારેય બેઠકમાં થયેલ મતદાનની ટકાવારી જોઈએ તો સવારે ૭ થી ૯ દરમ્યાન ૮.૫૭ ટકા, ૯ થી ૧૧ દરમ્યાન ૧૫.૩૬ ટકા, ૧૧ થી ૧ દરમ્યાન ૧૬.૫૦ ટકા, ૧ થી ૩ દરમ્યાન ૮.૫૦ ટકા, ૩ થી ૫ દરમ્યાન ૮.૬૦ ટકા મળી કુલ ૬૨.૪૯ ટકા જેવું સરેરાશ મતદાન થયું છે. ગીર સોમનાથ જીલ્લાની ચારેય બેઠકના મળી કુલ મતદારો ૯,૧૩, ૭૨૮ માંથી કુલ ૫,૭૦,૯૫૨ મતદારોએ મતદાન કરી તેમની ફરજ બજાવી હતી. જીલ્લાની ચારેય બેઠકમાં થયેલ મતદાનની મતો અને ટકાવારીની વાત કરીએ તો સોમનાથમાં ૧,૭૨,૦૭૧ (૭૦.૮૪ ટકા), તાલાલામાં ૧,૨૪,૮૩૮ (૫૮.૦૯ ટકા), કોડીનારમાં ૧,૨૮,૧૦૦ (૫૯.૬૩ ટકા), ઉનામાં ૧,૪૫,૯૪૩ (૬૦.૫૪ ટકા) મતો પડયા હતા. આમ, ગીર સોમનાથ જીલ્લા પોલીસ તંત્ર અને ચુંટણી તંત્રનાં ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજયપ્રકાશ, નાયબ ચુંટણી અધિકારી પ્રજાપતિ, ગીર સોમનાથ જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન મુજબ આયોજનબધ્ધ કામગીરી થકી ગીર સોમનાથ જીલ્લામાં એકપણ અનિચ્છનીય બનાવ બન્યો ન હોવાથી સમગ્ર ગીર સોમનાથ જીલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં સારૂ નોંધપાત્ર મતદાન યોજાયું હોવાનું જાણવા મળેલ છે. જો કે, મતદાનના પ્રારંભ પૂર્વે મોકડ્રીલ દરમ્યાન ગીર સોમનાથ જીલ્લામાં અમુક સ્થાળોએ ઇવીએમ, વીવીપેટ અને ઇયુ માં ટેકનીકલી ફોલ્ટ હોવાનું જણાતા બી.યુ.-૫, સી.યુ.-૧૧ અને વીવીપેટ-૨૦ સમયસર બદલાવવામાં આવેલ હતા.
અત્રે નોંધનીય છે કે, સોરઠના બે જીલ્લાને સાંકળતી જૂનાગઢ બેઠક હેઠળ સાત વિધાનસભા બેઠક આવે છે. જેમાં સૌથી વધુ મતદાન સોમનાથ બેઠક ઉપર ૭૦.૮૪ ટકા જેવું નોંધાયું છે.

Leave A Reply